More Labels

Mar 23, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-769

આત્મ-જ્ઞાન-સ્વ-રૂપનો બોધ થવાથી,"સુખ-દુઃખ આદિ જેવું કશું છે જ નહિ"
એવો નિશ્ચય (જ્ઞાન) થવાને લીધે,જીવને શાંતિ (મોક્ષ) મળે છે.
"જે વિષય સંબંધી બહારનાં સુખો અનુભવમાં આવે છે-તે ખરું જોતાં મિથ્યા હોવાથી છે જ નહિ અને (તે સુખો) જે રૂપે પ્રતિત થાય છે,તે રૂપ પણ અવાસ્તવિક હોવાથી વાસ્તવમાં છે જ નહિ"
એવું અંદર જ્ઞાન થવાથી,જીવ બાહ્ય વિષયો તરફ ખેંચાતો નથી,અને કેવળ શાંત થાય છે.

"જે કંઇ છે તે,સર્વ ચિદાકાશ-રૂપ પરબ્રહ્મ જ છે" એવો ગાઢો નિશ્ચય દૃઢ બેસી ગયો હોય,
તો તેલ વગરના દીવાની જેમ,તે જીવ શાંત થઇ જાય છે.
સર્વ જગત ચૈતન્ય-રૂપ છે-એવું દૃઢ જ્ઞાન થવાથી,દ્વૈતની ભ્રાંતિ ટળી જવાને લીધે,
સુખ-દુઃખ આદિમાં સ્નેહનો (અનુકુળ બુદ્ધિનો કે આસક્તિનો) નાશ થઇ જવાથી,
તેલ વિનાના દીવાની જેમ,તે શાંત બની જાય છે.
"આ સર્વ દ્વૈત-ભ્રમ આકાશના જેવો શૂન્ય છે" એમ બોધ થવાથી,જીવનું ચંચળ-પણું જતું રહે છે
અને બંધન-રહિત થયેલા જીવને પછી ક્ષોભ થવો-એ તો કેમ સંભવે?

શિખીધ્વજ કહે છે કે-હે દેવ-પુત્ર જયારે જીવ,સુખનો અનુભવ કરાવવાને માટે નાડીઓમાં ફરે છે,
ત્યારે વીર્યનું સ્ખલન શી રીતે થાય છે? તે કહો.

ચૂડાલા કહે છે કે-સ્ત્રીના શરીરને જોવાથી,વાસના જાગતાંની સાથે,જીવ-ચૈતન્ય આકુળ-વ્યાકુળ થાય છે.
જેમ રાજા પોતાની આજ્ઞા-માત્રથી સેનાને ચલાવે છે,તેમ પ્રાણ-આદિ પવનોને વાસનાવાળી (રાગ-આદિ)
વૃત્તિઓ,તેમને અનુકુળ પડે તેમ ચલાવે છે.સર્વ શરીરમાં વ્યાપી રહેલો વ્યાન-વાયુ
(કે જે પોતે-વાસના વૃત્તિ થી પ્રેરાયેલો હોય છે) તે (વ્યાન-વાયુ) ની પ્રેરણાથી,
મેદ અને મજ્જા ની અંદર રહેલો "સાર" (તીવ્ર ગંધની પેઠે પોતામાં રહેલો સૂક્ષ્મ-વીર્ય ભાગ) સ્ત્રવે છે.
જેમ,મેઘ-ગર્જના માં સહાય કરતા અનુકૂળ વાયુથી,આકાશમાં વાદળાં ભેગાં થઇ જઈને,
તેનું જળ વૃષ્ટિ દ્વારા નીચે પડે છે,તેમ,સર્વ ધાતુઓના સાર-રૂપ,
એ વીર્ય પણ સર્વ અંગમાંથી ચંચળ થઈને નાડી દ્વારા સ્વભાવતઃ નીચે ઉતરી આવે છે.

શિખીધ્વજ પૂછે છે કે-આ સ્વભાવ શું છે તે વિષે કહો.
ચૂડાલા કહે છે કે-કાકતાલીય ન્યાય ની જેમ અથવા જેમ જળમાં પરપોટા ઉત્પન્ન થઈને નાશ પામી જાય છે,
તે રીતે ઘુણાક્ષર ન્યાયથી (ઘુણ નામનો જીવડો લાકડાને કોતરીને ખાય છે-કોઈ વખત તે લાકડામાં અક્ષર જેવો આકાર બની આવે છે-તેની જેમ) સૃષ્ટિના આરંભકાળમાં સૃષ્ટિની રચના થતી વખતે,શબલ બ્રહ્મને,
ઘટ-પટ-અવટ-આદિ રૂપે,જે જે પદાર્થો જેવા ધર્મ-વાળા પોતાના આત્મામાં સ્ફૂરી આવ્યા,
તેઓનો જ નિયમ વિદ્વાનોએ "સ્વભાવ" એવા નામથી કહેલ છે.
(કે જે -નિયમ આજ દિવસ સુધી નહિ બદલાયેલો અને સૃષ્ટિ પર્યંત કાયમ રહેનાર છે)

એ સ્વભાવ વડે જ સ્થિતિ પામેલા,આ જગતની અંદર,વિવિધ પ્રકારના વિકારો વાળા જરાયુજ,અંડજ-આદિ દેહો ભમ્યા કરે છે.કેટલાક જ્ઞાનવાન જીવો વાસના નાશ પામતાં પાછા જન્મતા જ નથી અને કેટલાક અજ્ઞાની જીવો,
ભોગો વિષે જ દૃઢ આસ્થાને લીધે,બંધાયેલા હોવાથી વારંવાર જન્મ-મરણ પામ્યા કરે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE