Jun 29, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1193

(૧૭૧) દૃશ્યનો નિષેધ

વસિષ્ઠ કહે છે કે- ચિદાકાશનો એક વિવર્ત(વિલાસ) જ આ દૃશ્ય (જગત)ના આકારે ભાસે છે,બાકી વસ્તુતઃ
જોઈએ તો જગત પણ નથી,તેનું ભાન પણ નથી,શૂન્ય પણ નથી અને વૃત્તિઓના અનુભવ પણ નથી.
આકાશથી જેમ શૂન્યતા જુદી નથી તેમ આ જગત ચિદાકાશથી જરા પણ જુદું નથી.
ચક્ષુ-આદિ ઇન્દ્રિયો દ્વારા,એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જનાર,સાક્ષી-ચૈતન્યનું,વચમાં જે નિર્વિષય
સ્વચ્છ રૂપ છે તે જ આ દૃશ્યના આકારે ભાસે છે,બાકી દૃશ્ય કાંઇ તેનાથી જુદી બીજી કોઈ વસ્તુ નથી.

મહાપ્રલય પછી સૃષ્ટિના આરંભના સમયે 'કારણ'નો અભાવ હોવાથી દૃશ્યની ઉત્પત્તિ શી રીતે સંભવે?
જેનાથી આ સંસાર-ચક્ર વારંવાર ફરતું રહે છે,તેવું દૃશ્યનું સૂક્ષ્મ બીજ પણ તે મહાપ્રલયના સમયે હોતું નથી.
તેથી મૂર્તિમાન આ દૃશ્ય (વંધ્યાના પુત્રની જેમ) કોઈ દિવસ થયું  જ નથી,એટલે દૃશ્યની પ્રતીતિ અસત્ય છે.
અને ચોતરફ જે કંઈ આ દૃશ્યની સ્થિતિ ભાસે છે-તે સ્વચ્છ ચિદાકાશ-રૂપ જ છે-એમ તત્વવેત્તા સમજે છે.

જે કંઈ આ દૃશ્ય દેખાય છે તે 'માયા'-રૂપી-ઈન્દ્રજાળ દેખાડનાર ખેલાડીનો એક આડંબર-માત્ર છે.
અહો ! કષ્ટની વાત તો એ છે કે જે દૃશ્ય સાવ બિલકુલ છે જ નહિ-તે 'છે' એવો ભ્રમ લોકોમાં સ્થિર થઇ રહ્યો છે.
ખેદની વાત તો એ છે કે-જે પરબ્રહ્મ સત્ય છે,તે પણ 'નથી' એવો ભ્રમ પણ લોકોમાં સ્થિર થઇ રહેલો જણાય છે.
આ સૂર્ય,શાંત પરમાકાશની અંદર તપે છે, તે પણ તે પરબ્રહ્મ\નો એક 'અવયવ' જ છે,ને તેનાથી ભિન્ન નથી.
એ સત્ય-અધિષ્ઠાનની અંદર રહેલ સૂર્ય (કે ચંદ્ર)-એ અધિષ્ઠાન ચૈતન્યને કંઈ પ્રકાશ આપતા નથી.

એટલે (આમ) એ પરમાત્મા જ સૂર્યને પ્રકાશ આપનાર છે,પણ સૂર્ય એ પરમાત્માને પ્રકાશ આપનાર નથી.
તે પરમાત્મા 'સાકાર છે કે નિરાકાર છે' -એવા શબ્દોની અને તેના અર્થની કલ્પના પણ અસત્ય જ છે.
જેમ સૂર્યના તેજની અંદર જીવ એક અણુના અવયવ જેવો ભાસે છે,તેમ સ્વયંપ્રકાશ પરબ્રહ્મની અંદર
સૂર્ય-આદિ પણ પરમાણુના જેવા ભાસે છે.(એટલે કે સૂર્ય પણ બ્રહ્મથી પ્રકાશે છે,તેથી પર-પ્રકાશિત છે !!)
આમ,સૂર્ય-આદિ સર્વ સૃષ્ટિઓ જો બ્રહ્મથી જ પ્રકાશિત હોય તો પછી તેનાથી જુદી કેમ કહી શકાય?

એ તત્વ (પરબ્રહ્મ) પોતાના વાસ્તવિક સ્વરૂપને કદી પણ છોડતું નથી અને તેની અંદર દ્વિત્વ-એકત્વ-આદિ કશું પણ નથી.
'અહીં કંઈ છે અને કંઈ નથી,અહીં કશું નથી પણ કંઇક છે' એવું સર્વ કલ્પનાઓ તે તત્વથી અતિદૂર રહે છે.
એક,નિરંતર,અનંત,અને પોતાની મેળે જ નિત્ય-એવી અતિ વિસ્તારવાળી ચિદાકાશની સત્તા જ
જગત-રૂપે તેના પોતાના સ્વરૂપની અંદર રહેલી છે.જેમ સ્વપ્નમાં એક વસ્તુ અનેક-રૂપે ભાસે છે,
તેમ આ ચિદાકાશ-એ અનેક પ્રકારે નથી છતાં પંચમહાભૂત-રૂપે અનેક પ્રકારે થઇ રહેલ ભાસે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE