More Labels

Oct 21, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1287

વસિષ્ઠ કહે છે કે-હે મહારાજા દશરથ,હવે હું જે કહું છું તે પ્રમાણે આપ કરો.કથાને અંતે બ્રાહ્મણ વગેરેનું
પૂજન કરવું જોઈએ માટે તમે આજે સર્વ બ્રાહ્મણોની કામનાને પૂર્ણ કરો.તેમ કરવાથી,આ વેદના અર્થનું
(આ મહા રામાયણનું) શ્રવણ કરવાના અનુષ્ઠાનના શાશ્વત ફળને તમે પ્રાપ્ત થશો.
વસિષ્ઠનાં વચન સાંભળી,દશરથે વેદવાદી એવા ઉત્તમ દશ હજાર બ્રાહ્મણોને દૂત દ્વારા બોલાવી,
તેમનું યથાવિધિ પૂજન કરી,ભોજન જમાડી તે સર્વની ઈચ્છા પ્રમાણે દાન-દક્ષિણા આપ્યાં.
વળી તેમણે,પિતૃઓનું,દેવતાઓનું,રાજાઓનું,નગરવાસીઓનું,અમાત્યોનું,તથા દીન,અંધ,
કૃપણ-આદિ મનુષ્યોનું પણ તે જ પ્રમાણે પૂજન-આદિ કર્યું.ને પછી મોટો ઉત્સવ કર્યો.

(૨૧૫) ગ્રંથની પ્રશંસા

વાલ્મીકિ કહે છે કે-હે મહાબુદ્ધિશાળી શિષ્ય ભરદ્વાજ,એવી રીતે રામ જ્ઞાતજ્ઞેય (જાણવાનું જેણે જાણી લીધું છે તેવા)
થઇ જઈ નિઃશોક-પણાને (પરમાનંદ-દશાને) પ્રાપ્ત થયેલા છે.તમે પણ આજ સુંદર બ્રહ્મ-દૃષ્ટિનું અવલંબન રાખી,
રાગથી રહિત થઇ જઈ,નિઃશંક રીતે જીવનમુક્તદશામાં,શાંત બુદ્ધિને ધારણ કરી,મરજી પ્રમાણે જેમ સુખ આવે તેમ
સ્થિતિને ધારણ કરીને રહો.હે ભરદ્વાજ,બુદ્ધિ ઘાટા મોહમાં નિમગ્ન હોય અને વિમૂઢ હોય,તો પણ દુઃસંગનો કે
ભોગોના સંગનો અભ્યાસ ન કરવામાં આવે તો તે (બુદ્ધિ) રામની જેમ મોહને પ્રાપ્ત થતી નથી.

તમે પણ પોતાની મેળે જ (પોતાના વિચારના બળથી જ) મુક્ત છો,તો પણ આ મોક્ષસંહિતા (યોગવાસિષ્ઠ)નું
શ્રવણ કરી હમણાં વળી સત્ય રીતે વિશેષ મુક્ત થયા છો.આ પવિત્ર અને પ્રત્યક્ષ અનુભવવાળા અર્થને બતાવનાર
મોક્ષના ઉપાયોનું શ્રવણ કરીને બાળકો પણ તત્વજ્ઞ થઇ જાય છે,તો પછી તમારા જેવા અધિકારી માટે તો શી વાત કરવી?
રામની જેમ તમારે પણ એ જ આદ્ય(પરમ) પદ મેળવવાનું છે.

હે ભરદ્વાજ,અહી વિશેષ કહેવાનું શું પ્રયોજન? પણ જેઓ આ મહા પ્રભાવવાળા મોક્ષના ઉપાયોનું શ્રવણ કરશે,
તેઓ તત્વવેત્તાઓમાં અતિશ્રેષ્ઠતા મેળવી,ફરીવાર પાછા આ સંસારમાં આવશે નહિ.
જે જે બહુશ્રુત સત્પુરુષો,બહુશ્રુત ગુરુઓની પાસે,આ ગ્રંથનો સારી ઈર્તે વિચાર કરશે,સારી રીતે તેનો અર્થ સમજશે,
અને પછી શ્રોતાજનોને સંપ્રદાય પ્રમાણે શ્રવણ કરાવશે,તેઓ મૂર્ખતા કે પુનર્જન્મને પ્રાપ્ત થશે નહિ.
જેઓ કશા અર્થ (ધન)ની અપેક્ષા રાખ્યા સિવાય,આર્યદેશમાં આ શુભ પુસ્તકનો પાઠ કરશે,
જેઓ પુસ્તકને લખાવશે (કે લખશે),જેઓ વ્યાખ્યાન સહિત વંચાવશે (કે વાંચશે)
તેઓ સકામ હશે તો પણ રાજસૂયયજ્ઞના ફળ (પુણ્ય) ને પ્રાપ્ત થઇ વારંવાર સ્વર્ગલોકમાં જશે.
ને છેવટે પુણ્યનો પણ ક્ષય થતાં મોક્ષને પ્રાપ્ત થશે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE