દ્રોણાચાર્યથી વીંધાયેલો દ્રુપદરાજા,પોતાનું પૂર્વવૈર યાદ કરીને યુદ્ધમાંથી ખસી ગયો,ત્યારે તે જીતથી દ્રોણે શંખનાદ કર્યો.
ને પછી મૂર્છિત પડેલા તમારા પુત્રો પાસે આવીને તેમણે પ્રજ્ઞાસ્ત્રનો પ્રયોગ કરીને મોહનાસ્ત્રનો નાશ કર્યો એટલે તમારા પુત્રો ભાનમાં આવી ગયા.ને ફરીથી ભીમ ને ધૃષ્ટદ્યુમ્ન સામે યુદ્ધ કરવા ધસી ગયા.મધ્યાહ્નન વખતે યુધિષ્ઠિરે પોતાના સૈનિકોને બોલાવીને અભિમન્યુ,ભીમસેન,ધૃષ્ટદ્યુમ્ન વગેરેના ખબર લાવવાનું કહ્યું,એટલે સૈનિકો ત્યાંથી ચાલી નીકળ્યા.
કેકયો,દ્રૌપદીના પાંચ પુત્રો,ધૃષ્ટકેતુ વગેરે યોદ્ધાઓએ અભિમન્યુને આગળ કરીને 'સુચીમુખ' (સોયની આકૃતિનો) નામનો વ્યૂહ રચ્યો ને તેથી તેમણે કૌરવોના સૈન્યને ભેદી નાખ્યું.ભીમ ને ધૃષ્ટદ્યુમ્નના મારથી ને ભયથી આવિષ્ટ થયેલી કૌરવોને સેના
આ બાર મહાધનુર્ધરોને અટકાવી શકી નહિ.ને તેમને આવેલા જોઈને ભીમ ને ધૃષ્ટદ્યુમ્ન આનંદમાં આવી ગયા.
પોતાના પિતાને દ્રોણાચાર્યે પરાજિત કર્યા છે તે યાદ આવતાં,ધૃષ્ટદ્યુમ્ને,ભીમને કેકયના રથમાં બેસાડીને તે એકલો (પોતાના ગુરુ) દ્રોણાચાર્ય સામે ધસી ગયો.ને તેમના પર બાણોનો પ્રહાર કરવા લાગ્યો.દ્રોણે તેને સામે આવેલો જોઈને,એકદમ ક્રોધાતુર થઈને,તેના ધનુષ્યના ચુરા કરી નાખ્યા ને અનેક બાણો છોડવા માંડ્યાં.ત્યારે ધૃષ્ટદ્યુમ્ને નવું ધનુષ્ય લઈને દ્રોણ પર વીસ બાણોનો પ્રહાર કરીને તેમને વીંધ્યા.એટલે દ્રોણે કોપિત થઈને ફરી તેનું ધનુષ્ય કાપી નાખ્યું ને બીજા ચાર બાણોથી તેના ચાર ઘોડાઓને અને એક બાણથી સારથિને પણ મારી નાખ્યો.ત્યારે ધૃષ્ટદ્યુમ્ન એકદમ રથમાંથી ઉતારીને અભિમન્યુના રથ પર ચડી ગયો.
દ્રોણના પરાક્રમને જોઈને પાંડવોની સમસ્ત સેના,ભીમ ને ધૃષ્ટદ્યુમ્નના દેખતાં ભયથી કંપવા લાગી.પાંડવોના શક્તિશાળી મહારથીઓ,પોતાના સૈન્યમાં ભંગાણ પડેલું જોઈને,પ્રયાસ કરવા છતાં,દ્રોણને રોકી રાખવા સમર્થ થયા નહિ.દ્રોણ પોતાનાં તીક્ષ્ણ બાણોથી પાંડવોના સૈન્યનો વધ કરી રહ્યા હતા ત્યારે આખું સૈન્ય ખળભળેલા સમુદ્રની જેમ આમતેમ ભમવા લાગ્યું.
એ પ્રમાણે આચાર્ય દ્રોણને પાંડવોના સૈન્ય પર તૂટી પડેલા જોઈને કૌરવોનું સૈન્ય આનંદમાં આવી ગયું,ને સર્વ યોદ્ધાઓ 'બહુ સારું થયું,બહુ સારું થયું' એમ હર્ષનાદો કરવા લાગ્યા (75)
અધ્યાય-77-સમાપ્ત
