Nov 21, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-987

દેહની ઉપાધિને લીધે,જુદીજુદી ભૂમિકાઓનો-આદિ જે ભાવ અવિવેકી પુરુષોના જોવામાં આવે છે,તે પણ જ્ઞાન-નિષ્ઠ પુરુષની દૃષ્ટિમાં જ્ઞાનને લીધે,અસ્ત પામી જઈ અને "શૂન્ય" જેવી જ તેમને લાગે છે.
પોતે ભલે ગમે તે ભૂમિકામાં હોય,પરંતુ તેમની (જ્ઞાનીની) દૃષ્ટિએ તે ભૂમિકાનું અસ્તિત્ત્વ હોતું જ નથી.સમાધિથી તે જ્ઞાન-નિષ્ઠ,ચિદાત્મા સાથે એકરૂપતા પામવાથી શાંત આકારને ધારણ કરે છે.અને આકાશની જેમ નિર્મળ થઈને,નિઃસંગ થઈને જ રહે છે.દેહધારી હોવા છતાં,તેને કશું અભિમાન ન હોવાથી તે દેહ-રહિત જ છે.

સર્વ વિકલ્પો ગળાઈ (મટી) જવાથી,શાંત અંતઃકરણ-વાળો-વિવેકી યોગી-પુરુષ,
પોતાના એક આત્મ-સ્વરૂપને જ સાર-રૂપ સમજે છે,પરમ શાંતિ-રૂપી-અમૃત વડે સદાકાળ તૃપ્ત રહે છે
અને આવરણ-માત્રથી રહિત એવા બ્રહ્મમાં જ સ્થિર થઈને રહે છે.

(૫૨) ચૈતન્ય જગત-રૂપે થયેલું છે

રામ કહે છે કે-હે મહારાજ કૂટસ્થ ચૈતન્ય-આત્મા,જે ક્રમ વડે જગતના જેવો ભાસે છે,તે ક્રમ,ભેદ દુર થાય,
તે માટે આપ ફરી-વાર તે ક્રમ ને ક્રમવાર કહો.(નોંધ-અહી "ફરીવાર" કહેલું છે-તે નોંધનીય છે)

વસિષ્ઠ કહે છે કે-અતિ-અલ્પ-સ્મૃતિવાળો-મૂઢ મનુષ્ય,જેટલું પોતાની નજર સમક્ષ જુએ છે,તેટલું જ તેના મનમાં સ્ફૂરે છે અને જેટલું તેની દૃષ્ટિમાં આવતું નથી-તેટલું તેના ચિત્તમાં સ્ફૂરતું નથી.(નોંધ-આ દૃષ્ટિ-સૃષ્ટિ-વાદને અનુકુળ છે)
પરંતુ,(અતિ-સ્મૃતિ-વાળો) વિવેકી પુરુષ તો,પૂર્વાપર-સંબંધ સાથે શાસ્ત્રોના અર્થનો વિચાર કરે છે,
અને કોઈ નિષિદ્ધ વસ્તુ પોતાની આંખ આગળ હોય,તો પણ તેને "ભોગ્ય" તરીકે સ્વીકારતો નથી.

આથી તમે ચિત્ત-શુદ્ધિ કરનારાં કર્મોનું અનુષ્ઠાન કરવામાં જ નિષ્ઠા રાખો,માત્ર શાસ્ત્રોના અર્થોમાં જ ચિત્તને પરોવી રાખો,મૌન ધારણ કરીને તેનું મનન કરો અને કાનથી મારા આ (શાસ્ત્ર-મુજબના) ઉપદેશને સાંભળો.
આ દૃશ્ય-સમૂહ (જગત)ની ભ્રાંતિ અવિદ્યા (અજ્ઞાન કે માયા) રૂપ છે,અને છે જ નહિ.
આમ છતાં,જે વિષયનો હું તમને ઉપદેશ આપનાર છું,તે વિષયનો ઉપદેશ સાંભળવા માટે,
તમે "મારા કહેવાથી" તેને "ક્ષણ-ભર સત્ય" જેવો સમજીને મારું આ કહેવું તમે (બરાબર ધ્યાનથી-કાનથી) સાંભળો.

આ (જગતની) ભ્રાંતિ ક્યાંથી અને શી રીતે ઉત્પન્ન થઇ તે વિષે તર્ક-વિતર્ક કરવાની હાલ (અત્યારે -આ ઘડીએ)
કોઈ જરૂર નથી,કેમ કે જ્ઞાન થતાં આ દૃશ્ય-પ્રપંચ (જગત-માયા કે અજ્ઞાન) પણ નથી અને આ ભ્રાંતિ પણ નથી,
એ વાત પોતાની મેળે જ તમારા સમજવામાં આવી જશે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE