Feb 7, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-745

આ પંચતન્માત્રા(પંચમહાભૂતના અધ્યાસથી બનેલી) થી  
પાંચ પ્રકારે (પ્રાણ-મન-બુદ્ધિ-જ્ઞાનેન્દ્રિય-કર્મેન્દ્રિય) કલ્પાયેલા
લિંગ શરીરમાં પ્રતિબિંબ પડે છે.અને જેમ એક દીવામાંથી સો દીવા થઇ શકે છે-
તેમ,માયાથી, અધ્યાસ વડે,જન્મ-આદિ વિકાર (દ્વૈતભાવ) ને પામીને
તે (ચૈતન્ય) અનેક જીવ-રૂપ બની જાય છે.એટલે વસ્તુતઃ ચૈતન્ય-સ્વ-રૂપનો જ એ સઘળો વિવર્ત છે.

કેટલાંક પંચકો (પ્રાણ-વગેરેથી બનેલાં લિંગ શરીરો) સત્તા-માત્ર (ચૈતન્ય) થી,જ,
દેવ-મનુષ્ય-વગેરે (વાસનાને અનુસરનારા સંકલ્પ વડે) દેહભાવને,
તો કેટલાંક (પંચકો) પક્ષી-વગેરે ભાવને,ધંતૂરો-વગેરે ભાવને તથા દ્રવ્ય વગેરે ભાવને પ્રાપ્ત થાય છે.
હે રામચંદ્રજી,એ પ્રમાણે પંચકો (પ્રાણ-વગેરેથી બનેલાં લિંગ શરીરો) ની સ્ફૂર્તિ થી જ આ જગતની પ્રતીતિ
થાય છે-એ નિશ્ચય છે,અને એ સર્વ ઠેકાણે ચૈતન્ય-સત્તા જ વ્યાપી રહેલી છે.

મનુષ્ય-દેહ-વગેરેમાં ચૈતન્યનાં પ્રતિબિંબોને લેવાની શક્તિ,
આ પંચકોમાં (પ્રાણ-વગેરેથી બનેલાં લિંગ શરીરોમાં) રહેલી હોવાને લીધે તેણે "ચેતન" (સંજ્ઞા) કહે છે.
કોઈ પક્ષી-વગેરે શરીરમાં લિંગ-દેહ અને સ્થૂળ-દેહનું સમાન-પણું હોવાથી તે "જડ-ચેતન" કહેવાય છે,
અને ધંતૂરો-વગેરે જડમાં લિંગ-દેહ ઢંકાયેલો રહેવાથી તેમાં ચેતન લાગતું નથી,માટે તે "જડ" કહેવાય છે.

જેમ,સમુદ્ર,કોઈ સ્થળે,સ્થિર અને કોઈ સ્થળે લહેરોથી ચંચળ જેવો દેખાય છે,
તેમ,ચૈતન્ય સત્તા કોઈ ઠેકાણે જડ-રૂપ તો કોઈ ઠેકાણે ચેતન-રૂપ પ્રતીતિ થાય છે,
છતાં,એ ચૈતન્ય નિર્લેપ અને નાશ રહિત જ છે.
આમ, જડ-ચેતન-આદિ વિભાગ તો આત્મામાં પ્રાણ-આદિ પંચકથી થયેલ લિંગ-દેહ વડે કલ્પાયેલ જ છે.
હે રામચંદ્રજી,જડ-ચેતન-વગેરે (કહેવું તે) વાણીનો જ વ્યવહાર છે,અને તે પરસ્પર ઉલટા ગુણ-વાળું છે-એમ કહેવાય છે,પણ, તેમાં રહેલી નિર્લેપ ચેતન-સત્તા એક જ હોવાથી તે સ્વરૂપમાં ઉલટા ગુણો રહી શકે જ નહિ.

ટાઢ-તડકો,હિમ-અગ્નિ-વગેરે વાણીનો વ્યવહાર જો કે ઉલટા ધર્મ (ગુણ)વાળો છે,
તો પણ તેમાં રહેલી વ્યાપક ચેતન-સત્તામાં,આ ઉલટા દેખાતા ગુણો રહી શકતા નથી.
પોતાની વાસનાને લીધે જ પરસ્પર ઉલટા ગુણોનો વ્યવહાર થાય છે,
અને તેથી જ બરફ ઠંડો છે અને દેવતા ગરમ છે-એવા ઉલટા ગુણોનો અનુભવ થાય છે.
વિવેકી પુરુષો જાણે છે કે-આ વાસનાઓ જ ઉલટા પ્રકારના સંકલ્પ-વિકલ્પો કરે છે અને તે વિરુદ્ધ ગુણોમાં મન પરોવાઈ જાય છે,માટે વાસનાઓ જ જડ-ચેતન,ટાઢ-તડકો-વગેરે વ્યવહારમાં કારણભૂત છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE