Jul 26, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-878

 

स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि । धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते ॥३१॥

यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम् । सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् ॥३२॥

अथ चेत्त्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि । ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि ॥३३॥

अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति तेऽव्ययाम् । सम्भावितस्य चाकीर्तिर्मरणादतिरिच्यते ॥३४॥

હે પાર્થ,તું તારા સ્વ-ધર્મ વિશે વિચાર.તું ક્ષત્રિય છે અને ન્યાય માટે લડાનાર આ યુદ્ધમાં ભાગ લેવાથી મોટું તારે 

માટે કોઈ કર્તવ્ય નથી.સ્વર્ગના દ્વાર સમું આવું યુદ્ધ લડવાનું સૌભાગ્ય કોઈ ભાગ્યવાન ક્ષત્રિયને જ મળે છે. (૩૨)

જો તું યુદ્ધ નહીં કરે તો તારા સ્વધર્મનું પાલન ન કરવાથી અપકીર્તિ અને પાપનો ભાગીદાર થશે. (૩૩)

લોકો તારી બદનામી કરશે,તારી (અકીર્તિની) વાતો કરતા થાકશે નહીં.

તારા જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ માટે અપયશ,મૃત્યુ કરતાં પણ બદતર સાબિત થશે.(૩૪)

भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः । येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् ॥३५॥

अवाच्यवादांश्च बहून्वदिष्यन्ति तवाहिताः । निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम् ॥३६॥

हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् । तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः ॥३७॥

આજે તારા સામર્થ્યની પ્રસંશા કરવાવાળા મહારથી યોદ્ધાઓ તને યુદ્ધમાંથી ભાગી ગયેલો ગણશે અને એમની 

નજરમાંથી તું કાયમ માટે ઉતરી જઈશ.તારા પ્રતિસ્પર્ધીઓ તારી નિંદા કરશે અને તને ન કહેવાના કટુ વચનો કહેશે. 

એથી અધિક દુઃખદાયી બીજું શું હોઈ શકે ? હવે જરા વિચાર કર કે જો તું યુદ્ધ કરશે તો તારું શું જવાનું છે ? 

જો તું યુદ્ધ કરતાં મૃત્યુ પામીશ તો તને સ્વર્ગ મળશે અને જો જીવતો રહીશ (અને વિજય પ્રાપ્ત કરીશ) 

તો વિશાળ સામ્રાજ્યનો અધિકારી બનીશ.એથી હે કૌન્તેય,યુદ્ધનો નિશ્ચય કરી,ઉઠ તૈયાર થા. (૩૭)


सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ । ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि ॥३८॥

एषा तेऽभिहिता सांख्ये बुद्धिर्योगे त्विमां शृणु । बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि ॥३९॥

સુખ-દુઃખ,લાભ-હાનિ,જય-પરાજય બધાને સમાન ગણી યુદ્ધ માટે તત્પર બન.એમ કરવાથી તું પાપનો ભાગી 

નહીં થાય.મેં અત્યાર સુધી જે વાત કરી તે જ્ઞાનની દૃષ્ટિએ કરી.હવે કર્મની દૃષ્ટિએ પણ તને સમજાવું 

જેથી તારા કર્મોના ફળને લઈને તને જો કોઈ ભય હોય તો તેનાથી તું મુક્ત થઈ જાય. (૩૯)


नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते । स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ॥४०॥

व्यवसायात्मिका बुद्धिरेकेह कुरुनन्दन । बहुशाखा ह्यनन्ताश्च बुद्धयोऽव्यवसायिनाम् ॥४१॥

કર્મયોગના હિસાબે કરેલું કોઈ પણ કર્મ વ્યર્થ નથી જતું.આ ધર્મનું થોડું પણ આચરણ મોટા ભયથી 

મનુષ્યને બચાવે છે.જે કર્મયોગને અનુસરે છે એની બુદ્ધિ એક લક્ષ્ય પર સ્થિર રહે છે. 

જ્યારે યોગથી વિહીન વ્યક્તિની બુદ્ધિ અનેક લક્ષ્યવાળી હોય છે (અર્થાત્ વિભાજીત હોય છે).(૪૧)


यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः । वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः ॥४२॥

कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदाम् । क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति ॥४३॥

भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसाम् । व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते ॥४४॥

હે પાર્થ, એવા યોગહીન લોકો કેવળ વેદોના સંભાષણને (કર્મ-કાંડને) જ સર્વ કાંઈ માને છે, 

(સ્વર્ગ અને સ્વર્ગ નાં સુખો ને જ પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ માને છે અને બીજું કાંઇ ઉત્તમ નથી તેમ બોલે છે)

તેઓ દુન્યવી ઈચ્છાઓમાં (વાસનાઓમાં) ફસાયેલ હોય છે.એવા લોકો જન્મ-મરણના ચક્રમાં ફર્યા કરે છે. 

ભોગ ઐશ્વર્યની ઈચ્છાથી જુદી જુદી જાતના કર્મોમાં પ્રવૃત્ત થયેલ એવા લોકોની બુદ્ધિનું હરણ થયેલું હોય છે.

એથી તેઓ કર્મયોગમાં કુશળતા પામીને પ્રભુની (સમાધિદશાની) પ્રાપ્તિ કરી શકતા નથી. (૪૪)


त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन । निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् ॥४५॥

यावानर्थ उदपाने सर्वतः संप्लुतोदके । तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः ॥४६॥

વેદમાં ત્રણ ગુણોનું વર્ણન કરેલું છે.હે અર્જુન,તારે એ ત્રણે ગુણોથી પર-ગુણાતીત થઈ બધા જ દ્વંદ્વોથી 

મુક્તિ મેળવવાની છે. એથી તું (લડવાથી થતી) લાભ-હાનિની ચિંતા છોડ અને આત્મસ્થિત થા.(૪૫)

જેવી રીતે સરોવરનું પાણી મળી જાય તેને કુવાના પાણીની જરૂરિયાત રહેતી નથી તેવી જ રીતે 

જેણે બ્રહ્મનું જ્ઞાન મેળવી લીધું હોય તેને પછી વેદનું અધ્યયન કરવાની જરૂરત રહેતી નથી. (૪૬)


कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥४७॥

તારો “અધિકાર” માત્ર કર્મ કરવાનો છે, એના ફળ પર તારો અધિકાર નથી.એથી ફળ મેળવવાની આશાથી કોઈ કર્મ 

ન કર(ફળ પર માત્ર પ્રભુનો અધિકાર છે)જો તું ફળ મેળવવા માટે કર્મ કરીશ તો તને કર્મમાં આસક્તિ થશે (૪૭)


योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनंजय । सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते ॥४८॥

दूरेण ह्यवरं कर्म बुद्धियोगाद्धनंजय । बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः ॥४९॥

बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते । तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् ॥५०॥

એથી હે ધનંજય,કર્મની સફળતા કે નિષ્ફળતા-બંનેમાં સમાન ચિત્ત રહીને તથા કર્મના ફળની આશાથી રહિત 

થઈને કર્મ કર.આ રીતે કર્મ કરવાને (સમતાને) જ યોગ કહેવામાં આવે છે.આ રીતે ફલેચ્છાથી રહિત અને સમત્વ 

બુદ્ધિથી કરાયેલ કર્મો,ફલાશાથી કરાયેલ કર્મો કરતાં અતિ ઉત્તમ છે.સમબુદ્ધિથી કર્મ કરવાવાળો વ્યક્તિ કર્મથી 

લેપાતો નથી.અને તે પાપ તથા પુણ્યથી પર થઈ જાય છે. એથી તું સમત્વના આ યોગમાં કુશળતા મેળવ. 

કર્મમાં કુશળતા એ જ યોગ છે.કર્મબંધનથી છૂટવાનો એ જ ઉપાય છે.(૫૦)


कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः । जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् ॥५१॥

यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति । तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च ॥५२॥

श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला । समाधावचला बुद्धिस्तदा योगमवाप्स्यसि ॥५३॥

જે વ્યક્તિ સમબુદ્ધિથી સંપન્ન થઈને કર્મફળનો ત્યાગ કરે છે તે જન્મ-મરણના ચક્રથી છૂટી જઈને પરમપદની 

પ્રાપ્તિ કરે છે.જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી અંધકારથી ઉપર ઉઠશે ત્યારે આ લોક અને પરલોકના બધા 

ભોગપદાર્થોથી તને વૈરાગ્ય પેદા થશે.અત્યારે વિવિધ ઉપદેશ સુણવાથી તારી મતિ (બુદ્ધિ)ભ્રમિત થઈ છે.

જ્યારે તે પરમાત્મામાં સ્થિર થઈ જશે ત્યારે તું પરમાત્માની સાથે સંયોગ (સમાધિ સ્થિતિ) કરી શકશે.(૫૩)


अर्जुन उवाच--स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव । स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत किम् ॥५४॥

અર્જુન કહે છે-હે કેશવ,જેમની બુદ્ધિ સમાધિમાં સ્થિર થઈ ચુકી છે એ પુરુષ કેવો હોય છે ? 

(એને કેવી રીતે ઓળખવો)એના કેવા લક્ષણો હોય છે ? એ કેવી રીતે પોતાનો જીવનવ્યવહાર કરે છે?(૫૪)


श्रीभगवानुवाच--प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान् । आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ॥५५॥

दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः । वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ॥५६॥

ભગવાન કહે છે-હે પાર્થ, જ્યારે વ્યક્તિ પોતાના મનમાં ઉઠતી બધી જ કામનાઓને ત્યાગી દે છે અને પોતાના 

આત્મામાં સ્થિતિ કરે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.સ્થિતપ્રજ્ઞ પુરુષનું મન ન તો દુઃખમાં વિચલિત થાય છે

 કે ન તો સુખની સ્પૃહા (ઈચ્છા-તૃષ્ણા) કરે છે.એનું મન રાગ,ભય અને ક્રોધથી મુક્ત થયેલું હોય છે. (૫૬)


यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम् । नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥५७॥

यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः । इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥५८॥

સુખ કે દુઃખ-બંનેમાં તેની પ્રતિક્રિયા સમાન હોય છે.ગમતી-સારી વસ્તુ મળવાથી તે ન તો પ્રસન્ન (સુખી) થાય છે 

કે-ન તો એના અભાવે (વસ્તુ ના મળે તો)  વિષાદગ્રસ્ત (દુઃખી).તેની બુદ્ધિ સ્થિર થયેલી હોય છે. (૫૭)

જેવી રીતે કાચબો પોતાના અંગોને અંદરની તરફ સંકેલી લે છે તેવી રીતે તે પોતાની ઈન્દ્રિયોને 

વિષયોમાંથી કાઢી આત્મામાં સ્થિર કરે છે.ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. (૫૮)


विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः । रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते ॥५९॥

यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः । इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः ॥६०॥

જો વિષયોનો (ભોજન-વગેરેનો) ત્યાગ કેવળ બાહ્ય (બહારનો ત્યાગ) હોય તો એવા ત્યાગ કર્યા છતાં અંદરથી 

તેનો ઉપભોગ કરવાની ઇચ્છા યથાવત રહે છે.પરંતુ પરમાત્માનો સાક્ષાત્કાર થયા પછી એ પદાર્થોના ઉપભોગની 

ઇચ્છાનો પણ અંત આવે છે.હે કૌન્તેય,ઇન્દ્રિયો એટલી ચંચળ છે કે-સાવધાનીથી ઈન્દ્રિયોનો સંયમ કરી અભ્યાસ 

કરનાર વિદ્વાન મનુષ્યના મનને પણ (પરાણે)ઈન્દ્રિયો હરી લે છે અને બળાત્કારે વિષયો તરફ ખેંચે છે.(૬૦)