અધ્યાય-૭૮-છઠ્ઠો દિવસ-સંકુલ યુદ્ધ-ભીમનું પરાક્રમ
॥ संजय उवाच ॥ ततो दुर्योधनो राजा मोहत्प्रत्यागतस्त I शरवर्षे: पुनर्भीमं प्रत्यवारयद्च्युतम् ॥१॥
સંજયે કહ્યું-ત્યાર પછી દુર્યોધનરાજા,જયારે મૂર્છામાંથી પાછો ફર્યો ત્યારે ભીમસેન સામે ધસી ગયો અને બાણોનો વરસાદ વરસાવતો તેને આગળ વધતો અટકાવવા લાગ્યો.હે રાજન,તમારા બીજા પુત્રો પણ એકત્ર થઈને ભીમસેન સામે યુદ્ધ કરવા સજ્જ થયા.તે વેળા,ભીમસેન પણ પોતાના રથ પાસે આવીને રથ પર ચડ્યો ને પોતાનું દૃઢ ધનુષ્ય લઈને તમારા પુત્રોને વીંધવા લાગ્યો.સામે દુર્યોધને તીક્ષ્ણ નારાચ બાણથી દુર્યોધનના મર્મસ્થાનમાં સખત પ્રહાર કર્યો.પછી,ક્રોધથી લાલ થયેલી આંખોવાળા ભીમે ઘણા વેગપૂર્વક ધનુષ્ય ખેંચીને દુર્યોધનને ત્રણ બાણો વડે છાતીમાં ને બે ભુજાઓ પર પ્રહાર કર્યો.
પરસ્પર લડતા તે બે મહાન યોદ્ધાઓને જોઈને દુર્યોધનના શૂરવીર ભાઈઓ જીવિતની દરકાર નહિ કરતા,ભીમસેનને પકડવાનો પોતાનો પૂર્વ નિર્ધાર યાદ કરીને તેને પકડવાનો આરંભ કરવા લાગ્યા.તેઓને સામે આવતા જોઈને,હાથીઓ સામે જેમ હાથી ધસે તેમ,અત્યંત ક્રોધાયમાન થઈને ભીમે એક નારાચ બાણથી તમારા પુત્ર ચિત્રસેન પર પ્રહાર કર્યો,ને તમારા બીજા પુત્રો પર અનેક બાણોથી પ્રહાર કરીને તેમને વીંધી નાખ્યા.ત્યારે યુધિષ્ઠિરની આજ્ઞાથી આવેલા અભિમન્યુ-આદિ બાર મહાયોદ્ધાઓ તમારા પુત્રો સામે ધસ્યા.સામે શૂરા મહારથીઓને જોઈને તમારા પુત્રોએ ભીમસેનની સામે યુદ્ધ કરવું છોડી દીધું ને ત્યાંથી ખસવા લાગ્યા.
તે તમારા પુત્રો પોતાની પાસેથી જીવતા ગયા,તે ભીમથી સહન થયું નહિ અને તેથી તેમની પુંઠે પડીને સર્વને મારવા લાગ્યો.
સામે અભિમન્યુ-આદિ યોદ્ધાઓને આવેલા જોઈને દુર્યોધન,સૈન્યની સાથે તે મહારથીઓ સામે એકદમ ધસી આવ્યો,ને તે દિવસના પાછળ ભાગમાં તેઓનું મહાયુદ્ધ ચાલુ થયું.તે યુદ્ધમાં અભિમન્યુએ વિકર્ણના ઘોડાઓને મારી નાખ્યા ને પચીસ બાણોથી તેના પર પ્રહાર કર્યો.વિકર્ણ પોતાના રથને છોડીને ચિત્રસેનના રથ પર ચડી ગયો.ને તે બંને ભાઈઓએ પાંચ પાંચ બાણોથી અભિમન્યુને વીંધી નાખ્યો પણ તેથી તે ડગમગ્યો નહિ ને મેરુ પર્વતની જેમ સ્થિર રહ્યો.તે વેળા દુઃશાસન એકલો પાંચ કેકયરાજ પુત્રો સામે લડતો હતો,તે ઘણું આશ્ચર્યજનક હતું.
તે રણસંગ્રામમાં દ્રૌપદીના પાંચ પુત્રો,ક્રોધાયમાન થઈને સર્પસમાન ઝેરી બાણોથી દુર્યોધનને વીંધવા લાગ્યા ત્યારે સામે દુર્યોધને પણ તેમના પર અનેક બાણોથી પ્રહાર કર્યો.દ્રૌપદીના પુત્રોના બાણોથી લોહીલુહાણ થયેલો દુર્યોધન,જાણે ગેરુ વગેરે ધાતુઓથી મિશ્ર એવાં ઝરણાંથી વહેતો પર્વત હોય તેવો દેખાતો હતો.બીજી બાજુ ભીષ્મ પિતામહ.જેમ,ગોવાળિયાઓ પશુઓને હાંકી કાઢે તેમ,પાંડવોની સેનાને હાંકી કાઢતા હતા.ને સામે અર્જુનના ગાંડીવનો ટંકાર સંભળાતો હતો,ને અર્જુન પણ કૌરવ સૈન્યનો સંહાર કરી રહ્યો હતો.રણભૂમિ પર સૈનિકોના મસ્તક વિનાના ધડો ચારે બાજુ ઉછળી રહ્યાં હતા.હે રાજન,આ પ્રમાણે જય ની ઈચ્છાવાળા,તમારા પક્ષના યોદ્ધાઓ પાંડવો સામે યુદ્ધ કરતા હતા (36)
અધ્યાય-78-સમાપ્ત