Jul 6, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1200

(૧૭૫) ચિદાકાશ જ અજ્ઞાનથી જગત-રૂપે ભાસે છે

વસિષ્ઠ કહે છે કે-સર્વના આદિ-કારણ-રૂપ-ચિદાકાશ (સ્વપ્નની જેમ) વિવર્ત (આભાસ) ભાવને પામીને,
દૃશ્ય (જગત) ભાવને ધારણ કરી લે છે.ને તે (દૃશ્ય ભાવ) જીવોને દેહના તાદામ્યપણાનો અધ્યાસ થવામાં
મુખ્ય કારણરૂપ થાય છે.આમ,હવે જો પ્રથમ આરંભ સમયમાં દૃશ્ય જેવી કોઈ વસ્તુ જ નથી તો તે ચિદાકાશ,
દેહ-રૂપ કેમ થઇ શકે? એટલે તે સર્વ દૃશ્ય સ્વપ્નના અનુભવ જેવું જ છે.માટે આ સૃષ્ટિ (નરી આંખે) દેખાતાં
છતાં (સ્વપ્નના ઉદાહરણ સિવાય) બીજી કોઈ પ્રકારે સિદ્ધ થઇ શકતી નથી.

જ્યાં સુધી પરમાત્માનું વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં ના આવે ત્યાં સુધી તે અવિદ્યા-રૂપ તથા સંસારી-જીવ-રૂપ
પ્રતીતિમાં આવે છે,પણ જો તેનું વાસ્તવ-રૂપ ઓળખવામાં આવે તો ત્યારે જીવભાવ-દૃશ્યભાવ ટળી જાય છે
અને તે અનાદિ-અનંત-નિર્વિકાર-નિરાકાર પરબ્રહ્મ-રૂપ જ જણાય છે.
જીવ-રૂપે ભાસતા ચિદાકાશની જ,આ સૃષ્ટિમાં,પૃથ્વી,મન,બુદ્ધિ-આદિ નામોની 'કલ્પના' કરવામાં આવી છે.

પવનમાં જેમ ચલન-શક્તિ રહી હોય છે,તેમ ચિદાકાશની અંદર બુદ્ધિપૂર્વક નહિ પણ સ્વાભાવિક રીતે જ જગતનું
ભાન થાય છે.ને જગતનું ભાન થયા પછી ચિદાકાશે જીવભાવ વડે તેની અંદર પ્રવેશ કર્યો અને
'હું હિરણ્યગર્ભ -આ જગતનો સર્જનાર છું' એવા 'અભિમાન' (અહં) અને ઐશ્વર્યને ધારણ કર્યું.
પછી તેને 'બુદ્ધિ' 'મન' આદિની અને પૃથ્વી (પંચમહાભૂત) આદિની કલ્પના કરી.
કે જે કલ્પના સદ અને અસદ-રૂપ છે તથા ચિદાકાશના એક વિવર્ત-રૂપ છે.

હે રામચંદ્રજી,વાસ્તવિક રીતે જોતાં તો કશો પણ વિવર્ત જ નથી,પણ જે કંઈ છે તે સ્વચ્છ ચિદ-રૂપ-તત્વ જ છે.
કે જે ચિન્માત્ર તત્વ એક જ છે અને તેની 'કલ્પના' જ જગતના આકારે પોતાની અંદર પોતા વડે જ પ્રસરી રહેલ છે.
સૃષ્ટિના આરંભ-કાળમાં તે સૃષ્ટિ થવાનું બીજું કોઈ સત્ય-કારણ નથી,તેથી પોતાનો આત્મા જ પોતાની મેળે ચિદાકાશને
દૃશ્ય-રૂપે દેખે છે.નરી આંખે આ દૃશ્ય દેખાવા છતાં તે (સ્વપ્નના પદાર્થોની જેમ) આકાર આદિ ધર્મોથી રહિત છે.
તેથી સિદ્ધ થાય છે કે સર્વ ચિદાકાશ-રૂપ છે.અને તેની અંદર શૂન્યતા(દૃશ્યનો અભાવ) છે.

તે નિર્મળ શુદ્ધ બ્રહ્મ,પોતાના સ્વરૂપની અંદર જીવ-ભાવને કલ્પી લે છે ને મન-રૂપ બની ગયું હોય તેવું થઇ જાય છે.
પછી તે મનઃસૃષ્ટિ વડે આ સર્વ પ્રપંચને વિસ્તરી દેતું હોય તેમ ભાસે છે.
આ મન જ હિરણ્યગર્ભરૂપે છે અને સૃષ્ટિના હૃદયની અંદર રહીને નિરંતર સર્વને ઉત્પન્ન કરે છે,
પૃથ્વી-આદિથી રહિત એ મનરૂપ બ્રહ્મા (હિરણ્યગર્ભ) પોતાના નિરવયવ (અવયવ વગરના) હૃદયની અંદર
ત્રણે લોક રૂપ થઈને તેવા રૂપે જ પ્રતીતિમાં આવે છે.અથવા (નીચે મુજબ) બીજા પ્રકારે પણ તેની પ્રતીતિ થાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE