Nov 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-340

 

અધ્યાય-૫૧-ધૃતરાષ્ટ્રનો વિલાપ 


II वैशंपायन उवाच II तेषां तच्चरितं श्रुत्वा मनुष्यातीतमद्भुतम् I चिंताशोकपरीतात्मा मन्युनाSभिपरिप्लुतः II १ II

વૈશંપાયન બોલ્યા-મનુષ્યોમાં અદ્ભૂત એવું પાંડવોનું ચરિત સાંભળીને અંબિકાપુત્ર ધૃતરાષ્ટ્રનું મન,ચિંતા અને શોકથી ઘેરાઈ ગયું હતું.ક્રોધથી રેબઝેબ થઇ રહેલા તેણે લાંબા ને ઉના નિસાસા નાખ્યા ને તે સંજયને કહેવા લાગ્યો કે-હે સૂત,દ્યુતના પરિણામે,ખરે,ભયંકર અન્યાય વર્ત્યો છે.પાંડવોમાં જે શૌર્ય,ધૈર્ય અને પરમ વૃત્તિ છે,તેમ જ તે ભાઈઓમાં,માનવદુર્લભ જે સ્નેહ છે,તે સૌનો વિચાર કરતા મને રાત્રિ-દિવસ,એક ક્ષણ પણ શાંતિ મળતી નથી.

નકુલ અને સહદેવ પણ દેવપુત્રો છે,તેઓ મહાભાગ્યશાળી છે ને ઇન્દ્રના જેવા કાંતિમાન છે.દૃઢ આયુધવાળા અને દૂર સુધી બાણ ફેંકનારા તેઓ રણમાં દૃઢનિશ્ચયી છે.દૃઢ ક્રોધવાળા,નિત્ય સાવધ,વેગવાન,પરાક્રમી અને દુઃસહ એવા એ બંને ભીમ અને અર્જુનને અગર ભાગમાં રાખીને ઉભા રહેશે,એમાં જ હું મારી સેનાને નિઃશેષ થયેલી જોઉં છું.

તે બે મહારથી દેવપુત્રોની સામે કોઈ યુદ્ધમાં ટકી શકે તેમ નથી.તે ક્રોધી સ્વભાવવાળાઓ પાંડવો,દ્રૌપદીને પડેલાં દુઃખોને સહન કરી લેશે નહિ.વળી,યાદવો ને પાંચાલો પણ દ્રૌપદીના દુઃખોને સહન કરી લેશે નહિ.


વાસુદેવથી રક્ષિત થયેલા તે પૃથાનંદનો રણભૂમિમાં મારા પુત્રોને સેનાને બાળીને ખાખ કરી નાખશે.શ્રીકૃષ્ણે દોરેલા વૃષ્ણિઓના વેગને મારા પુત્રો જીરવી શકશે નહિ.ભીમ,પાતાળને પણ ફોડી નાખનાર ગદા સાથે વિચરશે,ને અર્જુન ગાંડીવનો ટંકાર કરશે ત્યારે તેમના વેગને રાજાઓ સહન કરવા સમર્થ થશે નહિ.તે જૂગટાના સમયે,દુર્યોધનના કહેવા પ્રમાણે ચાલીને,મેં મિત્રોનાં લક્ષમાં લેવા જેવા વચનો સ્વીકાર્યાં નહોતાં,તેનું મને સ્મરણ રહેશે (14)


સંજય બોલ્યો-હે રાજન,તમે સમર્થ હોવા છતાં, મોહને લીધે તમારા પુત્રને વાર્યો નહિ ને તેની ઉપેક્ષા કરી એ મોટી ભૂલ કરી છે.'પાંડવો જૂગટામાં હારી ગયા છે; એ વાત સાંભળતા જ શ્રીકૃષ્ણે કામ્યક વનમાં જઈને પૃથાનંદનોને દિલાસો આપ્યો હતો.વળી,ધૃષ્ટદ્યુમ્ન,વિરાટ,ધૃષ્ટકેતુ,અને મહારથી કૈકેયો પણ ત્યાં ગયા હતા.ને એમણે જે કહ્યું હતું તે સર્વ મને દૂતે કહ્યું હતું,ને મેં તમને પણ જણાવ્યું હતું.કામ્યક વનમાં પાંડવોએ મધુસુદનને યુદ્ધમાં અર્જુનનું સારથિપદ લેવા કહ્યું હતું અને શ્રીહરિએ તેમને 'તથાસ્તુઃ' કહ્યું હતું.


કાળિયાર ચામડાનું ઉત્તરીય ઓઢેલા ને એવી દશામાં આવેલા પૃથાનંદનોને જોઈને શ્રીકૃષ્ણને ક્રોધ ચડ્યો અને તેમણે યુધિષ્ઠિરને કહ્યું હતું કે-'ઇન્દ્રપ્રસ્થમાં તમારી જે સમૃદ્ધિ હતી તે મેં જોઈ હતી,કે જે બીજા રાજાઓને પ્રાપ્ત થવી અતિદુર્લભ છે.જે સર્વ દેશના રાજાઓને તે યજ્ઞમાં બોલાવેલા તેમને મેં પિરસણ કરતા જોયા છે,જેમણે તમારી એ લક્ષ્મીને હરી લીધી છે તેમના હું જીવ લઈશ અને તે લક્ષ્મીને પાછી લાવીશ,જેને પામીને તમે આ પૃથ્વીનું રાજ્ય કરજો' શ્રીકૃષ્ણના આ વચન સાંભળીને યુધિષ્ઠિરે કહ્યું હતું કે-


'હે જનાર્દન,હું તમારી આ સત્ય વાણીને સ્વીકારું છું,પણ તમે આ પ્રતિજ્ઞા તેરમા વર્ષ પછી સત્ય કરજો,કેમ કે મેં રાજાઓની વચ્ચે આ તેર વર્ષના વનવાસની પ્રતિજ્ઞા લીઘી છે' પછી,રોષયુક્ત થયેલા કેશવને,મધુર વચનોથી શાંત પાડીને,વાસુદેવના સાંભળતાં જ યુધિષ્ઠિરે દ્રૌપદીને કહ્યું કે-'હે દેવી,તમારા ક્રોધથી દુર્યોધન તેના પ્રાણ ખોશે જ.

અમે આ સત્ય પ્રતિજ્ઞા કરીએ છીએ,માટે તમે શોક કરશો નહિ.જેમણે તમારી હાંસી કરી હતી,તેમનાં માંસને વરુઓ ને પંખીઓ ખાતાં ખાતાં ખેંચશે.સભામાં જેમણે તમને ક્લેશ કરાવ્યો છે તેમના માથાં કપાઈ જશે અને ભૂમિ તેમના લોહીનું પાન કરશે.આ સર્વ મહારથીઓ વાસુદેવને મોખરે રાખીને તેર વર્ષ પછી મહાયુદ્ધ કરશે.


બલરામ,શ્રીકૃષ્ણ,ધનંજય,પ્રદ્યુમ્ન,સાંબ,યુયુધાન,ભીમ,માદ્રીપુત્રો,કૈકેયરાજના પુત્રો,પાંચાલપુત્રો અને મત્સ્યરાજ એ સર્વ ભેગા મળીને જયારે યુદ્ધ કરશે ત્યારે,અજેય,ને કેસરી સિંહ જેવા ક્રોધે ભરાયેલા આ સર્વ લોકવીરોની સામે,કયો મનુષ્ય જીવવાની આશા રાખીને રણમાં ઉભો રહી શકશે?(44)


ધૃતરાષ્ટ્ર બોલ્યો-જૂગટા વખતે વિદુરે મને કહ્યું હતું કે એ જૂગટું,ચોક્કસ કુરુઓનો મહાભયંકર અંતકાળ લાવશે.

મને લાગે છે કે વિદુરનાં વચન મુજબ જ થશે.ને તેર વર્ષ પછી માયાયુદ્ધ થશે જ (46)

અધ્યાય-૫૧-સમાપ્ત 

ઇંદ્રલોકાભિગમન પર્વ સમાપ્ત