Nov 12, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-673

 

જે ઘર છોડીને નકામો પ્રવાસ કરતો નથી,પાપીઓ સાથે મિત્રતા કરતો નથી,પરસ્ત્રીનું સેવન કરતો નથી અને દંભ,ચોરી,ચાડિયાપણું તથા મદ્યપાન કરતો નથી,તે સદા સુખી રહે છે.જે મનુષ્ય આવેશને લીધે ધર્મ,અર્થ તથા કામનો આરંભ કરતો નથી,બોલાવીને પૂછવાથી ખરું જ કહે છે,મિત્ર સાથે વિવાદ કરતો નથી ને પોતાનો સત્કાર ન થાય તો કોપતો નથી,તે જ વિદ્વાન છે.જે ઈર્ષા કરતો નથી,દયા રાખે છે,દુર્બળ હોવાથી બીજાની સાથે વિરોધ કરતો નથી,મર્યાદા છોડીને કદી બોલતો નથી અને કોઈ ઉલટું બોલે તો તેને ક્ષમા કરે છે તેવો પુરુષ પ્રસંશા પામે છે.

જે કદી,ઉદ્ધત વેષ ધારણ કરતો નથી,પોતાના પરાક્રમ કરીને બીજાની નિંદા કરતો નથી અને પોતે ખિજાયો હોય છતાં બીજાને કડવાં વચન કહેતો નથી તે પુરુષને લોકો સદા પ્રિય ગણે છે.જે મનુષ્ય,શાંત થયેલા વેરને ફરી જગાડતો નથી,ચઢતી થતાં ગર્વ કરતો નથી,પડતી થતાં નિરાશ થતો નથી ને 'હું દુર્બળ સ્થિતિમાં છું'એમ માનીને અયોગ્ય કામ કરતો નથી તેને લોકો ઉત્તમ શીલવાળો કહે છે.જે પોતાને સુખ મળતાં હર્ષઘેલો થતો નથી,બીજાને દુઃખ પડતાં રાજી થતો નથી ને કોઈ પણ વસ્તુ આપ્યા પછી પશ્ચાતાપ કરતો નથી તેને સત્પુરુષ જાણવો.(113)


જે પુરુષ જુદાજુદા દેશના આચાર,જુદીજુદી ભાષાના ભેદ,જાતિના ધર્મો અને ઉત્તમ-અધમના વિવેકને જાણે છે,તે ઐશ્વર્ય મેળવવાની ઈચ્છાથી જ્યાં જાય ત્યાં પોતાનું અધિપતિપણું કરે છે.દંભ,મોહ,મત્સર,પાપકૃત્ય,રાજાનું અપ્રિય હોય તે,ચાડી,સમુદાય સાથે વેર,મત્ત,ઉન્મત્ત તથા દુર્જન સાથે વાદનો ત્યાગ કરે છે તે બુદ્ધિમાન અને શ્રેષ્ઠ છે.

દાન,હોમ,દેવકૃત્ય,મંગલ કર્મો,પ્રાયશ્ચિતો,અને વિવિધ લૌકિક ભાષણો નિત્ય કરે છે તેનો દેવતાઓ અભ્યુદય કરે છે.

જે મનુષ્ય,વિવાહ,મિત્રતા,વ્યવહાર,અને વાતચીત,પોતાના સમાનની સાથે કરે છે,અને પોતાના કરતાં અધિક ગુણવાળાનો સત્કાર કરે છે તે વિદ્વાનની નીતિ ઉત્તમ પ્રકારે સિદ્ધિ પામે છે.(117)


જે મનુષ્ય,આશ્રિતોને વહેંચી આપ્યા પછી પોતે માપસર ભોજન કરે છે,ઘણું કામ કરીને થોડી ઊંઘ લે છે અને શત્રુઓ યાચના કરે તો તેઓને પણ આપે છે તે વશ ચિત્તવાળાને અનર્થો ત્યજી જાય છે.જે સર્વ પ્રાણીઓને શાંતિ મળે એ હેતુથી યત્ન કરે છે,સાચો છે,કોમળ છે,માન આપનારો છે અને શુદ્ધ ભાવવાળો છે તે પોતાની જ્ઞાતિમાં અત્યંત પ્રસિદ્ધ થાય છે.જે પોતાનું દુષ્કર્મ,બીજાએ જાણ્યું ન હોય છતાં પોતે પોતાની મેળે જ અત્યંત લજવાય છે તે નિર્મલ મનવાળો ચાલાક પુરુષ સર્વ લોકનો ગુરુ થાય છે અને પોતાના તેજ વડે પ્રકાશે છે (121)


હે રાજન,અત્યંત દુઃખ પામેલા પાંડુના પાંચ પુત્રો,જેઓ પાંચ ઇન્દ્રના જેવા છે,વનમાં ઉત્પન્ન થયા છે અને તમારાથી જ ઉછરીને મોટા થયા ને કેળવાયા છે-તેઓ તમારી આજ્ઞાનું પાલન કરે છે.હે તાત,તમે એમને યોગ્ય રાજ્યભાગ આપીને આનંદથી પુત્રોની સાથે સુખી થાઓ,પછી દેવો કે મનુષ્યોમાંથી કોઈ તમારા પર શંકા લાવશે નહિ (123)

અધ્યાય-33-સમાપ્ત