Dec 7, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1003

પરમાર્થ-રૂપ હોવાથી સર્વત્ર ભરપૂર રહેલ,અવર્ણ્ય એવું તે બ્રહ્મ-ચૈતન્ય જ છેવટ મહાપ્રલયમાં અવશેષ રહે છે,એમ તત્વવેત્તાઓ કહે છે.તો પણ આ જગત એ અવશેષ રહેલા ચૈતન્યના હૃદયના જેવું છે અને તે તેનાથી જરા પણ જુદું કરી શકાતું નથી.એ પરમાત્મા જ જગતને પોતાની સત્તા વડે સત્તાવાળું અને પોતાના હૃદય-રૂપ સમજે છે.અને તેમ સમજવામાં  "માત્ર પોતાને વિનોદ મળે" એ જ માત્ર તે ચૈતન્યનો  હેતુ હોઈ શકે છે!! બાકી વિચાર કરતા વસ્તુતઃ જગતનું કોઈ રૂપ અમારા દેખવામાં આવતું નથી.

અને જો એમ જ છે તો-પછી શું નાશ પામે અને શું ઉત્પન્ન થાય છે? જેવી રીતે એ પરબ્રહ્મ અવિનાશી છે તેવી જ રીતે તેના પેટમાં (અંદર) રહેલું જગત પણ અવિનાશી જ છે અને મહાપ્રલયમાં પણ તેના અવયવ-રૂપ જ છે.
આ બાબતમાં કેવળ અજ્ઞાન જ ભેદ-ભાવને ઉત્પન્ન કરનારું છે,અને તે પણ જો શોધવા જઈએ તો દેખાતું નથી.
માટે કોઈ કાળે,કોઈ જગ્યાએ,કોઈનું કશું નાશ પામતું નથી અને કશું ઉત્પન્ન પણ થતું નથી.
બ્રહ્મ શાંત છે અને નિર્વિકાર છે,અને તે જ વિવર્તભાવથી દૃશ્ય-રૂપે (જગત-રૂપે) થઇ રહેલું જોવામાં આવે છે.

એ પરમાર્થ-રૂપ ચૈતન્ય અચ્છેદ્ય (શસ્ત્રથી છેદી ના શકાય તેવું) છે,અદાહ્ય (અગ્નિથી ના બળી શકે તેવું) છે,
સડી ના જાય તેવું છે અને શોષાઈ ના જાય તેવું છે.આ તત્વ અવિવેકીઓની દૃષ્ટિમાં આવતું જ નથી.
જગત જો તે તત્વના હૃદયના જેવું એક અંગ છે તો પછી તે તેના-રૂપ જ છે.અને જો પરમતત્વનો નાશ થતો નથી તો તેની અંદર રહેલા જગતનો (અને તે જગતની અંદરનાં સુખ-દુઃખ-અજ્ઞાન-આદિનો અનુભવ) પણ નાશ નથી.

મહાપ્રલય,પણ મહાકાળ-રૂપે રહેલા એ પરબ્રહ્મના એક (કાલ્પનિક) અવયવ-રૂપ છે.
વસ્તુતઃ પરમ-શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપ-આકાશની અંદર ઉત્પત્તિ અને પ્રલયની સ્થિતિ ક્યાંથી હોઈ ?
વળી ચિદાકાશ,નિરાકાર છે,તો તેની અંદર થવું-હોવું-વધવું-ઘટવું-વગેરે ભાવ-વિકારો,ક્યાંથી અને કેમ સંભવે?
મહાપ્રલય-આદિ ભાવો અને આ જગતો -એ બધું બ્રહ્મરૂપ હોવાથી,ચિદાકાશની અંદર વિવર્તરૂપે રહેલ છે.
દૃશ્ય એ ચિદાત્માના સંકલ્પથી ખડું થઈને તેને અધીન થઈને રહ્યું છે,એટલે તે પણ ચૈતન્યમાત્ર જ છે.

જેવી રીતે પરબ્રહ્મરૂપી "અવયવી" અવિનાશી અને અનિર્વચનીય છે,તેવી જ રીતે,સૃષ્ટિ-પ્રલય-આદિ તેના "અવયવો" પણ અવિનાશી અને અનિર્વચનીય જ છે."અવયવી અને અવયવો" એ સદાકાળ એકરૂપે  જ રહેનાર છે.તે ભલે દૃશ્ય કે અદૃશ્ય હોય,પણ તેમનો ભેદ કોઈ દિવસ હોતો જ નથી.

ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળના સર્વ પદાર્થો "બ્રહ્મ-સત્તા" વડે જ સત્તાવાળા છે,વળી સૃષ્ટિ અને પ્રલય પણ એ બ્રહ્મ-સત્તા વડે જ છે,કેમ કે,એ સર્વની સિદ્ધિ "અનુભવ"ને આધીન છે,તેથી સઘળું અનુભવ-રૂપ છે.
એ અનુભવ પણ પોતાના આત્મા-રૂપ છે.આમ એ બ્રહ્મ જ વિચિત્ર કલ્પનાઓ વડે જુદાજુદા આકારે થઇ રહ્યું છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE