Jul 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-879

 

तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः । वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥६१॥

ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते । सङ्गात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ॥६२॥

क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशाद्बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥६३॥

હે અર્જુન,એથી સાધકે પોતાની ઈન્દ્રિયોનો સંયમ કરી મારું (પરમાત્માનું) ધ્યાન કરવું જોઈએ.એમ કરવાથી 

ઈન્દ્રિયો વશમાં રહેશે અને મારામાં (પ્રભુમાં) મન-બુદ્ધિને સ્થિર કરી શકશે.(૬૧)

વિષયોનું ચિંતન કરવાવાળા મનુષ્યનું મન એ પદાર્થોમાં આસક્ત થઈ જાય છે અને એની જ કામના કર્યા કરે છે.

(ભોગ-પદાર્થોની ઈચ્છા-કામના થઇ ને કામનો જન્મ થાય છે) જ્યારે તે પદાર્થો નથી મળતા ત્યારે તે 

(મનુષ્યનું મન) ક્રોધિત થઈ જાય છે. (એટલેકે-આસક્તિથી કામના-ને કામમાંથી ક્રોધનો જન્મ) (૬૨)


ક્રોધ થવાથી એનું વિવેકભાન જતું રહે છે (ક્રોધથી મૂર્ખતાનો જન્મ),એને સારા-નરસાનું ભાન રહેતું નથી અને 

એને સ્મૃતિભ્રમ થાય છે.(મૂર્ખતાથી સ્મૃતિનાશ થાય છે અને સ્મૃતિનાશથી બુદ્ધિ-નાશ થાય છે) 

એવો ભ્રમિત ચિત્તવાળો (મન-બુદ્ધિ વાળો) મનુષ્ય પોતાનો સર્વનાશ નોંતરે છે. (૬૩)


रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् ।आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति ॥६४॥

प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते । प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते ॥६५॥

नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना । न चाभावयतः शान्तिरशान्तस्य कुतः सुखम् ॥६६॥

જ્યારે એથી ઉલટું,ઈન્દ્રિયોને રાગ અને દ્વેષથી મુક્ત કરી પોતાના વશમાં કરનાર મનુષ્યને અંતઃકરણની 

પ્રસન્નતા અને શાંતિની પ્રાપ્તિ થાય છે.એથી ન કેવળ એના બધા દુઃખોનો અંત આવે છે.


પ્રસન્નચિત થયેલા એવા પુરુષની બુદ્ધિ,પરમાત્મામાં હંમેશ માટે સ્થિર બને છે.જેની ઈન્દ્રિયો સંયમિત નથી 

એની બુદ્ધિ સ્થિર રહી શકતી નથી અને એમ થવાથી એનામાં શાંતિ પેદા થતી નથી.એવો વ્યક્તિ 

શાંત કેવી રીતે બની શકે ? અને જે શાંત ન બને તેને વળી સુખ કેવી રીતે મળે ? (૬૬)


इन्द्रियाणां हि चरतां यन्मनोऽनु विधीयते । तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि ॥६७॥

तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः । इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥६८॥

જેવી રીતે નૌકાને હવા ખેંચી જાય છે એવી રીતે ભટકતી ઈન્દ્રિયો તેના મનને ખેંચી જાય છે.એની બુદ્ધિનું હરણ 

કરી લે છે.એથી હે મહાબાહો,જેની ઈન્દ્રિયો વિષયોમાંથી નિગ્રહ પામી છે,એમની જ બુદ્ધિ સ્થિર રહે છે.(૬૮)


या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी । यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥६९॥

સંસારના ભોગોપભોગો માટે સામાન્ય મનુષ્યો પ્રવૃત્તિ કરતા દેખાય છે ત્યારે મુનિ એ માટે તદ્દન નિષ્ક્રિય રહે છે.

(અર્થાત્ જે લોકો માટે દિવસ છે તે એને માટે રાત્રિ-નિષ્ક્રિય રહેવાનો સમય છે). 

એવી જ રીતે જે લોકો માટે રાત્રિ છે તે મુનિ માટે દિવસ છે.(અર્થાત્ જેને માટે સામાન્ય મનુષ્યો પ્રયત્ન 

નથી કરતા તે પરમાત્માની પ્રાપ્તિ માટે મુનિ પ્રયત્ન કરે છે).(૬૯) 


आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् । तद्वत्कामा यं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी ॥७०॥

જેવી રીતે સરિતાનું જળ સમુદ્રને અશાંત કર્યા સિવાય સમાઈ જાય છે,તેવી જ રીતે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં ઉત્પન્ન 

થતી વૃત્તિઓ કોઈ વિકાર પેદા કર્યા વિના શાંત થઈ જાય છે.(એને વૃત્તિઓ ચલિત નથી કરતી). 

એવો પુરુષ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે.નહીં કે સામાન્ય મનુષ્ય કે જે વૃતિઓ પાછળ ભાગતો ફરે છે.(૭૦)


विहाय कामान्यः सर्वान् पुमांश्चरति निःस्पृहः । निर्ममो निरहंकारः स शान्तिमधिगच्छति ॥७१॥

એથી હે અર્જુન,બધી જ કામનાઓનો ત્યાગ કર.જે મનુષ્ય મમતા,અહંકાર અને બધી જ 

ઈચ્છાઓથી મુક્ત થઈ જાય છે તે પરમ શાંતિને પામી લે છે.હે અર્જુન,એવો મનુષ્ય બ્રહ્મમાં સ્થિતિ કરે છે.(૭૧)


एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति । स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति ॥७२॥

એવી બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કર્યા પછી એ સંસારના ભોગપદાર્થોથી કદી મોહિત નથી થતો 

અને અંત સમયે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરીને મુક્તિને પામે છે.(૭૨)

અધ્યાય-26-સમાપ્ત (ગીતા-અધ્યાય-2-સમાપ્ત)