More Labels

Apr 11, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1122

વિશ્વામિત્ર કહે છે કે-આ મહાવિશાળ (પૃથ્વી) લોક વર્તુળ (ગોળ) આકારનો છે ને તે આકાશની અંદર રહેલો છે.
તે હિરણ્યગર્ભ (બ્રહ્મા)ના સંકલ્પના નિશ્ચય-રૂપ છે.આકાશની અંદર રહેલા આ લોકને આધારે રહેલા સર્વ જીવો પણ
દશે દિશાઓની અંદર નિરંતર ભમ્યા કરે છે.અંતરીક્ષમાં રહેનાર સૂર્ય-ચંદ્ર-આદિ સર્વ નક્ષત્રમંડળ,વાયુના બંધનને લીધે
ઘણે દૂર ભૂગોળનો આશ્રય કરી રહે છે અને એકબીજાનો સ્પર્શ ના કરતાં નિરંતર ભમ્યા કરે છે.
આકાશ,એ જ્યોતિશ્ચક્ર સહિત એ ભૂગોળનું વેષ્ટન કરીને અહીં જ સર્વ દિશાઓમાં રહેલું છે.
પૃથ્વી વગેરે નીચે ભાગમાં રહેલી છે તો પક્ષીઓ જે આકાશમાં ઉડીને ગતિ કરે છે તેને ઉર્ધ્વભાગ કહે છે.

હે દશરથરાજા.આ ભૂગોળના પૃથ્વી પરના કોઈ એક દેશમાં વટધાના નામના રાજાઓ છે,તેમના કુળમાં પૂર્વકાળમાં
ત્રણ રાજપુત્રો થયા હતા,કે જે રાજપુત્રો પણ આ વિપશ્ચિતરાજાની જેમ જ,દૃશ્ય-રૂપે પ્રતીતિમાં આવતા આ
પૃથ્વી -આદિ જગતનો અંત જોવાનો દૃઢ નિશ્ચય કરીને નીકળી પડ્યા હતા.અનેક દ્વીપો અને સમુદ્રોમાં
લાંબા કાળ સુધી ભ્રમણ કરતા,તેમ જ વચમાં મરણ થવાથી અનેક નવાંનવાં શરીરો ધારણ કરી લેતા,
એ રાજપુત્રોનો સમય એમ જ ચાલ્યો ગયો અને આજ સુધી તે દૃશ્યના અંતને પામ્યા નથી.

હે સભાસદો,આ જે બ્રહ્મનું પ્રકાશમય સ્વરૂપ ચારે બાજુ વ્યાપ્ત છે,તેનો જો સારી રીતે વિચાર કરવામાં આવે તો,
તે બ્રહ્મ વિવર્ત-ભાવ (આભાસ) ને પ્રાપ્ત થઇ રહેલું છે-એમ જ કહી શકાય છે.
અહો,આ અતિ આશ્ચર્ય છે કે-આ શુદ્ધ ચિદાત્મા પોતે પોતાના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ ન થયા છતાં,
અનેક પ્રકારની અવિદ્યા-યુક્ત-બુદ્ધિ વડે અનેક પ્રકારે બની જઈ "હું જીવ-રૂપ " એમ સમજીને ગ્લાનિ પામે છે.
હે  ભાસ (વિપશ્ચિત) તમે દૃશ્ય પ્રપંચમાં કેટલું દીઠું?કેટલું ભ્રમણ કર્યું? ને તમને તેમાંથી કેટલું સાંભરે છે?
ભાસ (વિપશ્ચિત) કહે છે કે-દૃશ્ય-પ્રપંચમાં મેં ઘણું જોયું છે,કશા ખેદને ન પામતાં મેં ઘણું ભ્રમણ કર્યું છે અને
અનેક પ્રકારે જે મારા અનુભવમાં આવ્યું છે તે સર્વનું મને સ્મરણ છે.હું અગ્નિના વરદાનને લીધે દિશાઓનો અંત જોવામાં
એક દૃઢ ચિત્તવાળો થઇ ગયો હતો.વળી વરદાન અને શાપના યોગથી મેં અનેક વિચિત્ર દેહો વડે અનંત દૃશ્યોનો
અનુભવ કર્યો હતો,તથા અનેક જન્માંન્તરો-રૂપી ચકરીઓમાં ગોથાં ખાધાં હતાં.

હું પ્રત્યેક બ્રહ્માંડની અંદર અનેક પ્રકારના જુદાજુદા દેહો વડે ભમતો હતો,છતાં મને પૂર્વજન્મનો દૃઢ નિશ્ચય ભૂલાઈ ગયો
નહોતો,આથી દૃશ્ય-રૂપે દેખાતી આ પૃથ્વી-આદિ સ્વરૂપે પથરાઈ ગયેલી અવિદ્યાનો અનંત જોવા માટે હું, વેગ વડે
દૃઢ પ્રયત્નવાળો થઇ ગયો હતો.પ્રત્યેક જન્મના મરણ વખતે જેમાં જેમાં મારું ચિત્ત બંધાયું,તેવા તેવા
નવા અવતારે મારો જન્મ થયો.વૃક્ષ,મૃગ,વિદ્યાધર,હંસ,પક્ષીઓ,દેવાંગના-એવા અનેક જન્મો ધરી,મેં અનેક પ્રકારના
ભોગો ભોગવ્યા.દરેક જન્મમાં અવિદ્યાનો અંત જોવા-રૂપી એક આગ્રહના અવિવેકને લીધે,મારી બુદ્ધિ
મ્લાન પામી ગઈ હતી.છતાં  કોઈ સમયે મેં મનમાં વૈરાગ્ય પામીને તપસ્વી ભાવથી પણ સમય કાઢ્યો હતો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE