Oct 26, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-962

 

અધ્યાય-૮૦-દુર્યોધન અને ભીષ્મનો સંવાદ 


॥ संजय उवाच ॥ अथ शूरा महाराज परस्पर कृतागस: I जग्मुः स्वशिबिराण्येव रुधिरेण समुक्षिताः ॥१॥ 

સંજયે કહ્યું-હે મહારાજ,એકબીજા પર વૈર રાખતા અને લોહીથી છંટાયેલા એ શૂરા યોદ્ધાઓ પોતપોતાની છાવણી તરફ ગયા.આખી રાત્રિ વિશ્રાંતિ લઇ,પરસ્પર સન્માન કરી અને યુદ્ધ કરવાની ઈચ્છાથી સજ્જ થયેલા તેઓ દેખાયા.ત્યાર પછી,ચિંતાથી યુક્ત થયેલો તમારો પુત્ર દુર્યોધન ભીષ્મપિતામહ પાસે જઈને કહેવા લાગ્યો કે-'હે પિતામહ,રૌદ્ર અને ભયંકર એવાં આપણાં સૈન્યો દૃઢ વ્યૂહમાં રચેલાં અને મોટી ધ્વજાવાળાં  છે છતાં પાંડવોના સાહસી યોદ્ધાઓ,વ્યૂહરચનાને તોડીને આપણને મારી જાય છે.વળી તેઓએ આપણને મોહિત કરીને વજ્રસમાન મકરવ્યૂહ પણ ભેદી નાખ્યો ને ભીમસેને આપણા સૈન્યમાં પ્રવેશ કરીને કાળદંડ સમાન ઘોર બાણોથી મને માર્યો છે,તેના ક્રોધથી હું ભયભીત થયો છું,ને મને શાંતિ મળતી નથી.માટે હે પિતામહ,તમારા પ્રસાદથી જ હું જય મેળવવાની ને પાંડવોના નાશની ઈચ્છા રાખું છું'

શોક્ગ્રસ્ત દુર્યોધનને જોઈને ભીષ્મ તેને કહેવા લાગ્યા કે-'હે રાજપુત્ર,ઘણો યત્ન કરીને હું શત્રુસેનામાં પ્રવેશ કરું છું.તારા માટે હું પ્રાણની પણ પરવા કરતો નથી ને તને વિજય તથા સુખ આપવા ઈચ્છું છું.તો પણ પાંડવોના સહાયક યોદ્ધાઓ સર્વે મહારથીઓ છે,તે ઘણા ભયંકર,શૂરા,યશસ્વી અને અસ્ત્રવિદ્યામાં કુશળ છે,તેઓ પરિશ્રમને સહન કરી શકે તેવા છે,વીર્યથી ઉન્મત્ત છે અને તારા વડે વેર કરાયેલા છે,ને તે કારણથી જ તેઓ એકદમ જીતી શકાય તેવા નથી.છતાં,હું તેમની સામે લડીશ.જો,તારે માટે ભયંકર દેવો અને દૈત્યોનો પણ હું નાશ કરું તો આ શત્રુઓની સેનાનો શો હિસાબ?હું તારું પ્રિય કરીશ.'


આવી રીતનાં ભીષ્મનાં વચન સાંભળી દુર્યોધનનું મન પ્રસન્ન થયું અને આનંદમાં આવી જઈને સર્વ સૈન્યોને ને રાજાઓને યુદ્ધ કરવા જવા આજ્ઞા આપી.હારબંધ ચલાવતા રથો,પાળાઓ,હાથીઓ ને ઘોડાઓ સહીત જયારે બંને સેનાઓ યુદ્ધ કરવા ચાલી ત્યારે સૂર્યનાં કિરણોને ઢાંકી દેતી ધૂળ ઉડી રહી.વાયુના વેગથી આમતેમ ફરકતી પતાકાઓ શોભતી હતી.વળી તે સમયે ધનુષ્યોના ટંકાર ને હાથી ઘોડાઓના શબ્દનો તુમુલ શબ્દ થઇ રહ્યો હતો.મહાઉગ્ર હાથીઓવાળું,અનેક સ્વરૂપના વર્ણોવાળું તમારા પુત્રોનું સૈન્ય,જયારે શત્રુ સેનાને હણવા ચડી જતું હતું ત્યારે તે પ્રલાયકાળના મેઘમંડળ સમાન જણાતું હતું.(19)

અધ્યાય-80-સમાપ્ત