અધ્યાય-૭૪-પાંચમા દિવસની સમાપ્તિ-સાત્યકિના પુત્રોનો વધ
॥ संजय उवाच ॥ अथ राजन महाबाहुः सात्यकिर्मुद्वदुर्मदः I विकृष्य चापं समरे भारसाहमनुत्तम ॥१॥
સંજયે કહ્યું-હે રાજન,ત્યાર પછી,મદોન્મત્ત થયેલો મહાબાહુ સાત્યકિ,પોતાના ઉત્તમોત્તમ ધનુષ્યને ખેંચીને,પોતાની અદભુત હાથચાલાકી બતાવતો ઘણી જ ત્વરાથી બાણોને ફેંકતો શત્રુઓની સેનાનો સંહાર કરતો હતો.આગળ ધસી આવતા સાત્યકિને જોઈને દુર્યોધને તેની સામે દશ હજાર રથીઓને મોકલ્યા.પરાક્રમી સાત્યકિએ તે સર્વેને દિવ્ય અસ્ત્રોથી મારવા માંડ્યા.ને અત્યંત દારુણ કર્મ કર્યા પછી તે ભૂરિશ્રવા સામે ધસ્યો.ભૂરિશ્રવા પણ તેની સામે ધસ્યો ને સર્પસમાન ઝેરી ને વજ્રસમાન તીક્ષ્ણ એવા બાણો છોડવા માંડ્યા.મૃત્યુના જેવા ઉગ્ર સ્પર્શવાળા તે હજારો બાણોને સાત્યકિના અનુનાયીઓ સહન કરી શક્યા નહિ ને તેઓ સાત્યકિને છોડીને નાસવા લાગ્યા.
એ વખતે,મહારથી તરીકે પ્રસિદ્ધ થયેલા મહાબળવાન સાત્યકિના દશ પુત્રો,ભૂરિશ્રવા માટે યુદ્ધ કરવા આવી પહોંચ્યા.અને ક્રોધપૂર્વક કહેવા લાગ્યા કે-'હે કૌરવોના સંબંધી,આવ ને અમારી બધાની સામે કે અમારામાંથી એકેકની સાથે તું યુદ્ધ કર'
ભૂરિશ્રવાએ કહ્યું-'તમે બધા સાવધાની પૂર્વક મારી સામે લડો આજે હું તમારો નાશ કરીશ' એ વચન સાંભળીને તે સાત્યકિના પુત્રોએ ભૂરિશ્રવા સામે બાણવૃષ્ટિ કરી.સામે ભૂરિશ્રવા તેમનાં બાણોને અધવચ્ચે જ કાપી નાખતો હતો.રણસંગ્રામમાં ભૂરિશ્રવાનું પરાક્રમ અતિ આશ્ચર્યકારક દેખાતું હતું.તે એકલો જ સર્વની સામે નિર્ભય થઈને યુદ્ધમાં મગ્ન થયો હતો.સાત્યકિના તે દશે મહારથી પુત્રોએ ભૂરિશ્રવાને ઘેરી લઈને તેને મારી નાખવાનો આરંભ કરવા લાગ્યા.ક્રોધાયમાન થયેલા ભૂરિશ્રવાએ સામે અનેક બાણો મૂકીને તેમના ધનુષ્યોને કાપી નાખ્યા ને અંતે,તે દશે મહારથીઓને મસ્તકોને પણ બાણોથી ઉડાવી દીધાં .
બાણોથી માર્યા ગયેલા તે દશે જણ પૃથ્વી પર પડ્યા.પોતાના પુત્રોને મારી નાખેલા જોઈને,સાત્યકિ ગર્જના કરતો ભૂરિશ્રવા પર ચડી આવ્યો અને તેઓ સામસામે એકબીજાના ઘોડાઓને ને રથોનો નાશ કરવા લાગ્યા.બંને મહારથીઓ રથ વિનાના થયા એટલે તેઓ હાથમાં તલવાર ને ઢાલો ગ્રહણ કરીને એકબીજા સામે ધસી ગયા.તે વખતે,ભીમસેન ત્યાં ધસી આવ્યો અને સાત્યકિને પોતાના રથ પર બેસાડી દીધો.બીજી તરફ દુર્યોધને પણ ધસી આવીને ભૂરિશ્રવાને પોતાના રથ પર બેસાડી દીધો.
આવી રીતે અહીં યુદ્ધ ચાલી રહ્યું હતું,ત્યારે પેલી તરફ પાંડવો ભીષ્મ સામે લડી રહ્યા હતા.અસ્ત થવાની તૈયારીમાં રહેલો સૂર્ય,જરા લાલ કાંતિવાળો થયો હતો,તે વખતે ઘણી ત્વરાથી અર્જુને પચીસ હજાર મહારથીઓનો ઘાણ વાળી નાખ્યો.
પછી,ભીષ્મપિતામહે,સંધ્યાકાળ થયો હોવાથી ને પોતાનાં વાહનો પણ થાકી ગયાં હોવાથી સૈન્યોને પાછા વાળી લીધાં.
અને આમ બંને સેનાઓ પોતપોતાની છાવણીમાં વિશ્રામ માટે પાછી ગઈ.
અધ્યાય-74-સમાપ્ત