Sep 30, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-627

જીવપણું તથા જગત પણું કે જેઓ ખોટાં જ છે-પણ તેઓ વિષે વિવેક ને માટે પુછતા હો-તો સાંભળો કે-એ ચૈતન્ય જયારે  અવિદ્યા-રૂપ વિચિત્ર રંગ-વાળા ચશ્માને ધારણ કરે છે-ત્યારે "જીવ" એ નામ-વાળું થઈને,જીવ-પણા અને જગત-પણાને દેખે છે.અને પોતાના સંકલ્પ થી જ "હું જડ છું" એવી ભાવના કરીને,
પોતાથી જ પોતાના વિકલ્પોથી ભરેલા દેહાદિક-પણાને પ્રાપ્ત થાય છે.

પોતે (બ્રહ્મ) જો કે નિષ્કલંક-રૂપી જ રહેલ છે,તો પણ પોતાના કલ્પિત લિંગ-શરીર નામના રૂપથી,
સંસારને પામીને ઉપાધિ-વાળા ચેતન (જીવ) થી જ ચેતન-વાળું થાય છે.અને
પોતે ચૈતન્ય-રૂપ છતાં,દૃઢ ભાવનાથી,લિંગ-શરીરમાં એક-પણાના અધ્યાસને પામેલા,જીવ-પણાને પામે છે.
આ પ્રમાણે ચૈતન્ય-મય-જીવ,ચૈતન્ય-તત્વના પ્રકાશથી શ્વાસોશ્વાસ-વગેરે ક્રિયાઓ ને પ્રાપ્ત થાય છે.

જીવ-પણાને પામેલું લિંગ-શરીર,પાંચ-મહાભૂતવાળા સ્થૂળ દેહના સંસ્કારથી યુક્ત થઈને,
તે,સ્થૂળ-દેહની પ્રાપ્તિ માટે "અન્ન તથા બીજ -વગેરે-રૂપ દ્રવ્ય હું છું" એવી ભાવના કરે છે.
એ દ્રવ્ય પ્રાણીના ખાવામાં આવતાં,તરત વીર્ય-પણાને પ્રાપ્ત થાય છે.
પછી ગર્ભાધાન ના ક્રમથી "હું પ્રાણ-વાળો-સ્થૂળ-દેહ ઉત્પન્ન થયો છું" એમ સમજી બેસે છે.

"અનુભવ-વાળું-બ્રહ્મ" જ ઉપર કહેલા અહંતા-વગેરે ક્રમથી સ્થૂળ-દેહના અનુભવની ભ્રાંતિમાં પડીને,
ઇન્દ્રિયો-આદિના સ્થાવર -જંગમો ને જાણે છે.અને તેઓની ભાવનાથી જ પોતે પણ સ્થાવર-જંગમ-રૂપ થાય છે.'કાક-તાલીય-ન્યાય' (કાગનું બેસવું ને ડાળનું ભાંગવું-કે અચાનક બનવું) થી,કર્મના-યોગ-રૂપ-નિમિત્તથી,
પૂર્વયોનિનો દૃઢ અભ્યાસ જતો રહેતાં,અને નવી યોનિની વાસનાનો સંબંધ થતાં,
એ એક આકારને મૂકીને બીજા આકારને પ્રાપ્ત થાય છે.

જેમ મનુષ્યને,વેતાલનો વિચાર કરવાથી,તેની નજર સમક્ષ વેતાલ દેખાય છે,
તેમ,એક (અદ્વૈત) ને જ દ્વિત્વની વાસનાથી (કે ભાવનાથી) દ્વિત્વ (દ્વૈત) દેખાય છે.
જેમ,મનુષ્યને "હું કશું  કરતો નથી"એવા સંકલ્પથી કર્તા-પણું ટળી જાય છે,
તેમ,આત્માને પણ "દ્વૈત નથી જ" એમ સમજવાથી દ્વૈત મટી જાય છે.

આત્મા એક (અદ્વૈત) હોવા છતાં,તેને દ્વિત્વ (દ્વૈત) ના સંકલ્પથી દ્વિત્વ (દ્વૈત) પ્રાપ્ત થાય છે.
જગત જે અનેક છે -તેને પણ જો અદ્વિતીયની ભાવના થાય તો દ્વિત્વ નષ્ટ થઇ જાય છે.
પરમાત્મા-પણાને લીધે,વિકાર-આદિ-રહિત-પણાને લીધે અને સર્વ-વ્યાપક-પણાને લીધે,
દ્વિત્વ (દ્વૈત) છે જ નહિ.




   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE