May 15, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-517

 

અધ્યાય-૨૪૭-દુર્યોધન અને કર્ણનો સંવાદ 


II जनमेजय उवाच II शत्रुभिर्जितवद्वस्य पन्द्वैश्च महात्मभिः I मोक्षितस्य युधा पश्चान्मानिन: सुदुरात्मनः II १ II

જન્મેજય બોલ્યા-તે દુરાત્મા દુર્યોધન,નિત્ય અભિમાની,બડાઈખોર,ઘમંડી અને ગર્વિષ્ટ હતો,ને પાંડવોને હંમેશાં

તુચ્છ ગણતો હતો,શત્રુઓએ તેને હરાવીને બાંધી દીધો હતો ને પાંડવોએ તેને છોડાવ્યો હતો,તો લજ્જાથી ઘેરાયેલા

ને શોકથી વ્યાકુળ થયેલા તેણે હસ્તિનાપુરમાં કેવી રીતે પ્રવેશ કર્યો? તે વિસ્તારથી તમે મને કહો 

વૈશંપાયન બોલ્યા-ધર્મરાજથી વિદાય લઈને દુર્યોધન,લજ્જાથી મોં નીચું રાખીને અત્યંત દુઃખી થઈને ચાલ્યો.

ને પોતાની સ્ત્રીઓ ને ભાઈઓ ને સેના સાથે તે પોતાના નગર તરફ જવા લાગ્યો.રસ્તામાં તેણે પડાવ નાખ્યો ત્યારે કર્ણ તેને આવીને મળ્યો ને કહેવા લાગ્યો કે-'હે કુરુનંદન,તમે ગંધર્વોને હરાવ્યા છે,મારુ સદ્ભાગ્ય છે હું તમને ને તમારા મહારથી ભાઈઓને શત્રુઓને પરાજય આપીને પાછા આવેલા જોઉં છું.ગંધર્વોએ મારો પીછો પકડ્યો હતો,

મને શરીરે ભારે ઘા થયા હતા ને અત્યંત પીડા થઇ રહી હતી તેથી હું ત્યાંથી નાસી છૂટ્યો હતો,પણ,આજે મને આનંદ છે કે તમે ભાઈઓ સાથે રહીને રણભૂમિમાં એવું કાર્ય કરું બતાવ્યું કે જેવું કાર્ય કરનાર આ લોકમાં કોઈ નથી' ત્યારે દુર્યોધને આંસુથી ગળગળતી વાણીમાં કર્ણને ઉત્તર આપ્યો કે-

અધ્યાય-૨૪૭-સમાપ્ત 


અધ્યાય-૨૪૮-દુર્યોધને યુદ્ધવૃતાંત કહ્યો 


II दुर्योधन उवाच II अजानतस्ते राधेय नाभ्यसुयाम्यहं वचः I जानासि त्वं जितान शत्रून गन्धर्वास्तेजसामया  II १ II

દુર્યોધન બોલ્યો-હે રાધેય,તને સાચી વાતની જાણ નથી એટલે તું આમ કહે છે તેથી હું તારી વાતનો અનાદર કરતો નથી.હકીકતમાં તો અમે ગંધર્વો સાથે ઘણા સમય સુધી યુદ્ધ કર્યું,પણ તે માયાવી ગાંધર્વોએ આકાશમાં જઈને યુદ્ધ કરવા માંડ્યું ને આમ અમારું યુદ્ધ સમાન રહ્યું નહિ ને રણમાં અમે પરાજય પામ્યાં ને હું પત્નીઓ,સેનાઓ,

અમાત્યો સાથે કેદ થયો.તે ગંધર્વો અમને આકાશમાર્ગે હરી જવા લાગ્યા,ત્યારે કેટલાક સૈનિકી પાંડવો પાસે ગયા.

અને તેમને સર્વ વાત કરી.ત્યારે યુધિષ્ઠિરે,પાંડવોને અમને છોડાવવાની આજ્ઞા કરી એટલે તેઓ ગંધર્વો પાસે આવીને સર્વ પ્રથમ શાંતિથી અમને છોડવાની માગણી કરી,પણ ગંધર્વો માન્યા નહિ એટલે તેમની સાથે યુદ્ધ થયું.


ત્યારે અર્જુને દિવ્ય અસ્ત્રોથી દિશાઓને ઢાંકી દીધી,એ જોઈને અર્જુનનો મિત્ર ચિત્રસેન મૂળ સ્વરૂપે પ્રગટ થયો.

તે બંને મિત્રો ભેટ્યા ને એકબીજાના કુશળ પૂછ્યા,ને બખ્તરો ઉતારીને એકબીજાનું સન્માન કરવા લાગ્યા (16)

અધ્યાય-૨૪૮-સમાપ્ત