Oct 5, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-18

 

स कीत्र्यमानः शीघ्रमेवाविर्भवति अनुभावयति च भक्तान्।। ८० ।।

ભગવાનનું પ્રેમ-પૂર્વક કીર્તન કરવાથી ભગવાન પ્રગટ થાય છે 

અને ભક્તોને પોતાનો અનુભવ કરાવી દે છે (૮૦)


પરમાત્મા તો સર્વ જગ્યાએ હાજર જ છે,તેને કોઈ ખુશામતની (વખાણની) પડી નથી,

પણ,જયારે,ભક્ત તેના સ્મરણમાં સતત રહે છે ત્યારે તે ભક્ત ખુલે છે,તેના આંખ આગળનો પડદો હટી જાય છે,

અને પરમાત્મા પ્રગટ થાય છે,ને તે ભક્તને પોતાનો (પરમાત્માનો) અનુભવ કરાવે છે.

એટલે કે-કીર્તનથી,સતત સ્મરણથી,ભક્તને તન્મયતા થાય છે,ભક્ત ભગવાન બને છે.

ને સર્વમાં તેને પરમાત્માના દર્શન થાય છે.અને તે જ પરમાત્માની કીર્તિનું કીર્તન છે.


त्रिसत्यस्य भक्तिरेव गरीयसी भक्तिरेव गरीयसी ।। ८१ ।।

ત્રણ સત્યો (કાયિક-માનસિક-વાચિક અથવા ત્રણે કાળમાં) માં 

સત્ય-ભગવાનની ભક્તિ જ શ્રેષ્ઠ છે,ભક્તિ જ શ્રેષ્ઠ છે. (૮૧)


(ભૂતકાળ-વર્તમાન અને ભવિષ્યકાળમાં) પરમાત્માને પામવા,સામાન્ય રીતે મનુષ્ય,

(શરીર-મન-વચનથી) યોગ,તપ,ત્યાગ,તપશ્ચર્યા વગેરે કરે છે.(કે તેના પર આધાર રાખે છે)

પણ ભક્તિનો આધાર તો કોઈ અલગ જ છે.ભક્ત,ભગવાન પર સર્વ ભાર (અને કર્મો)છોડી દે છે,

અને ભગવાનને,તે જે ચાહે તે કરવા દે છે.ભગવાન પર તેનો સંપૂર્ણ રીતે ભરોસો છે.


તે ભગવાનની ચાતક પક્ષીની જેમ રાહ જુએ છે,ને ભગવાન પણ ભક્તના પરમ-પ્રેમને માન આપે છે.

ભગવાન,ભક્ત બને છે તો ભક્ત ભગવાન બને છે,આવી અનન્યતા માટે,

બીજા કોઈ જ માર્ગો કરતાં ભક્તિ જ શ્રેષ્ઠ છે.ને પરમાત્માને પામવાનો સહેલો ઉપાય છે.


બીજી સર્વ સાધન-પદ્ધતિઓ,કૈંક કરવાનું (યોગ-આદિ) કહે છે જયારે ભક્તિ છોડવાનું કહે છે.

પરમાત્મા પર જયારે સર્વ ભાર છોડવામાં આવે,ત્યારે,ભક્તના ખુલ્લા હૃદય પર,

ખુદ પરમાત્મા આવી ક્રિયા (કર્મ) કરે છે,ને ભક્તના હૃદય પર,પોતાના હસ્તાક્ષર કરે છે.

ભક્તને આ માટે કશું કરવું પડતું નથી.માત્ર પરમપ્રેમ પૂરતો છે,તેથી ભક્તિ શ્રેષ્ઠ છે.


गुण्माहात्म्यासक्तिरूपासक्तिपूजासक्तिस्मरणासक्तिदास्यासक्तिसख्यासक्तिकान्तासक्तिवात्सल्यासकत्यात्मनिवेदनासक्ति तन्मयतासक्तिपरमविरहासक्तिरूपाधाप्येका एकदशधा भवति।। ८२ ।।

આ પ્રેમ-રૂપ ભક્તિ એક જ છે તેમ છતાં તેના અગિયાર પ્રકાર પાડેલા છે.

ગુણમહાત્મયાસક્તિ--રૂપાસક્તિ--પૂજાસક્તિ--સ્મરણાસક્તિ--દાસ્યાસક્તિ--સખ્યાસક્તિ--કાંતાસક્તિ--વાસ્તાલ્યાસક્તિ--આત્મનિવેદનાસક્તિ --તન્મયતાસક્તિ--પરમવિરહાસક્તિ(૮૨)


પરમપ્રેમરૂપા ભક્તિ તો એક જ છે,પણ ભક્તો અગિયાર પ્રકારના છે,

એટલે ભક્તિના પણ અગિયાર પ્રકાર પડેલા છે.

ભક્ત,ભગવાનને જે રૂપમાં ભજવા ચાહે,તે રૂપ ધરવા ભગવાન તૈયાર છે.

કૃષ્ણ-ભક્તો તેને પુરુષ માને છે તો સૂફી ભક્તો તેને પ્રેયસી (સ્ત્રી) માને છે.

ગોપીઓ તેને સખી માને છે કે પતિ માને છે.તો હનુમાનજી તેમને સ્વામી ને પોતાને દાસ માને છે.

ભક્તની ભાવ-દશા પ્રમાણે,ભક્ત ભગવાનમાં આસક્ત બને છે,ને ભગવાનમાં તન્મય બને છે.


इत्येववदन्ति जनजल्पनिर्भया एकमताः कुमारव्यासशुकशाण्डिल्यगर्गविष्णुकौण्डिन्यशेषोद्धवारुणिबलिहनुमद्विभीषणादयो भक्त्याचार्याः ॥ ८३ ॥

કુમાર (સનત્કુમારો),વેદવ્યાસ,શુકદેવ,શાંડિલ્ય,ગર્ગ,વિષ્ણુ,કૌન્ડીલ્ય,શેષ,ઉદ્ધવ,આરુણિ,

બલિ,હનુમાન,વિભીષણ-વગેરે ભક્તિતત્વના આચાર્ય-ગણો,લોકોની નિંદા-સ્તુતિનો કોઈ પણ જાતનો 

ભય રાખ્યા વગર -એક-મત થઇને કહે છે કે-ભક્તિ જ સર્વ-શ્રેષ્ઠ છે. (૮૩)


સમાજ (જગત) મર્યાદા ચાહે છે,પણ પ્રેમ તો અમર્યાદ છે.એટલે પ્રભુ-પ્રેમીની નિંદા-સ્તુતિ થાય એ સામાન્ય છે.

પ્રભુપ્રેમી પાગલ થઈને બજાર વચ્ચે નાચે તો તેની નિંદા થાય,કે કોઈ સ્તુતિ (વખાણ) સાથે નિંદા પણ થાય.

જો ભક્તને આવી નિંદા-સ્તુતિનો ભય રાખે  તો તે ભક્ત બની શકતો જ નથી.

એટલે જ ઉપર કહેલા શ્રેષ્ઠ ભક્તો,નિંદા-સ્તુતિનો ભય રાખ્યા વગર એક મત થઈને ભક્તિને વળગી રહે છે,

ને તેથી જ તેમણે પરમાત્મા સાથે અનન્યતા મેળવેલ છે.એટલે ભક્તિ જ શ્રેષ્ઠ છે.


य इदं नारदप्रोक्तं शिवानुशासनं विश्वसिति श्रद्धत्ते स प्रेष्ठं लभते स प्रेष्ठं लभत इति।। ८४ ।।

જે આ નારદોક્ત શિવાનુશાસનમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખે છે-

તે પ્રિયતમ (ઈશ્વર) ને પ્રાપ્ત કરે છે.(કરશે) તે પ્રિયતમ ને પ્રાપ્ત કરશે.

વિશ્વાસ કરવામાં કદાચ થોડો સંદેહ હોય છે,પણ જો શ્રદ્ધા આવે તો પછી કોઈ સંદેહ રહેતો નથી.

જેમ કે કોઈ દર્દની દવા દર્દીને આપવામાં આવે તો,તે દર્દીને દર્દ દૂર ન થાય ત્યાં સુધી,

'આ દવાથી દર્દ દૂર થશે?' તેવો સંદેહ તો રહે જ છે,પણ જો તે વખતે તેને કહેવામાં આવે કે 

'આ દવાથી હજારો લોકોના દર્દ દૂર થયેલા છે એટલે તારું દર્દ પણ ત્વરિત દૂર થશે'

તો દર્દીને દવા પર શ્રદ્ધા આવે છે ને તેનું દર્દ પણ તરત જ દૂર થાય છે. 


ભક્તિના આ પ્રેમશાસ્ત્રમાં જે વિશ્વાસ રાખે,અને આ ભક્તિથી હજારો ભક્તોએ ભગવાન સાથે અનન્યતા મેળવી છે,એટલે 'ભક્તિથી ભગવાન મળશે જ' એવી શ્રદ્ધા પણ રાખે તો તે પ્રેમીભક્ત,પ્રભુ (પ્રિયતમ)ને પામે છે.


નારદ-ભક્તિ-સૂત્રો-સમાપ્ત

By

Anil Shukla

www.sivohm.com

Click here to go to Index Page