Mar 20, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1104

(પથિક પોતાની પ્રિયાને કહે છે કે) તે મેઘને ઉદ્દેશીને મેં કહ્યું કે-"હે ભાઈ મેઘ,તું ગુણવાન છે,તો તને યોગ્ય એવા
અને પોતાના કંઠમાં ગુણને ધારણ કરી રહેલા ઇન્દ્રધનુષ્યને ગ્રહણ કરીને તું મારી પ્રિય પાસે જજે અને તારા
જલબિંદુઓ વાળા શીતળ પવનો વડે પ્રથમ તેને આશ્વાસન આપજે.મારી એ પ્રિયા,કોમલાંગી છે,એટલે તારી
ગાઢ ગર્જનાને જીરવી શકશે નહિ,તેથી મંદમંદ ગર્જના કરીને મારો વિરહનો સંદેશો પહોચાડવાની કૃપા કરજે."
મેઘને મેં આ પ્રમાણે કહ્યું ત્યારે તારા (પ્રિયાના) વિયોગની ચિંતાથી મારી બુદ્ધિ પરવશ થઇ ગઈ.સ્મૃતિનો લોપ
થઇ જવાને લીધે મારું શરીર પરવશ બની ગયું ને મારા અંગો લાકડા જેવાં જડ થઇ ગયાં.

પછી મને તેવી સ્થિતિમાં જોઇને પથિકો ભેગા થઇ ગયા અને 'હાય,આ પથિક તો મરી ગયો' એવો કોલાહલ મચ્યો અને
તે પથિકો ભેગા થઇ મને બળવા માટે સ્મશાનમાં લઇ ગયા.મને ચિતા પર સુવાડ્યો.ત્યારે મને અગ્નિ દેખાયો અને
ધુમાડાએ મારા નાસિકાના છિદ્રમાં પ્રવેશ કર્યો.ત્યારે પણ તું મારા હૃદય-રૂપી ઘરમાં મારી પાસેજ બેઠી હતી,
અને કામદેવની એક નદી-રૂપ હતી.અને તારામાં જ હું ચિત્ત-વૃત્તિ દ્વારા મગ્ન થઇ રહ્યો હતો.એટલે,અગ્નિ વડે બળવાથી
મારાં મર્મ-સ્થળો,જો કે કપાઈ ગયા જેવાં થઇ રહ્યાં હતાં,તો પણ તેની વેદનાને હું અનુભવતો નહોતો.
પણ,એ સમયે મેં હૃદયમાં તારી સાથે એવું તો લીલા-ભરપૂર સુખ અનુભવ્યું હતું કે જાણે આપણે અમૃતના પ્રવાહમાં જ
મગ્ન થઇ રહ્યાં હોઈએ એમ લાગતું હતું કે જે સુખ આગળ ત્રૈલોક્યના આધિપત્યનું સુખ પણ કંઈ નહોતું.
(જો કે) એ સમયે ચિતાનો અગ્નિ વધુ પ્રદિપ્ત થયો અને મારા સર્વ અંગો પર ફરી વળ્યો.

તે પથિકની આવી મરણની અને ચિતાની વાત સાંભળીને,તેની મુગ્ધ પ્રિયા મૂર્છિત થઇ ગઈ.
ત્યારે પથિક તેની પ્રિયાને આશ્વાસન આપી અને તેની મૂર્છાને શાંત કરીને આગળ કહે છે કે-ત્યારે મારામાં
થયેલ થોડું હલન ચલન જોઇને પથિકોએ ચિતાને બુઝવી નાખી અને મને જીવતો જોઈ સર્વ આનંદમાં આવી ગયા.
પણ ત્યારે મારું એ બળેલું શરીર જાણે કાલભૈરવનું શરીર હોય તેવું ભયાનક જણાતું હતું.
ત્યારે મેં મહાભયંકર,દુર્ગંધ વાળું અને શિયાળ,કાગડા,ગીધો,વિશાચો અને વેતાલોના અવાજ-વાળું સ્મશાન જોયું.

(૧૨૦) વાયુ,વૃક્ષ આદિનું વર્ણન

સહચરો કહે છે કે-હે મહારાજ,આવી બીજી પણ કથા કરી રહેલાં આ મહાન દંપત્તિ,હમણાં મદ્યપાન કરવાને તૈયાર થઇ
રહેલાં છે તે આપ જુઓ.વળી,વનમાંથી નીકળતા,અનેક પ્રકારની સુગંધોથી પુષ્ટ થયેલા તથા પરસેવાના બિંદુઓને
પી જનાર વાયુઓને પણ આપ જુઓ.તમે જુઓ કે આ તમાલ અને કેસુડાંનાં ઝાડ કેવાં શોભી રહ્યા છે .
વૃક્ષોની છાયામાં વિશ્રાંતિ લઇ રહેલ વીણા-આદિ વાદ્યો વડે યુક્ત વિદ્યાધર-આદિ પથિકો ગાન કરી રહ્યા છે.
આ એકાંતની રમ્ય વનભૂમિઓ રાગી પુરુષો અને વૈરાગી પુરુષને સમાન રીતે જ રમાડે છે.
હે મહારાજ,હવે,આ જંબુદ્વીપની અંદર જે રાજાઓ યુદ્ધમાં બચી ગયા હોય,તે સર્વના મસ્તક પર ચરણ મુકીને આપ,
તેમના પર અનુગ્રહ કરો.તે તે દેશની ભૂમિની રક્ષા માટે પ્રત્યેક દિશામાં નીતિશાસ્ત્ર મુજબ તેમને વ્યવસ્થા કરવા
આજ્ઞા આપો.તેમને અસ્ત્ર અને સૈન્ય પણ આપી,આપ સર્વ વ્યવસ્થા કરો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE