Jul 28, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-880

 

અધ્યાય-૨૭-કર્મયોગ(ગીતા-અધ્યાય-૩)


अर्जुन उवाच--ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन । तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव ॥१॥

व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे । तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् ॥२॥

અર્જુન કહે છે-હે જનાર્દન,જો તમે જ્ઞાનને કર્મ કરતાં વધુ શ્રેષ્ઠ માનતા હો તો મને આ યુદ્ધ કર્મમાં 

શા પ્રવૃત કરી રહ્યા છો ? તમારા વચનોથી મારી બુદ્ધિ સંભ્રમિત થઈ (ભ્રમમાં પડી)રહી છે.

કૃપા કરીને મને એ માર્ગ બતાવો જે નિશ્ચિત રીતે મારા માટે કલ્યાણકારક હોય.(૨)

श्रीभगवानुवाच--लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ । ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनाम् ॥३॥

न कर्मणामनारम्भान्नैष्कर्म्यं पुरुषोऽश्नुते । न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति ॥४॥

શ્રી ભગવાન કહે છે-આ જગતમાં શ્રેયપ્રાપ્તિના બે જુદા જુદા માર્ગો-જ્ઞાનયોગ અને કર્મયોગ 

મેં તને બતાવ્યા.સાંખ્યયોગીઓને જ્ઞાનનો માર્ગ પસંદ પડે છે જ્યારે,યોગીઓને કર્મનો માર્ગ. 

નિષ્કર્મતા પ્રાપ્ત કરવા માટે પણ કર્મનું અનુષ્ઠાન તો કરવું જ પડે છે.(૪)


न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् । कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः ॥५॥

कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् । इन्द्रियार्थान्विमूढात्मा मिथ्याचारः स उच्यते ॥६॥

यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन । कर्मेन्द्रियैः कर्मयोगमसक्तः स विशिष्यते ॥७॥

કેવળ કર્મોનો ત્યાગ કરવાથી કોઈ સિદ્ધિને પ્રાપ્ત કરી શકતું નથી.કર્મ કર્યા વગર કોઈ દેહધારી ક્ષણ માટે પણ 

રહી શકતો નથી.કારણ કે પ્રકૃતિના ગુણોથી વિવશ થઈને પ્રાણીમાત્ર કર્મ કરવા માટે પ્રવૃત થાય છે.


જે મનુષ્ય બહારથી પોતાની ઈન્દ્રિયોનો બળપૂર્વક કાબુ કરે અને મનની અંદર વિષયોનું સેવન કરે છે તે ઢોંગી છે.

મનથી પોતાની ઈન્દ્રિયોનો સંયમ સાધીને જે ફલાશા વગર સહજ રીતે કર્મોનું અનુષ્ઠાન કરે છે તે ઉત્તમ છે(૭)


नियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मणः । शरीरयात्रापि च ते न प्रसिद्ध्येदकर्मणः ॥८॥

यज्ञार्थात्कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः । तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर ॥९॥

તારે માટે જે પણ કર્મ,શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે તે તું કર કારણ કે કર્મ ન કરવા (કર્મનો ત્યાગ કરવા) 

કરતાં અનાસક્ત રહીને કર્મ કરવાનું શ્રેષ્ઠ કહેવાયું છે.જો તું કર્મ નહીં કરે તો તારો જીવનનિર્વાહ પણ કેવી રીતે થશે? આસક્તિથી કરેલ કર્મો માનવને કર્મબંધનથી બાંધે છે.એથી તું કર્મ કર,પરંતુ અનાસક્ત(અલિપ્ત) રહીને કર(૯)

सहयज्ञाः प्रजाः सृष्ट्वा पुरोवाच प्रजापतिः । अनेन प्रसविष्यध्वमेष वोऽस्त्विष्टकामधुक् ॥१०॥

देवान्भावयतानेन ते देवा भावयन्तु वः । परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ ॥११॥

બ્રહ્માએ સૃષ્ટિના આરંભમાં જ કહ્યું કે-‘યજ્ઞ (કર્મ) કરતાં રહો અને વૃદ્ધિ પામતા રહો.યજ્ઞ (કર્મ) 

તમારી ઈચ્છાઓની પૂર્તિનું સાધન બનો.યજ્ઞ કરતાં તમે દેવોને પ્રસન્ન રાખો અને દેવો તમને પ્રસન્ન રાખશે. 

એમ એકમેકને સંતુષ્ઠ રાખતાં તમે પરમ કલ્યાણને પ્રાપ્ત કરશો'(૧૧)


इष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविताः । तैर्दत्तानप्रदायैभ्यो यो भुङ्क्ते स्तेन एव सः ॥१२॥

यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः । भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् ॥१३॥

યજ્ઞથી સંતુષ્ઠ દેવો તમને ઈચ્છિત ભોગો આપશે.એને યજ્ઞભાવથી (દેવોને સમર્પિત કર્યા પછી) આરોગવાથી વ્યક્તિ 

સર્વ પાપથી વિમુક્ત થશે.એ ભોગોનો ઉપભોગ જે એકલપેટા બનીને કરશે તે પાપના ભાગી થશે અને ચોર ગણાશે.(૧૩)