Apr 5, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1116

જેમ,સ્વપ્નમાં,મનોરાજ્યોમાં.મિથ્યાજ્ઞાનમાં અને કથા-શ્રવણમાં ચિત્ત (મન) પ્રસરી જાય છે,
તેમ,તે વિપશ્ચિત રાજાનું ચિત્ત પ્રસરી (ફેલાઈ) ગયું હતું.જે દેહની અંદર ભ્રમ,સ્વપ્ન-આદિ પ્રસરી જાય છે ,
તે આતિવાહિક (સૂક્ષ્મ) શરીર છે.અને તેના આતિવાહિકપણાની વિસ્મૃતિ થતાં,કાળે કરીને તેમાં જ,
(તે આતિવાહિક શરીરમાં જ) આધિભૌતિક (સ્થૂળ) દેહભાવની પ્રતીતિ થાય છે.
આમ, રજ્જુમાં થયેલ સર્પની ભ્રાંતિની જેમ કેવળ ભ્રાંતિમાત્ર એવો,આ આધિભૌતિક (સ્થૂળ) દેહ જયારે
તિરોહિત થઇ જાય છે (નાશ પામી જાય છે) ત્યારે આતિવાહિક (સૂક્ષ્મ) દેહ જ અવશેષ રહે છે.

હે રામચંદ્રજી,હવે જો આપણે તે આતિવાહિક (સૂક્ષ્મ) દેહનો સારી રીતે વિચાર કરીએ તો,જણાય છે કે-
ચિન્માત્ર (ચિત્ત) સિવાય બીજું (પંચમહાભૂતો-આદિ જેવું) કશું તત્વ તેમાં નથી.
અને,તેથી,(સ્થૂળ દેહના) ચક્ષુ-આદિ ઇન્દ્રિય દ્વારા,એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં પહોંચતાં,
વચમાં ચિદાત્માનું જે નિર્વિષય-રૂપ અનુભવમાં આવે છે,તે જ તે ચિન્માત્ર-તત્વ (ચિત્ત)નું સ્વરૂપ છે.

એ શુદ્ધ ચિદાકાશ (ચિદાત્મા)ની અંદર દ્વૈત ક્યાંથી હોઈ શકે? (એટલે ચિત્ત પણ ચિદાત્મા-સ્વરૂપ જ છે)
અને (ચિત્તની) રાગ-દ્વેષ-આદિની સ્થિતિ પણ ક્યાંથી હોઈ શકે? તે તમે જ કહો.
સર્વ અનાદિ અને અનંત શિવ-રૂપ (બ્રહ્મ-રૂપ) જ છે એમ સમજવું-અનુભવવું એ જ પરમ બોધ (જ્ઞાન) છે.
મનના (ચિત્તના)સંકલ્પોને છોડી દઈ સ્વ-સ્વરૂપમાં શાંતપણાની સ્થિતિ કરી રહેવું,એ જ ઉત્તમ બોધ છે.

વિપશ્ચિત રાજા આતિવાહિક (સૂક્ષ્મ મનોમય) દેહમાં સ્થિતિ કરી રહ્યો હતો પણ તે યથાર્થ બોધને પ્રાપ્ત થયો નહોતો,
કેમ કે આતિવાહિક દેહને હજી તે પોતાના 'આત્મા-રૂપ' સમજ્યો હતો,અને તેને લીધે જ પ્રથમ ગર્ભવાસ જેવો અંધકાર
દેખાયો હતો.અને પછી, ફરીથી તે પૃથ્વી,જળ,તેજ અને વાયુ અને આકાશનું  ઉલ્લંઘન કરીને,
તે અવિદ્યા-રૂપી ઉપાધિવાળા ચિદાકાશમાં જઈ પહોંચ્યો કે જે ચિદાકાશની અંદર આ સર્વ (જગત)
અવિદ્યાને લીધે પ્રતીતિમાં આવે છે.જોકે વસ્તુતઃ તો ચિદાકાશ એ કશા (જગત)-રૂપ નથી,પણ શુદ્ધ બ્રહ્માકાશ જ છે.

તે (અવિદ્યા-વાળા) ચિદાકાશની અંદર મન વડે ભ્રમણ કરતાં તે ઘણે જ છેટે (દૂર) ચાલ્યો ગયો.
કે જ્યાં ફરીવાર પણ તને સંસારની રચના જોવામાં આવી.આવી રીતે ઘણા લાંબા સમયથી તે વિપશ્ચિત રાજા ભ્રમણ કરે છે .
છતાં લાંબા કાળથી (અવિદ્યાનો અંત જોવા-રૂપી) અભ્યાસને લીધે,પોતાના નિશ્ચયથી તે વિરામ પામતો નથી.
હકીકતમાં અવિદ્યા (માયા)નો અંત છે જ નહિ,પણ તે અવિદ્યાની અંદર સત્ય-અધિષ્ઠાન-ચૈતન્યનું અવલોકન કરવામાં
આવે તો તે અવિદ્યા પણ બ્રહ્મ-રૂપ જ છે.(તેમ છતાં વસ્તુતઃ બ્રહ્મમાં અવિદ્યા નથી !!)
આત્મા જ "આ અવિદ્યા છે -ને આ દૃશ્ય છે" એવા વિકલ્પ-રૂપે વિવર્તભાવથી પ્રસરી રહ્યો છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE