Apr 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-800

 

અધ્યાય-૧૪૫-કુંતીનું ભાષણ 


II संजय उवाच II राधेयोहमाधिरथिः कर्णस्तवामभिवादये I प्राप्ता किमर्थ भवति ब्रुहि किं करवाणि ते II १ II

કર્ણ બોલ્યો-'હું અધિરથ સૂતનો તથા રાધાનો પુત્ર કર્ણ તમને વંદન કરું છું.

તમે અહીં શા માટે આવ્યાં છો?હું તમારું શું કાર્ય કરું? તે મને કહો'

કુંતીએ કહ્યું-'તું કુંતીનો પુત્ર કછે,રાધાનો પુત્ર નથી.તારા પિતા અધિરથ નથી ને તું સૂતકુળમાં જન્મ્યો નથી.તારા જન્મ વિષે જે હું કહું છું તે તું સાંભળ.કુંતીભોજ રાજાને ત્યાં કન્યાવસ્થામાં મેં સૂર્યદેવથી તને ગર્ભમાં ધારણ કર્યો હતો,તું મારાથી ઉત્પન્ન થયો છે,તેથી તું કુંતીપુત્ર છે.તું જન્મ્યો ત્યારે જ કવચ-કુંડળથી યુક્ત અને દેવકુમાર જેવા ઐશ્વર્યથી સંપન્ન હતો.તે તું તારા પોતાના ખરા ભાઈઓને ઓળખ્યા વિના અજ્ઞાનતાથી ધૃતરાષ્ટ્રના પુત્રોની જે સેવા કરે છે તે તને યોગ્ય નથી.(6)


પુરુષોના ધર્મનિશ્ચયમાં એ નિર્ણય થયેલો છે કે-પુત્રે,પિતૃઓ અને અનન્ય દ્રષ્ટિવાળી માતાને સંતોષવી એ જ એનો પરમધર્મ છે.

પૂર્વે,અર્જુને સંપાદન કરેલી પણ પછી,દુષ્ટ કૌરવોએ લોભથી હરી લીધેલી,યુધિષ્ઠિરની રાજ્યલક્ષ્મીને તું,કૌરવો પાસેથી પાછી લઈને તેનો ઉપભોગ કર.કર્ણ અને અર્જુનના સમાગમને જોઈને તે દુષ્ટ કૌરવો નમ્ર થાઓ.જેમ,કૃષ્ણ-બલરામની જોડી છે તેમ કર્ણ અને અજુનની જોડી થાઓ.તમારાં બંનેના ચિત્ત જો એક થયાં,તો આ જગતમાં અસાધ્ય જેવું શું છે?

હે કર્ણ,જેમ,મહાયજ્ઞની વેદીમાં દેવોથી વીંટાયેલા બ્રહ્મા શોભે,તેમ,તું પણ પાંચ ભાઈઓથી વીંટાઇને અવશ્ય શોભીશ.

તું સર્વ ગુણોથી સંપન્ન છે,બંધુઓમાં વડીલ છે,કુંતીનો પુત્ર છે ને વીર્યવાન છે,માટે હવે તારે 'સૂતપુત્ર' એવા નામથી ઓળખવું યોગ્ય નથી.(12)

અધ્યાય-145-સમાપ્ત