Nov 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-332

 

અધ્યાય-૪૩-અર્જુનને ઇન્દ્રસભાનાં દર્શન 


II वैशंपायन उवाच II ददर्शं स पुरीं रम्यां सिद्ध्चारणसन्विताम् I सर्वर्तुकुसुमैः पुण्यैः पादयरूपशोभिताम् II १ II

વૈશંપાયન બોલ્યા-સિદ્ધો ને ચરણોથી સેવાયેલી તથા સર્વ ઋતુઓના ફુલોવાળાં પુણ્યવૃક્ષોથી શોભી રહેલી તે રમણીય ઇન્દ્રપુરી નગરી હતી.પછી,જ્યાં સૌગન્ધિક કમળપુષ્પોની પવિત્ર મહેંકમાં ભળેલા વાયુની સુરખી વહેતી હતી.તેવા નંદનવનને અર્જુને જોયું,કે જે અપ્સરાઓના સમુહોથી સેવાયેલું હતું.અને તેમાંના દિવ્ય કુસુમવાળાં વૃક્ષો જાણે તેને બોલાવી રહ્યાં હતાં.પુણ્યકર્મીઓના આ લોકને તપ ન કરનારાઓ,અગ્નિહોત્ર ન રાખનારાઓ ને યુદ્ધમાં પીઠ બતાવનારાઓ તો જોઈ જ શકતા નથી.(4)

વળી,યજ્ઞ ન કરનારાઓ,વેદશ્રવણથી વર્જિત રહેનારાઓ,તીર્થસ્થાનોમાં અંગસ્નાન ન લેનારાઓ,દાનથી વિમુખ રહેનારાઓ,યજ્ઞને હણનારાઓ,નીચો,મદ્ય પીનારાઓ,ગુરુપત્ની સાથે સંગ સેવનારાઓ,માંસ ખાનારાઓ ને દુષ્ટ મનવાળા મનુષ્યો કદી પણ આ પુણ્યલોકના (સ્વર્ગના) દર્શન કરી શકતા નથી.દિવ્ય ગણોથી ગાજી રહેલા તે દિવ્ય 

નંદનવનને જોતો જોતો તે મહાબાહુ અર્જુન ઇન્દ્રની પ્રિય નગરીમાં પેઠો.ત્યાં તેણે,ઈચ્છાગતિવાળાં હજારો દેવવિમાનોને ઊભેલાં ને હજારોને આવતાં જોયાં.ગંધર્વો ને અપ્સરાઓ અર્જુનની સ્તુતિ કરવા માંડી અને 

કુસુમગંધને વહી લાવતા પવિત્ર વાયુઓ તેને પવન ઢોળવા લાગ્યા.(9)


પછી,દેવો,ગંધર્વો,ઋષિઓ,સિદ્ધોએ ઉત્તમ કર્મવાળા પૃથાનંદનને આનંદપૂર્વક પૂજન આપ્યું.

આમ,આશીર્વાદો અને દિવ્ય વાજિંત્રોના ઘોષોથી સ્તુતિ પામી રહેલો તે મહાબાહુ,શંખ ને દુંદુભિઓથી ગાજી રહેલા અને 'સુરવીચિ' નામે પ્રસિદ્ધ થયેલા વિશાલ નક્ષત્રમાર્ગ પર આવી પહોંચ્યો.ત્યાં સાધ્યો,વિશ્વદેવો,મરુતો,અશ્વિનો,આદિત્યો,વસુઓ અને નિર્મલ બ્રહ્મર્ષિઓ હતા.વળી,ત્યાં અનેક રાજર્ષિઓ,દિલીપ આદિ રાજવીઓ,તુમ્બરું,નારદ અને હાહાહુહુ ગંધર્વો પણ હતા,તે સર્વેને તે મળ્યો.


ને પછી,રથમાંથી ઉતરીને,સ્વર્ગના શાસક એવા પોતાના પિતા ને શત્રુનાશન શતક્રતુ દેવરાજ ઇંદ્રનાં તેણે દર્શન કર્યા.એમને સુવર્ણ દંડવાળું ઉજ્જવળ છત્ર ધરાયુ હતું ને દિવ્ય સુગંધિત વીંઝણાઓ વડે વાયુ ઢળાતો હતો.

એમને વિશ્વાવસુ આદિ ગંધર્વો સ્તુતિ વંદન કરતા હતા અને બ્રહ્મા શ્રેષ્ઠો વેદના મંત્રથી એમનું સ્તવન કરતા હતા.

કૌન્તેયે,એમની પાસે જઈને શિર ઢાળીને વંદન કર્યું,ત્યારે ઇન્દ્રે તને ઉઠાવીને આલિંગન આપ્યું ને પોતાની પાસે બેસાડ્યો.ને પછી,દેવરાજે એનું માથું સૂંઘીને પોતાના ખોળામાં લીધો.ત્યારે અર્જુન બીજા ઇન્દ્રની જેમ શોભી રહ્યો. 


પછી,વૃત્રાસુરના શત્રુ ઈંદ્રે સાંત્વન આપતાં આપતાં પોતાના,પુણ્યગંધવાળા હાથથી અર્જુનના મુખને પ્રેમપૂર્વક સ્પર્શ કર્યો,ને તેના સુંદર હાથોને ધીરેધીરે પંપાળવા લાગ્યો.હર્ષથી જેનાં નયન પ્રફુલ્લ થયાં હતાં,એવો સહસ્ત્રનયન ઇન્દ્ર,ગુડાકેશ અર્જુનને સ્મિતપૂર્વક જોઈ રહ્યો,છતાં,તેને તૃપ્તિ ન થઇ.એક આસાન પર બેઠેલા તેઓ જાને સૂર્ય-ચંદ્રની જેમ આકાશને શોભા આપી રહ્યા હતા.ત્યાં સંગીતમાં કુશળ એવા તુમ્બરું આદિ ગંધર્વો મધુરતાથી 

પરમ મનોહર ગાથાઓ ગાતા હતા.ને ધૃતાચી,મેનકા,રંભા,પૂર્વચિત્તી,સ્વયંપ્રભા,ઉર્વશી,મિશ્રકેશી,દંડગૌરી,

વરુથિની,ગોપાલી,સહજન્યા,પ્રજાગરા,ચિત્રસેના,ચિત્રલેખા,સહા,ને મધુરસ્વરા ને બીજી હજારો અપ્સરાઓ 

ત્યાં નૃત્ય કરી રહી હતી.મહાન કટિઓવાળી અને વિશાળ નિતંબોવળી એ કમળનેત્રી અપ્સરાઓ.

પોતાની કંપિત થતી છાતીથી ને ચિત્ત,બુદ્ધિ ને મનને હરિ લેનારા કટાક્ષો-હાવભાવો 

ને માધુર્યથી સિદ્ધોનાં ચિત્તોને પ્રસન્ન કરવામાં લાગી હતી.(32)

અધ્યાય-૪૩-સમાપ્ત