અધ્યાય-૧૪૪-કર્ણની પાસે કુંતી
II वैशंपायन उवाच II असिद्वानुनये कृष्णे कुरुभ्यः पांडवान गते I अभिगम्य पृथां क्षत्ता शनैः शोचन्निवा ब्रवीत II १ II
વૈશંપાયને કહ્યું-જેમની સમજાવટ સિદ્ધ થઇ ન હતી,તે શ્રીકૃષ્ણ કૌરવોની પાસેથી પાંડવો પાસે ગયા,તે પછી વિદુર કુંતીની પાસે જઈને શોક કરતા હોય તેમ કહેવા લાગ્યા કે-'મારો અભિપ્રાય તો યુદ્ધ ન કરવા તરફ છે,એ તમે જાણો છો.હું ઘણી બૂમો પાડું છું પણ દુર્યોધન મારુ કહેવું સ્વીકારતો નથી.પાંડવોએ રાજાઓની સાથે ઉપલવ્યમાં આવીને પડાવ નાખ્યો છે.યુધિષ્ઠિર બળવાન છે તો પણ સ્વજ્ઞાતિ પર સ્નેહ હોવાને લીધે દુર્બલની જેમ ધર્મની જ આકાંક્ષા રાખ્યા કરે છે.એટલે તેમને કંઈ કહેવાનું નથી પરંતુ આ ધૃતરાષ્ટ્ર શાંત પડતા નથી અને એ પુત્રના પ્રેમમાં અધર્મના માર્ગને વર્તે છે.દુર્યોધન ને તેના મંત્રીઓને લીધે પરસ્પર ભેદ પડશે ને તેઓના અધર્મનું ફળ,તેમના વિનાશરૂપ જ થશે.કૌરવો શાસ્ત્રથી વિરુદ્ધ વાતને બલાત્કારે ધર્મનું સ્વરૂપ આપે છે તેનાથી સંતાપ થાય છે.કેશવ,સલાહ કર્યા વિના ગયા એટલે પાંડવો આ મહાયુદ્ધના માટે ઉદ્યોગ કરશે.યુદ્ધમાં થનારા મહાવિનાશનો વિચાર કરતા મને રાત્રે નિંદ્રા પણ આવતી નથી (9)
હિતની કામનાવાળા વિદુરના તે વચનથી કુંતી દુઃખતુર થઈને નિશ્વાસ નાખતાં મનથી વિચાર કરવા લાગ્યા કે-
'ધિક્કાર હો ધનને,કે જેના લીધે આ મહાન કુળનો ક્ષય થશે.હું ખરેખર આ યુદ્ધમાં દોષ જોઉં છું,તેમ યુદ્ધ ન કરવામાં પ્રભાવ પણ જોઉં છું.નિર્ધનનું મરણ સારું છે પણ જ્ઞાતિનો ક્ષય કરીને વિજય મેળવવો સારો નથી.આવો વિચાર કરવાથી મારા હૃદયમાં દુઃખ થાય છે.વળી,ભીષ્મ,દ્રોણ,કર્ણ વગેરે દુર્યોધનનો પક્ષ લઈને મારા ભયની વૃદ્ધિ કરે છે.પણ,દ્રોણ,પોતાના શિષ્યો સામે કદી યચેચ્છ યુદ્ધ કરશે નહિ અને ભીષ્મ તો પાંડવો પર સ્નેહ કરશે જ.બાકી રહ્યો તે કર્ણ તે પાપી દુર્યોધનને અનુસરી,પાંડવોનો દ્વેષ કર્યા કરે છે તે મારા મનમાં દાહ ઉત્પન્ન કરે છે.જો,આજે હું કર્ણની પાસે જઈને તેની ઉત્પત્તિનો ખરો વૃતાંત કહું,તો તેનું મન કદાચ પાંડવોના પર પ્રસન્ન થાય.મેં કૂતુહલથી ને મૂર્ખાઈથી કન્યાભાવમાં સૂર્યદેવના આવાહનથી ગર્ભ પ્રાપ્ત કર્યો,પણ,તે કન્યાવસ્થામાં પણ મેં તે ગર્ભનું (કર્ણનું)પુત્રની જેમ રક્ષણ કર્યું હતું,તો તે કર્ણ મારા હિતવચનનો સ્વીકાર કેમ નહિ કરે?અને પોતાના ભાઈઓના હિતનો પણ વિચાર કેમ નહિ કરે?'
આ પ્રમાણે વિચાર કરીને,કુંતી પોતાનું કાર્ય પાર ઉતારવા ગંગાના તીર પર ગયા.ત્યાં તેમણે કર્ણનો વેદાધ્યયનનો શબ્દ સાંભળ્યો.ઊંચા હાથ કરીને પૂર્વ તરફ મુખ રાખીને ઉભા રહેલા કર્ણના જપની સમાપ્તિની વાટ જોતાં તે તેની પાછળ જઈને ઊભાં રહ્યાં.કર્ણ જયારે જપ કર્યા પછી પાછો ફર્યો ત્યારે તેણે કુંતીને જોઈ,એટલે તેણે બે હાથ જોડીને પ્રણામ કરી,
વિસ્મયરહિત થઈને,કુંતીને કહેવા લાગ્યો કે-(31)
અધ્યાય-144-સમાપ્ત