Nov 2, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-652

સદાશિવ કહે છે કે-"જગત મિથ્યા છે" એમ કેવળ જાણવું-એ દુઃખની નિવૃત્તિ નો ઉપાય નથી,
પણ વાસનાના ક્ષય પર્યંત (વાસનાનો ક્ષય કરતાં કરતાં કે તેનો ક્ષય થઇ જાય ત્યાં સુધી)
જગતના મિથ્યા-પણાનો અત્યંત દૃઢ -નિશ્ચય-રાખવો (કરવો) એ જ દુઃખ-નિવૃત્તિ નો ઉપાય છે.

દુઃખ-- વાસનાથી થાય છે.
એટલે જે વસ્તુ વિદ્યમાન (હાજર કે દેખાય તેવી) હોય-તો,તેમાં વાસના રાખવી સંભવે,
પણ વાસ્તવિક રીતે તો જગત (મૃગ-જળ ના તરંગ ની પેઠે) છે જ નહિ-તો તેમાં વાસના રાખવી નહિ.

જગત મુદ્દલે છે જ નહિ,માટે કોને-કોણ વાસના કરે એમ છે? કોને વાસના થાય એમ છે?
અને શાથી વાસના થાય એમ છે? સ્વપ્ન નો નર ઝાંઝવા નાં પાણીને પીએ-એ વાત સંભવે જ કેમ?
જે જગત-દ્રષ્ટા,અભિમાન,મન અને વિચાર-આદિ કલ્પના-વાળું છે-તે જગત મુદ્દલે છે જ નહિ-
માટે જે "અનુભવ-માત્ર-સત્ય-વસ્તુ" છે-તે જ કેવળ શેષ રહે છે-
કે જે વસ્તુમાં વાસના પણ નથી,વાસનાને ઉપજાવનાર પણ કોઈ નથી,અને વાસનાને યોગ્ય પણ નથી.
"સઘળી કલ્પનાઓ (મન-વગેરે)-દૂર થવાનો જે "ભાવ" છે" -તે જ તે વસ્તુ (સત્ય) છે.

વ્યવહારની કે પ્રતિભાસની દૃષ્ટિએ-બાળકોને જે  વેતાલ દેખાય છે-
તેને અનુભવી માણસને  નહિ દેખાતાં-તેને પછી "પોતાના" સિવાય બીજું શું અવશેષ રહે છે?
(એટલે કે-હું અને જગત-માંથી જગત બાદ થઇ જતાં-માત્ર હું-એટલે કે-એક જ -બાકી રહે છે)

આ "જગત" -એ નામની "ચિત્તની વાસના" વેતાલ ની પેઠે શૂન્ય હોવા છતાં ઉદય પામેલી છે.
માટે તે વાસનાની શાંતિ થાય-તે જ દુઃખની અત્યંત નિવૃત્તિ (નાશ) જ  છે.

જે મનુષ્ય-અહંતામાં,જગતમાં,અને ઝાંઝવાના પાણીમાં-સાચા-પણાનો ભરોસો રાખે છે-
તે અભાગિયા માણસ ને ધિક્કાર છે-એવો માણસ ઉપદેશને યોગ્ય જ નથી.
જે સારા માણસ ને આદર આપતા નથી,જે અનેક ખોટી શંકાઓ કરનાર છે,જેમને દેહનું અભિમાન દૂર થયું નથી,તે ઉપદેશને પાત્ર નથી.જે પુરુષ આવા મૂર્ખ માણસને ઉપદેશ આપે તે પુરુષ સ્વપ્નના માણસને-
પોતાની સોના-સરીખા અંગ-વાળી દીકરી આપે છે-એમ સમજવું.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE