More Labels

Aug 16, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1230

જે વસ્તુ,જેવા પ્રકારે અને જેવા સ્વરૂપે બ્રહ્મ-સત્તા વડે સ્ફુરે છે,તે વસ્તુ,તે બ્રહ્મ-સત્તાના બળ(શક્તિ)થી જ્યાં સુધી
નિયમિત રીતે પ્રતીતિમાં આવે છે,ત્યાં સુધી તેને જ (તેની અંદર રહેનાર નિયામક એવા ચિત્ત-સત્તાના અંશને જ)
'નિયતિ' તથા 'સ્વભાવ' આદિ શબ્દ વડે ઓળખવામાં આવે છે.
'ફોતરાં-વાળા ધાન્યની અંદર અપ્રગટ-રૂપે રહેલી અંકુર-શક્તિની જેમ,તે બ્રહ્મ-સત્તા,પોતાના આકાશ-રૂપ-અંગની
અંદર 'શબ્દ-તન્માત્રા'ના જેવી સ્થિતિ વડે અપ્રગટ-રૂપે રહે છે.પછી તેના વડે જ આ દૃશ્ય રચના ઉત્પન્ન થાય છે.'
આવા પ્રકારની કલ્પના અવિવેકીઓને તત્વ-બોધ આપવા શ્રુતિ-મુનિ-આદિએ કરેલી છે.
તેથી આ કલ્પના એ તે બ્રહ્મનું (નિરાકાર-રૂપનું) તાત્વિક-પણું બતાવવા માટે નથી.

તે બ્રહ્મનું વાસ્તવિક-પણું ન ઓળખાયાથી તર્ક અને અવિચારની સ્ફૂર્તિ થાય છે.ભાવિ પદાર્થોની નામરૂપની કલ્પના
કરતાં તેની અંદર કંઇક રૂપની 'કલ્પના' થાય છે,પરંતુ તે ચિદાત્મા પોતે તો આકાશથી પણ સૂક્ષ્મ છે,
શુદ્ધ છે,સર્વવ્યાપી છે અને ભાવિ પદાર્થોનો ઉદબોધ કરનાર છે.
જયારે એ પરમ-સતા જડ પદાર્થને પણ ચેતન-રૂપ બનાવી દે છે,ત્યારે તે કંઇક અનુભવમાં આવે છે
અને તેથી 'ચિત્ત' એવા નામને ધારણ કરે છે.ત્યાર પછી તેના ઘાટા અધ્યાસને લીધે તે ભાવિ 'જીવ' નામને ધારણ કરે છે.
એ પણ પોતાની એક કલ્પના જ છે.જ્ઞાન થયા પછી તે સર્વ પરમપદ-રૂપ છે.

તે જયારે 'જીવ' નામને ધારણ કરે છે,ત્યારે તેની અંદર ચિદાકાશનું આચ્છાદન કરનારી અવિદ્યા રહેલી હોય છે.
આથી તેનું ખરું સ્વરૂપ જાણી શકાતું નથી,પણ જ્ઞાનનો ઉદય થતાં તે પરબ્રહ્મ સાથે એકતા પામે છે.
અજ્ઞાની આવરણની દશામાં 'જીવ' પોતાના આત્માના તાદામ્યના અધ્યાસની એક ભાવના-માત્રથી,
ખડાં થઇ ગયેલાં,દેહ-ઇન્દ્રિય-આદિ વડે સંસારને પ્રાપ્ત થાય છે અને પોતાના સ્વરૂપના વિસ્મરણથી
થનારાં અનેક ગ્લાનિકારક કર્મો કરે છે.

આત્મ-સત્તા વસ્તુતઃ શૂન્ય-રૂપ છે.તે શબ્દ આદિ ગુણને ધારણ કરીને સવિકલ્પ ભાવના વડે યુક્ત બને છે
અને ભાવિ આકાશ-આદિ પંચમહાભૂતોના નિદાન-રૂપ તથા સૂક્ષ્મ-ભૂત-રૂપ બની જાય છે.
પછી કાળ-સત્તાની સાથે અહંતાનો ઉદય થાય છે.અહંતા અને કાળ-સત્તા એ બે જ જગતની સ્થિતિનું
મુખ્ય બીજ છે.અને ભાવિ એવા સર્વ નામ-રૂપને ધારણ કરી રહેલ છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE