May 30, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1168


(૧૫૭) સિંધુરાજાને થયેલ જ્ઞાનનો ઉદય
પછી સિંધુરાજા કહેશે કે-હે મંત્રી,પૂર્વજન્મમાં શું હું એવો દુર્બુદ્ધિવાળો હતો કે જેથી આ સંસારમાં ભટકાવનાર
એવો કોઈ પૂર્વ-કુસંસ્કાર મારામાં રહી ગયો છે?

મંત્રી કહેશે કે-હે મહારાજ,તમારા પૂછવાથી એ વિષે એક રહસ્ય કહું છું,તે તમે ક્ષણવાર ધ્યાન દઈને સાંભળો.
અનાદિ,અનંત,અવર્ણનીય અને નિર્વિકાર જે 'સત્ય-તત્વ' છે તે જ તમે,હું અને અનેકરૂપે થઇ રહેલું છે,
અને તેને જ બ્રહ્મ -એવા શબ્દ વડે કહેવામાં આવે છે.એ બ્રહ્મ પોતે જ 'હું 'ચિદરૂપ' છું માટે મારા વિલાસને પસારું'
એવા સંકલ્પને પ્રાપ્ત થાય છે અને (ઉપાધિ-કે માયાથી) 'ચિત્ત-રૂપ' બની જાય છે.
પછી તે ઉપાધિને નહિ છોડતાં તે જાણે 'જીવભાવ'ને પ્રાપ્ત થઇ ગયેલ હોય તેમ રહે છે.

ચિત્ત એ એક આકાશના જેવા નિર્મળ આત્માની ઉપાધિ-રૂપ છે અને તેજ 'આતિવાહિક દેહ'રૂપ છે તેમ તમે સમજો.
આધિભૌતિક-આદિ સ્થૂળ-રૂપ દેહ પણ તે જ થઇ જાય છે,બાકી તેનાથી જુદું કશું નથી.
આ ચિત્ત નિરાકાર છે છતાં તે આ લોક,પરલોક-આદિ તેમ જ સ્વપ્ન-આદિ સંકલ્પો વડે જાણે સાકાર હોય તેવું
થઇ રહ્યું છે અને સત્ય-આત્મ-તત્વનો જ એક વિવર્ત (વિલાસ) છે.જેમ પવન,તેની ચલન-શક્તિ-રૂપ છે,
તેમ ચિત્ત જગત-રૂપ છે.જેમ આકાશ અને શૂન્યતા એકરૂપ છે તેમ જગત અને ચિત્ત એકરૂપ છે.

નિરંકુશપણે જગતની કલ્પના કરવામાં સમર્થ આ ચિત્તમાં અને જગતમાં કશી ભિન્નતા નથી.
હૃદયમાં વાસના-રૂપે રહેલા આ જગતનો સમૂહ વસ્તુતઃ કશારૂપ નથી છતાં જાણે બહાર કંઇક દૃશ્ય-રૂપે
રહેલો હોય તેમ જણાય છે.બાકી તત્વ-દૃષ્ટિથી જોઈએ તો જગત નિરાકાર ચિત્ત-રૂપ જ છે.તેમ સમજો.
આમ,પ્રથમ અવિનાશી બ્રહ્મપદમાં,સાત્વિક હિરણ્યગર્ભ (બ્રહ્મા) નો સમષ્ટિ-શરીર-રૂપે પ્રાદુર્ભાવ થયો અને
પછી તે વ્યષ્ટિભાવને પામીને,ક્રમે કરીને તમારા તામસ-તામસી જાતિના જીવરૂપ થઇ ગયો.

સિંધુરાજા કહેશે કે-હે મંત્રી,તમે જે તામસ-તામસી કહો છો તે શું છે અને બ્રહ્મની અંદર એ સર્વ સંજ્ઞાઓ (નામો)
પ્રથમ કોણે કલ્પેલી છે?

મંત્રી કહેશે કે-જેમ અવયવ-યુક્ત મનુષ્યના હાથ-પગ-આદિ અવયવો છે તેમ નિરવયવ આત્મા(બ્રહ્મ) જયારે
માયા વડે હિરણ્યગર્ભ (બ્રહ્મા) થઇ જાય છે,ત્યારે તે પોતાની અંદર જુદીજુદી સંજ્ઞાઓની 'કલ્પના' કરી લે છે.
સમષ્ટિ-રૂપે એ હિરણ્યગર્ભ 'આત્મા(બ્રહ્મ)રૂપ' જ છે પણ પછી તે વ્યષ્ટિ-જીવોની જુદીજુદી સંજ્ઞાઓ કલ્પે છે.
તે પોતાના આતિવાહિક (સૂક્ષ્મ-સમષ્ટિ) દેહને આધિભૌતિક (સ્થૂળ-વ્યષ્ટિ)રૂપે બનાવે છે.
અને તેની અંદર પૃથ્વી-આદિ સંજ્ઞાઓને ધારણ કરે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE