Feb 14, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-752

વસિષ્ઠ કહે છે કે-જેમ લાકડું અને કરવતનો સંયોગ થવાથી,લાકડાના બે ભાગ થઇ જાય છે,અને તે જ લાકડાના બે ભાગને ઘસવાથી તેમાંથી અગ્નિ પ્રગટ થાય છે,તેમ,પ્રાણ અને અપાનનો પરસ્પર સંઘર્ષ થવાથી,અગ્નિ (જઠરાગ્નિ) ઉત્પન્ન થાય છે. કે જે-(નીચેના અને ઉપરના ભાગમાં સંબંધ રાખનાર,પરસ્પર મળેલા મુખવાળો,
આમાશય અને પક્વાશય -એવા નામથી કહેવામાં આવતા સ્થૂળ માંસ-પિંડના) જઠરના ભાગમાં હોય છે.

જેમ,પાણીમાં રહેલું નેતરનું વન ઉપર પવનથી અને નીચે પાણીથી ડોલ્યા કરે છે-
તેમ, આ બંને માંસના આશયો (આમાશય-પક્વાશય) કંપે છે.
આ માંસ-પિંડના નીચેના ભાગમાં મૂલાધારમાં પોતાના સ્થાનમાં રહેલી,એ સર્વની શોભા-રૂપ કુંડલિની શોભે છે.
નિરંતર પ્રાણને લીધે ઉંચે જવાથી અને  અપાનને લીધે નીચે જવાથી,તે કંપિત થઇ અવ્યક્ત શબ્દ(નાદ) કરે છે.
અને લાકડી વાગવાથી જેમ સાપણ પોતાની ફણા ઉંચી કરે છે-તેમ એ કુંડલિની ઊંચું મુખ કરે છે.

જેમ,ભૂલોક અને સ્વર્ગલોકના મધ્યમાં (જગતમાં) શુભાશુભ કર્મો જ ઉર્ધ્વ (ઉંચી) ગતિને અને અધો (નીચી) ગતિને આપે છે,તેમ એ કુંડલિની જ પ્રાણ-અપાનને ઉર્ધ્વ-કે અધો ગતિ (ઉંચી-નીચી ગતિ) આપનારી છે.
હૃદય-રૂપ-કમળમાં ભ્રમરી પેઠે ગતિ કરનારી (લોહીનું ભ્રમણ કરાવનારી) એ કુંડલિની જ રૂપ-વગેરે સર્વ વિષયોના સ્વાદને જગાડે છે.

જેમ બહારનો વાયુ,વૃક્ષનાં પાંદડાને હલાવે (કંપાવે) છે તેમ,અંદરનો પ્રાણ-આદિ વાયુ (કુંડલિની વડે)
જ્ઞાનેદ્રિય-આદિ શક્તિઓને,હૃદયકમળને અને નાડીઓને ચલાવે છે (ગતિ કે શક્તિ આપે છે)
જેમ,વિશાળ આકાશમાં રહેલા વાયુઓ લાકડાં-આદિ બળવાન વસ્તુઓને,અને,પાંદડા-આદિ કોમળ વસ્તુઓને કાળે કરીને સૂકવી નાખે છે-તેમ,અંદરનો વાયુ પણ કાળે કરીને અંદરની વસ્તુઓને સૂકવી નાખે છે.

હ્રદયકમળ,નાડીઓ-આદિ,પ્રાણ-આદિ વાયુને લીધે જ ધમણની પેઠે ધમાવાથી ચંચળ રહે છે.
જેમ વસંત-ઋતુમાં ભૂમિનો રસ વૃક્ષમાં જવાથી તે રસ જ પાંદડાં-પુષ્પ વગેરેમાં પરિણામ પામે છે,
તેમ,તે પ્રાણ-આદિ જ હૃદયમાં પ્રવેશ કરી,લોહી-માંસ-વગેરેમાં પરિણામ પામે છે.
જેમ,વનના વાંસ પોતપોતામાં ઘસાઈને દાવાનળ ઉત્પન્ન કરે છે,
તેમ એ પ્રાણ-આદિ પવનો પણ અન્યોઅન્ય ઘસાઈ જઠરાગ્નિ ઉત્પન્ન કરે છે.

સર્વ અંગમાં એ જઠરાગ્નિની ગરમી ફેલાઈ જવાથી તે દેહ,શીત સ્વભાવ-વાળો હોવા છતાં ગરમ થઇ જાય છે.
હૃદયકમળમાં સુવર્ણના જેવું સુશોભિત જઠરાગ્નિ-રૂપી-તેજ આખા દેહમાં ચારે બાજુ પોતાની શાંતિ વડે ફેલાયેલું છે.અને યોગીઓ તેનું તારાના આકાર-રૂપે ધ્યાન કરે છે.એ તેજનું પ્રકાશમય જ્ઞાન-સ્વરૂપે (સંયમ-પૂર્વક) ધ્યાન કરવાથી દૂરના (આંખને) નહિ જણાતા પદાર્થો પણ જોવામાં આવે છે.

તે જઠરાગ્નિનું શરીરમાંનું અન્ન-રસ-રૂપ જળ -એ બળતણ છે.
દેહમાં જે કોઈ પ્રાણ-આદિ-પવન-રૂપે સ્વચ્છ શીતળપણું જોવામાં આવે છે-તે ચંદ્રમાનું રૂપ છે.
અને ઉપર જણાવ્યા પ્રમાણે  તે ચંદ્રમા (પ્રાણ-આદિ પવન) ઘસાવાથી તેમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે.
કે જેથી આ દેહ અગ્નિષોમીય (જેનો સંબંધ ચંદ્ર અને અગ્નિ બંને સાથે હોય તેવો) કહેવાય છે.
જગતનું તેજ પણ અગ્નિ  અને શાંતરૂપ ચંદ્રમય કહેવામાં આવતું હોવાથી તે પણ અગ્નિષોમીય કહેવાય છે.

આત્મ-સ્ફૂરણ,બ્રહ્માર્થ જ્ઞાન સૂર્ય-આદિ જે કંઈ સત્તા-રૂપ અને પ્રકાશમય છે તે અગ્નિ-રૂપે અને
જડ-રૂપ,અજ્ઞાનમય,અંધકારમય -જે છે તે ચંદ્ર-રૂપ કહેવામાં આવતું હોવાથી,પણ,
બુદ્ધિમાન-પુરુષની દૃષ્ટિમાં જગતનું અગ્નિષોમીયપણું સિદ્ધ થાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE