અધ્યાય-૧૪૩-કર્ણે કહેલાં અપશુકનો
II संजय उवाच II केशवस्य तु तद्वाक्यं कर्णः श्रुत्वाहित शुभं I अब्रवीदभिसंपूज्य कृष्णं तं मधुसूदन II १ II
સંજયે કહ્યું-શ્રીકૃષ્ણનાં તે વચન સાંભળી,એકાગ્ર થયેલો તે કર્ણ,મધુસુદનનું સન્માન કરીને બોલ્યો-હે મહાબાહુ,તમે જાણો છો છતાં શા માટે મને મોહિત કરવાની ઈચ્છા કરો છો?આ પૃથ્વીનો સંપૂર્ણતાથી જે વિનાશકાળ પ્રાપ્ત થયો છે,તેમાં શકુનિ,હું દુઃશાસન ને દુર્યોધન નિમિત્તરૂપ છીએ.આ યુદ્ધ અવશ્ય થવાનું જ છે અને સર્વ રાજાઓ યમલોકમાં પહોંચશે.
હે મધુસુદન,પુષ્કળ ભયંકર સ્વપ્નો,ઘોર નિમિત્તો અને અતિદારુણ ઉત્પાતો જોવામાં આવે છે,કે જે દુર્યોધનનો પરાજય જ સૂચવતા લાગે છે.મહાતેજસ્વી ઉગ્ર ગ્રહ શનિ,પ્રાણીઓને અધિક પીડા સૂચવતો રોહિણી નક્ષત્રને પીડે છે.
જ્યેષ્ઠ નક્ષત્રમાં રહેલો મંગલ વક્ર થઈને (જ્યેષ્ઠ રાજાના મિત્ર સમૂહનો નાશ કરતો હોય તેમ) મિત્રદેવના અનુરાધા નક્ષત્રના સંગમની ઈચ્છા કરે છે.હે કૃષ્ણ,કૌરવોને મોટો ભય આવી પડ્યો છે કારણકે મહાપાત નામનો ગ્રહ ચિત્ર નક્ષત્રને ખાસ પીડે છે.ચંદ્ર પરનું ચિહન બદલાઈ ગયું છે,રાહુ સૂર્યની પાસે જાય છે,આકાશમાંથી ગર્જના કરતા અને કંપતા ઉંબાડિયાંઓ પડે છે.હાથીઓ મોટા શબ્દો કરે છે,ઘોડાઓ આંસુ પડે છે.આવાં નિમિત્તો પ્રગટ થાય ત્યારે પ્રાણીઓનો નાશ કરે તેવો દારુણ સમય આવી પહોંચ્યો છે એમ નિમિત્તવેત્તાઓ કહે છે.
હે કેશવ,સર્વ પશુઓ દુર્યોધનની ડાબી બાજુએ જાય છે અને વારંવાર આકાશવાણી સંભળાય છે તે પરાજયનું લક્ષણ છે.
ગીધો,કંક પક્ષીઓ,બગલાઓ,શકરાઓ,દીપડાઓ ને માખીનાં ટોળાંઓ કૌરવોની પાછળ દોડે છે.દુર્યોધનની સેનાના પડાવમાં કુવાઓમાંથી આખલાઓની ગર્જના જેવા શબ્દો થાય છે તે પરાજયનું લક્ષણ છે.નિત્ય સૂર્યોદય ને સૂર્યાસ્તનું સ્વરૂપ મહાભય સૂચવે છે અને શિયાળવીઓ ભયંકર શબ્દ કરતી રડે છે તે પરાજયનું લક્ષણ છે.દુર્યોધન,બ્રાહ્મણોનો,ગુરુજનોનો,ને સેવકોનો દ્વેષ કરે છે તે પરાજયનું લક્ષણ છે.
હે અચ્યુત,મેં નિંદ્રાના અંતમાં યુધિષ્ઠિરને ભાઈઓની સાથે મહેલમાં ચડતા જોયા છે.તે તમારી આપેલી આ પૃથ્વીનો અવશ્ય ઉપભોગ કરશે.હું જાણું છું કે જ્યાં ધર્મ છે ત્યાં જય છે.તમે સંગ્રામમાં સર્વ રાજાઓનો વધ કરશો એમાં મને સંદેહ નથી.
હે મહાબાહુ,ભીષ્મ તથા દ્રોણ,દુર્યોધનની સાથે ઊંટ જોડેલા રથમાં બેસીને દક્ષિણ દિશામાં જતા જણાતા હતા,એ પરથી એમ લાગે છે કે અમે થોડા સમયમાં જ યમલોકમાં પહોંચી જઈશું.
શ્રીકૃષ્ણે કહ્યું-હે કર્ણ,હમણાં આ પૃથ્વીનો વિનાશ નજીક છે જેથી તારું હૃદય મારા વચનને સ્વીકારતું નથી.
કર્ણે કહ્યું-'હે કૃષ્ણ,આ મહાસંગ્રામમાંથી પાર પડી અમે જીવતા રહી શું આપને જોઈશું કે?
કે સ્વર્ગમાં જ આપનો સમાગમ થશે?લાગે છે કે હવે ત્યાં સ્વર્ગમાં જ અમે તમારી સાથે ભેગા મળીશું'
આમ કહીને કર્ણે શ્રીકૃષ્ણને ગાઢ આલિંગન કર્યું ને શ્રીકૃષ્ણે રાજા આપી એટલે તે રથમાંથી નીચે ઉતરીને પોતાના રથમાં બેસીને મનમાં ખિન્ન થતો તે પાછો ફર્યો.અને શ્રીકૃષ્ણ,સાત્યકીની સાથે વિરાટનગર તરફ પ્રયાણ કરી ગયા (52)
અધ્યાય-143-સમાપ્ત