Jul 18, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1210

વશિષ્ઠ કહે છે કે-આગળ ઉત્પત્તિ-પ્રકરણમાં વર્ણવેલ એવા કોઈ દૃશ્ય-પ્રપંચની અંદર,તપ,વેદ અને કર્મના આશ્રય-રૂપ
એવો એક દ્વિજ હતો કે જે ઈંદુ-વિપ્ર નામે કહેવાતો હતો.તેના દશ પુત્રો હતા કે જે ઉદાર ચિત્તવાળા,
મહાશય અને સત્પુરુષોના આશ્રય-રૂપ હતા.કાળવશ જયારે તે ઈંદુ બ્રાહ્મણનું મૃત્યુ થયું ત્યારે,તેના દશે પુત્રો
તેની ઉત્તર-ક્રિયા કરી,દુઃખ વડે વ્યાપ્ત થઇ ગયા હોવાથી વ્યવહારને મૂકી દઈ સમાધિ માટે વનમાં ચાલ્યા ગયા.
'સર્વ ધારણાઓમાં ઉત્તમ સિદ્ધિ આપનારી કોઈ ધારણા હશે કે જેના બળથી આપને સર્વેશ્વર થઇ જઈએ'
એ પ્રમાણે વિચાર કરી તે દશે જણ,પદ્માસન વાળીને ગુફાની અંદર ધારણા કરવા લાગ્યા.

બ્રહ્મા સહિત એવા જગતની ધારણા બાંધીને ઘણા લાંબા કાળ સુધી,તેઓ આંખો મીંચી રાખી સ્થિર થઈને રહ્યા.
આવી સ્થિતિમાં તેઓ અઢાર માસ સુધી રહ્યા કે તેટલા સમયમાં તેમના દેહો સુકાઈ જઈ શબ-રૂપ થઇ ગયા.
તેમના અવયવોને રાક્ષસો ભક્ષણ કરી ગયા.પણ તે દશે જણના દેહ વગરનાં દશ ચિત્તો,એક ધ્યાનના પરિપાકના
બળથી (સંકલ્પથી) દશ બ્રહ્માંડ-રૂપી દેહવાળા જગતના આકારે થઇ રહ્યાં.
આમ,તેમનું સ્વચ્છ-નિરાકાર-ચૈતન્ય જ ઈચ્છા-રૂપ થઇ જઈને જગતના આકારે થઇ ગયું.

જેમ,ચિદાકાશમાં રહેલા તે ઈંદુ-બ્રાહ્મણના દશે પુત્રોનાં જગત ચિદ-રૂપ છે,તેમ તે જગતની અંદર રહેલાં,
લાકડાં,લોઢું,પાષાણ-આદિ પણ ચિદ્રુપ જ છે.જેમ,તે દશેના સંકલ્પો જ જગત-રૂપ થઇ ગયા હતા,
તેમ બ્રહ્મા(હિરણ્યગર્ભ) નો સંકલ્પ  જ આ જગત-રૂપ થઇ રહ્યો છે.
માટે અહીં દેખાતા પર્વતો,પૃથ્વી,વૃક્ષો,મેઘો અને મહાભૂતો -એ સર્વ પણ ચિદ્રુપ જ છે.
તે ઈંદુ બ્રાહ્મણના પુત્રોનાં જગતોની જેમ,કોઈ પણ ઠેકાણે ચૈતન્ય સિવાય બીજું કંઈ નથી.

અનુભવ,સ્મૃતિ અને સંસ્કારો પોતાની અંદર જડ અર્થને નહિ ધારણ કરતાં,ચિદ્રુપ અર્થને જ ધારણ કરે છે-
કેમ કે આગળ પ્રથમ તે વિચારથી સિદ્ધ થયું છે કે-કલ્પના-આદિની (અર્થ-વગરની) સ્થિતિ જુદા પ્રકારની હોય છે
અને ચિદાત્માના ચમત્કારથી તેમની સ્થિતિ જુદા પ્રકારની (ચમત્કારવાળી) માલુમ પડે છે.
જેમ મણિના સમૂહમાં મણિ દીપી નીકળે છે તેમ,તે ચૈતન્ય તત્વ,સર્વ-રૂપ થઈને,તે ચિત્ત-સત્તાના આશ્રય-રૂપ,
સમષ્ટિ-વ્યષ્ટિના ચિત્તમાં દેદીપ્યમાન-રૂપે રહેલું છે (ને તે દરેક ચિત્તમાં દીપી નીકળે છે)
અને જાણે અનેક-અર્થ-રૂપે ઉદય પામેલું હોય તેમ જણાય છે.

તે ચૈતન્ય તત્વ જ આ દેહ-રૂપે અને દેહના બહારના તથા અંદરના અવયવો-રૂપે બનેલ છે.
તે જ તત્વ પ્રાણ અને પ્રાણ -શક્તિ કે ચિત્ત-સત્તા બનીને આ દેહને ચલાવે છે.
વસ્તુતઃ તો આ સર્વ ચિદાકાશ-રૂપ જ છે,ને સર્વ તેમાં પ્રતિબિમ્બિત છે.આમ પોતાનું આત્મ-સ્વરૂપ જ
આ સર્વ-રૂપે થઇ રહેલું છે એટલે હવે તેમાં વિશેષ વિકલ્પો કરવાનું કોઈ કારણ રહેતું નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE