Oct 16, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1282

અદ્વિતીય એવું બ્રહ્મજ્ઞાન થયા છતાં પણ તમે અધ્યારોપ દૃષ્ટિનો અંગીકાર કરી લઇ,મારા ઉપદેશના શ્રવણમાં
આસક્ત-ચિત્ત થાઓ છો અને મિશ્ર-દૃષ્ટિના પક્ષને સ્વીકારી તમે દ્વૈતને સ્વીકારો છો.(એમ સમજો)
મિશ્ર-દૃષ્ટિમાં બ્રહ્મ એ સર્વ-રૂપ છે તથા સર્વમાં અંતર્ગત એવો જીવ કંઈ કંઈ કર્યા જ કરે છે ને અનુભવે છે.
હવે જો બ્રહ્મ જ એ સર્વના (જીવ)આકારે ક્રિયા કરતુ હોય ને અનુભવતું હોય,તો તે સર્વદા સર્વ પ્રકારે સર્વ કાર્ય
કર્યે જાય છે,પણ નિર્વિશેષ દૃષ્ટિથી જોઈએ તો તે કોઈ પણ દેશ-કાળમાં કશું કરતું નથી કે તેનાથી કશું ભિન્ન નથી.

હે રામચંદ્રજી,બ્રહ્મ જ આ ત્રિભુવનના આકારે સર્વદા ભાસ્યા કરે છે,બાકી બીજું કશું અહી નથી.
'જેમ કોઈ પણ દેશ-કાળમાં આકાશમાંથી પર્વતો ઉત્પન્ન થતા નથી,તેમ બ્રહ્મમાંથી જગતો ઉત્પન્ન થતાં નથી'
આમ માની તમે પરમ શાંતિને પ્રાપ્ત થાઓ.જ્યાં સુધી અલ્પ બુદ્ધિવાળા શ્રોતાઓને બરોબર બોધ નથી થયો
ત્યાં સુધી સંદેહના અવસરમાં (ઉપદેશ માટે) તમે ખુશીથી ભેદ (દ્વૈત)નો (કે જગતનો) સ્વીકાર કરો.
બાકી પ્રબુદ્ધ દશા સાંપડશે અને બોધનો ઉદય થશે.એટલે તમને અહંકાર.સંકલ્પ.જગત,ભેદની કે અભાવની
બુદ્ધિ થશે જ નહિ.વળી શાસ્ત્ર અને શબ્દ આદિની બુદ્ધિ પણ તત્વજ્ઞની આ છેલ્લી અવસ્થામાં રહેતી નથી.

રામ : હે મહારાજ,આ વાત મારા સમજવામાં આવી ગઈ.હવે મને બોધ થાય તે માટે આપ,આપે માંડેલી
ચાલતા પ્રસંગની વાત  આગળ ચલાવો.પરબ્રહ્મની અંદર 'સમષ્ટિ-અહંકાર'નો આવિર્ભાવ થયા પછી શું થાય છે?
હું તે સાંભળવા ઉત્સુક છું.આપનો બોધ (ફરી ફરીવાર સાંભળવા છતાં) સાંભળતા મને તૃપ્તિ થતી નથી.

વસિષ્ઠ : પ્રથમ તે પરબ્રહ્મની અંદર 'સમષ્ટિ-અહંકાર'નો ઉદય થયા પછી,'આકાશની સત્તા'નો (અધ્યાસનો)
ઉદય થાય છે,ત્યાર પછી દિશાઓની સત્તા,કાળસત્તા અને ભેદસત્તા ઉદય પામે છે.
જયારે તે બ્રહ્મને દેહ-આદિમાં અહંકારભાવનું ભાન થાય છે ત્યારે તે દેહ,'ઈતર (બીજા) સ્થળમાં હું નથી'
એવું ભાન પણ અવશ્ય ઉદય પામે છે.અને દેશ-વસ્તુ-આદિ રૂપે તેનો આત્મા વિના-ક્રમે દ્વૈત-રૂપ થઇ જાય છે.
અને તે (બ્રહ્મ) આ રીતે અનેક-રૂપે પ્રતીતિમાં આવે છે.

તે સમયે પ્રથમ તો માત્ર આકાશ જ હોય છે,ને પછીથી પણ તે (દેહ-વસ્તુ આદિ સ્વરૂપે કલ્પિત હોવાથી)
આકાશ-રૂપ જ છે,પણ ઉપર કહ્યા મુજબ ભેદની સત્તાના 'વાચક શબ્દો'નો અધ્યાસ ખડો થઇ જાય છે.
આકાશ (શબ્દ જેમ કે ઓમ) તન્માત્રાને અનુભવનાર તે નિરાકાર,'સમષ્ટિ-અહંકાર' થી દિશા-કાળ આદિની
કલ્પના-રૂપ (દ્વૈત) થઇ જાય છે એટલે તે પ્રકાશ-રૂપ અને જ્ઞાન-સ્વરૂપ બ્રહ્મ-તત્વ જ દૃશ્યના નામથી ભાસે છે.
જો કે (વસ્તુતઃ) તો તે બ્રહ્મ પોતાના આત્મ-સ્વરૂપથી અભિન્ન છે,તો પણ તત્વજ્ઞાનનો ઉદય થતાં સુધી,
તે દૃશ્ય (જગત) ને ભિન્ન-રૂપે (જગત-રૂપે) જુએ છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE