Mar 23, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-464

 

આજગર પર્વ 

અધ્યાય-૧૭૬-પાંડવોનું ગંધમાદનથી પ્રયાણ 

II जनमेजय उवाच II 

तस्मिन् कृतास्त्रे रथिनां प्रवीरे प्रत्यागते भयनाद वृत्रहंतुः I अतः परं किमकुर्वन्त पार्थाः समेत्य शूरेण धनंजयेन II १ II

જન્મેજય બોલ્યા-અસ્ત્રવિદ્યામાં સિદ્ધ થયેલો,રથીઓમાં શ્રેષ્ઠ ધનંજય,વૃત્રાસુરને હણનારા ઇન્દ્રના 

ભવનમાંથી પાછો આવ્યો પછી પાંડવોએ તે શૂરવીર સાથે મળીને શું કર્યું ?

વૈશંપાયન બોલ્યા-તે પાંડવો,અર્જુનની સાથે તે જ વનમાંના કુબેરના ઉદ્યાનમાં રહ્યા હતા અને તે જ સુરમ્ય પર્વત પર વિહાર કરવા લાગ્યા હતા.અર્જુન પણ હાથમાં ધનુષ્ય ધારણ કરીને તે અજોડ મંદિરો ને ક્રીડાસ્થાનોને જોતો 

મોટે ભાગે ફર્યા જ કરતો હતો.પાંડવો ત્યાં ચાર વર્ષ રહ્યા,પણ તે સમય તેઓને એક રાત જેવો જ જણાયો.

આમ,પાંડવોના  વનવાસનાં દશ વર્ષ સુખેથી નીકળો ગયાં.પછી એક સમયે,

ભીમ,અર્જુન,નકુલ અને સહદેવ,યુધિષ્ઠિર પાસે એકાંતમાં જઈને બેઠા ને કહેવા લાગ્યા કે-

'અમે તમારી પ્રતિજ્ઞાને સત્ય કરવા ને તમારું પ્રિય કરવા જ ઇચ્છીએ છીએ અને તેથી જ અમે દુર્યોધનને મારવા જતા નથી.વનવાસ પૂરો કરીને ને એક વર્ષ ગુપ્તવાસ કરીને અમે દુર્યોધનના વેરનો બદલો લેશું.

શ્રીકૃષ્ણ ને સાત્યકિ પણ તમારા અર્થની સિદ્ધિ માટે તત્પર છે.તેઓ તો દેવો સાથે યુદ્ધમાં ઉતરતા પાછા પડે તેમ નથી.અમે ભાઈઓ પણ તમારા ઐશ્વર્યના ઉદયનો વિચાર કરીને શત્રુઓની સામે થઈને શાંતિ સ્થાપીશું.(17)


પછી,યુધિષ્ઠિરે કુબેરના સ્થાનની પ્રદિક્ષણા કરી,સર્વની વિદાય માગીને જે રસ્તેથી ત્યાં આવ્યા હતા તે રસ્તા તરફ જોઈ રહ્યા.ગિરિઓના શ્રેષ્ઠ પર્વતરાજ તરફ જોઈને તે પ્રાર્થના કરવા લાગ્યા કે-હે ગિરિરાજ,હું સ્નેહીઓની સાથે રહી શત્રુઓને જીતીશ,રાજ્ય મેળવીશ ને સર્વ કર્મો સમાપ્ત કરીને પછી અંતઃકરણને જીતીને હું તપ માટે તમારું ફરીથી દર્શન પામીશ' આમ કહીને ભાઈઓ ને બ્રાહ્મણોથી વીંટાઇને ત્યાંથી પ્રયાણ કર્યું.

ઘટોત્કચ ને તેના સેવકો સર્વને જરૂર પડ્યે ઊંચકીને ચાલતા હતા.પછી,લોમશ મુનિ,ઉપદેશ ને આશીર્વાદ આપી દેવોના પુણ્યધામે ગયા.ને પાંડવો વનો ને સરોવરો જોતા આગળ ચાલ્યા (23)

અધ્યાય-૧૭૬-સમાપ્ત