II वैशंपायन उवाच II प्रभातायां तु शर्वर्या तेषामक्लिष्त्कर्मणाम् I वनं पिपासतां विप्रास्तस्थुर्भिक्षामुजोSप्रतः II १ II
વૈશંપાયન બોલ્યા-બીજા દિવસે સવારે,પાંડવો સાથે વનમાં સાથે જવાની ઈચ્છાવાળા,ભિક્ષાભોગી વિપ્રો,
ઉત્તમકર્મી પાંડવોની સામે આવીને ઉભા રહ્યા ત્યારે યુધિષ્ઠિરે તેમને કહ્યું કે-'અમારું ઐશ્વર્ય હરાઈ ગયું છે,એથી ફળ,મૂળ અને માંસનો આહાર કરતા અમે વનમાં જઈશું.વનમાં અનેક દોષો હોય છે,ત્યાં વાઘો ને સર્પો હોય છે,
એટલે હું માનું છું કે તમને ત્યાં નક્કી ક્લેશ થશે અને બ્રાહ્મણોનો થયેલો ક્લેશ દેવોને પણ નાશ કરે છે,
તો પછી અમારું તો શું ગજું? માટે,કૃપા કરી તમે અહીંથી પાછા વળો (4)
બ્રાહ્મણો બોલ્યા-હે રાજન,તમે જ્યાં જશો ત્યાં અમે જવાને તૈયાર થયા છીએ.સદધર્મ દ્રષ્ટિવાળા અને તમારી તરફ ભક્તિવાળા એવા અમને તજી દેવાને તમે યોગ્ય નથી.દેવો પણ ભક્તો ને બ્રાહ્મણો તરફ સ્નેહ ને કૃપા રાખે રાખે છે
યુધિષ્ઠિર બોલ્યા-હે બ્રાહ્મણો,તમારા પ્રત્યે મને પણ સદા પરમભક્તિ છે,પણ તમારી આ સહાય મને અત્યંત ક્લેશ કરાવે છે.મારા આ ભાઈઓ ફળ,મૂળ અને મૃગોને લઇ આવી શકે તેમ છે,પણ તેઓ સર્વ,હાલ શોકજન્ય દુઃખને કારણે મૂઢ જેવા થઇ ગયા છે.ને તેમને પણ વધુ ક્લેશમાં નાખવાની હું હામ ધરતો નથી.
બ્રાહ્મણો બોલ્યા-હે મહારાજ,તમે,તામ્ર હૃદયમાં અમારા ભરણપોષણની ચિંતા કરશો નહિ.વનમાં અમે જાતે જ આહારની વસ્તુઓ લઇ આવીશું પણ અમે તમારી પાછળ જ આવીશું જ.ત્યાં તમારા માટે જપ જપીને અમે તમારું મંગલ કરીશું,વળી,મનોરંજન કથાઓ કહી અમે તમારી સાથે આનંદ કરીશું.(11)
યુધિષ્ઠિર બોલ્યા-એ નિઃસંદેહ છે કે,હું તમારી સાથે આનંદ પામીશ,પણ મારામાં આવેલી આ ન્યૂનતાને લીધે
હું,મારી જાતને ધિક્કારું છું.કેમ કે તમે સર્વ જાતે ભિક્ષા લાવીને જમો ને તમે ક્લેશને અયોગ્ય હોવા છતાં,
મારા લીધે ક્લેશને સહન કરો તે હું જોઈ શકતો નથી ! (13)
વૈશંપાયન બોલ્યા-આમ કહીને શોક કરી રહેલા તે મહારાજ યુધિષ્ઠિર જમીન પર બેસી ગયા.ત્યારે
યોગ અને સાંખ્યમાં કુશળ એવા ;શૌનક;નામના વિદ્વાન અને અધ્યાત્મપરાયણ બ્રાહ્મણે તેમને કહ્યું કે-
'મૂર્ખ મનુષ્યો જ રોજ રોજ શોકના હજાર અને ભયનાં સેંકડો કારણોને પામે છે,પણ પંડિતો નહિ.જ્ઞાનના વિરોધી,અનેક દોષોથી ભરેલા અને કલ્યાણના ઘાતક એવા કર્મોમાં તમારા જેવા બુદ્ધિમાનો આસક્ત થતા નથી.
યોગના આઠ અંગવાળી,સર્વ અમંગલો હરનારી ને શ્રુતિ તથા સ્મૃતિથી પ્રતિપાદિત એવી બુદ્ધિ તમારામાં દૃઢ રીતે રહેલી છે.તેથી તમારા જેવા પુરુષે ધનનાશના પ્રસંગમાં,દુસ્તર સંકટમાં ને આવી પડેલી આપત્તિઓમાં,
માનસિક કે શારીરિક પીડાઓથી દુઃખ ન પામવું જોઈએ (19)
પૂર્વે,મહાત્મા જનકે,આત્માની સ્થિરતા આપનારા જે શ્લોકો કહ્યા હતા,તે હું તમને કહું છું.
આ જગત,મન અને શરીરને લીધે થયેલાં દુઃખોથી પીડાય છે,તેમની શાંતિ માટેનો ઉપાય તમે સાંભળો.
વ્યાધિ,અનિષ્ટનો સ્પર્શ(અપ્રિય ઘટનાઓની પ્રાપ્તિ),અધિક પરિશ્રમ અને ઈષ્ટનો ત્યાગ (પ્રિય વસ્તુઓના વિયોગ) શરીરને લીધે,આ ચાર કારણોથી દુઃખો ઉત્પન્ન થાય છે.આ દુઃખોની શાંતિ માટેના બે ઉપાય છે.
ચારેય કારણોનો પ્રતિકાર કરવો અને દુઃખનો સતત ચિંતન ન કરવું.આ બે ક્રિયાયોગ (દુઃખનિવારક ઉપાય) છે,
એનાથી જ આધિ-વ્યાધિની શાંતિ થાય છે.અને આથી જ બુદ્ધિમાન ચિકિત્સકો પ્રથમ પ્રિય લાગે તેવી વાતો કહીને અને હિતકર ભોગની સામગ્રીઓ પ્રાપ્ત કરાવીને,દુઃખી મનુષ્યોના માનસિક દુઃખોનું જ નિવારણ કરે છે.(24)
કેમ કે.જેમ,તપાવેલા લોઢાના ગોળાને ઘડામાં નાખવાથી તેમાં રહેલું પાણી તપી જાય છે,તેમ,માનસિક દુઃખ વડે શરીર પણ ધગી ઉઠે છે.તેથી,પ્રથમ,માનસિક દુઃખરૂપી અગ્નિને જ્ઞાન-રૂપી-જળથી શાંત કરવો.
ને આમ,માનસિક દુઃખ શમી જતા શારીરિક દુઃખ પણ શમી જાય છે.(26)
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE