Oct 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-954

 

અધ્યાય-૭૩-પાંચમો દિવસ (ચાલુ)-દ્વંદ્વ યુદ્ધ 


॥ संजय उवाच ॥ विराटोथत्रिभिर्बाणैर्भिष्ममार्च्छन्महारथम् I विव्याध तुर्गाश्वास्य त्रिभिर्बाणैर्महराथः ॥१॥ 

સંજયે કહ્યું-ત્યાર પછી,મહારથી વિરાટ રાજાએ,મહારથી ભીષ્મ પર ત્રણ બાણોનો પ્રહાર કર્યો અને બીજા ત્રણ બાણો મૂકીને તેમના ઘોડાઓને વીંધી નાખ્યા.ભીષ્મે પણ સામે તેને દશ બાણોથી વીંધ્યો.અશ્વત્થામાએ છ બાણોથી અર્જુનની છાતી પર પ્રહાર કર્યો તે જોઈ,અર્જુને તેનું બાણ છેદી નાખીને સામે તીક્ષ્ણ બાણોથી પ્રહાર કર્યો.ત્યારે અશ્વત્થામાએ બીજું ધનુષ્ય ગ્રહણ કર્યું અને નેવું બાણ મૂકીને અર્જુનને અને સિત્તેર બાણો મૂકીને કૃષ્ણને પણ વીંધ્યા.ક્રોધાતુર થયેલા અર્જુને ઘોર બાણો મૂકી,અશ્વત્થામાના કવચને તોડીને તેને લોહીલુહાણ કરી નાખ્યો.ને પછી અર્જુને 'આ બ્રાહ્મણ ગુરુપુત્ર મારે માન્ય છે' એવી બુદ્ધિથી તેના પર દયા કરી અને તેની સામે યુદ્ધ કરવું છોડી દીધું ને બીજાઓ સામે યુદ્ધ કરી સંહાર કરવા લાગ્યો.

જયારે,દુર્યોધને દશ બાણો ભીમ સામાં છોડ્યાં ત્યારે ભીમે પણ સામે દશ બાણોથી તેની છાતીને વીંધી નાખી.ક્રોધિત થયેલા દુર્યોધને બાણો છોડીને ભીમને ઘાયલ કર્યો.સામસામા યુદ્ધ કરતા તે બંને દેવસમાન શોભી રહ્યા હતા.બીજી બાજુ,અભિમન્યુએ ચિત્રસેનને દશ બાણોથી,પુરુમિત્રને સાત બાણોથી અને ભીષ્મને સિત્તેર બાણોથી વીંધ્યા ને કૌરવોના સર્વ યોદ્ધાઓને દુઃખ ઉપજાવવા લાગ્યો.પછી,ચિત્રસેન,પુરુમિત્ર અને ભીષ્મે પણ સામે અસંખ્ય બાણો છોડીને અભિમન્યુને ઘાયલ કર્યો.


એ પ્રમાણે ઘવાયા છતાં,અભિમન્યુએ ચિત્રસેનનું મોટું અદભુત ધનુષ્ય છેદી નાખ્યું અને તેના બખ્તરને તોડી નાખ્યું.

ત્યારે હે રાજન,ત્યારે તમારા પુત્રો ને બીજા મહારથી રાજપુત્રો ત્યાં આવી પહોંચ્યા અને તીક્ષ્ણ બાણો મૂકીને અભિમન્યુ પર પ્રહાર કરવા લાગ્યા.પણ,અભિમન્યુએ તે સર્વને તીક્ષ્ણ બાણો મૂકીને મારવા માંડ્યા.તે વખતે,તમારો પૌત્ર લક્ષ્મણ તેની સામે યુદ્ધ કરવા ધસી આવ્યો.તેને જોતાં જ  અભિમન્યુએ છ બાણોથી લક્ષ્મણ પર પ્રહાર કર્યો ને ત્રણ બાણોથી તેના સારથિને વીંધી નાખ્યો.સામે લક્ષ્મણે પણ પાણીદાર બાણોથી અભિમન્યુને વીંધ્યો.


ક્રોધાયમાન થયેલા  અભિમન્યુએ,લક્ષ્મણના રથના ચાર ઘોડાઓને ને સારથિને હણી નાખ્યા અને ઘણા જોરથી તેની સામે ધસી ગયો.અભિમન્યુને સામે આવતો જોઈને રથ વિનાના લક્ષ્મણે તેના રથ સામે એક ભયંકર શક્તિ ફેંકી.શક્તિને સામે આવતી જોઈને અભિમન્યુએ તીક્ષ્ણ બાણોથી તેને વચ્ચે જ ટુકડા કરી નાખી.ત્યારે કૃપાચાર્યે લક્ષ્મણને પોતાના રથમાં બેસાડી દીધો ને તેને રણસંગ્રામમાંથી દૂર લઇ ગયા.આમ,મહાભયંકર યુદ્ધ ચાલતું હતું,કે જેમાં બંને સૈન્ય સેળભેળ થઇ ગયાં હતાં ને સર્વ યોદ્ધાઓ એકબીજાને મારી નાખવાની ઈચ્છાથી સામસામો પ્રહાર કરતા હતા.ને સંહાર કરતા હતા.ક્રોધાયમાન થયેલા ભીષ્મે,ઘણા જોરથી દિવ્ય અસ્ત્રો મૂકીને પાંડવોની સેનાનો સંહાર કરવા માંડ્યો કે જેથી તે સમયે માર્યા ગયેલા ઘોડાઓ,હાથીઓ,રથીઓ,ઘોડેસ્વારો તથા પાળાઓથી આખી રણભૂમિ છવાઈ ગઈ હતી (43)

અધ્યાય-73-સમાપ્ત