અધ્યાય-૮૧-સાતમો દિવસ-વ્યૂહરચના
॥ संजय उवाच ॥ अथात्मजं तव पुनरगांगेयोध्यानमास्थितम् I अब्रवीभ्दरतश्रेष्ठः संप्रहर्षकरं वचः ॥१॥
સંજયે કહ્યું-પછી,વિચારમાં પડી ગયેલા તમારા પુત્ર દુર્યોધનને,ભરતશ્રેષ્ઠ ભીષ્મપિતામહ હર્ષ ઉપજાવનારાં વચનો કહેવા લાગ્યા-'હું,દ્રોણ,શલ્ય,કૃતવર્મા,અશ્વત્થામા,વિકર્ણ,ભગદત્ત,શકુની,વીંદ-અનુવીંદ,બૃહદબલ,ચિત્રસેન,વીવિંશતિ,બાહલીક દેશનો રાજા,ત્રિગર્ત દેશનો રાજા,મગધ દેશનો રાજા અને અનેક સુંદર રથો,ઘોડાઓ,હાથીઓ,હથિયારો,પાળાઓ તારા માટે પોતાના પ્રાણ આપવા તૈયાર થયા છે.વળી,આ સર્વ રણમાં દેવોને પણ જીતી લેવા સમર્થ છે એમ હું માનું છું.હે દુર્યોધન,મારે તને હંમેશાં હિતવચન જ કહેવું જોઈએ કે દેવોથી પણ તે પાંડવો જીતી શકાય તેમ નથી કેમકે તેમને શ્રીકૃષ્ણની સહાય છે.છતાં,હું તારા કહ્યા પ્રમાણે જ કરીશ.હું મરણીયો થઈને લડીશ ને પાંડવોને રણસંગ્રામમાં જીતીશ કે કદાચ તેઓ મને જીતે' આમ કહી ભીષ્મે દુર્યોધનને ઘા રૂઝાવી દેનાર સુંદર ઔષધિ આપી,તેનાથી તે એકદમ શસ્ત્રોની પીડાથી રહિત થયો.
જયારે નિર્મલ પ્રભાત થયું,ત્યારે ભીષ્મે પોતાના સૈન્યને મંડલવ્યૂહમાં રચ્યું.એક એક હાથી પાસે સાત સાત ઘોડેસ્વારોને રાખ્યા,એકેક ઘોડેસ્વારો પાસે દશ દશ ધનુર્ધરોને ઉભા રાખ્યા,ને એકેક ધનુર્ધરોને પડખે દશ દશ ઢાલોવાળાને ઉભા રાખ્યા.
આ રીતે વ્યૂહરચનામાં ગોઠવાયેલું તમારું સૈન્ય,ભીષ્મના રક્ષણ તળે રહીને યુદ્ધ કરવા ઉભું રહ્યું.તેમ જ દશ દશ હજાર ઘોડાઓ,હાથીઓ,રથીઓ,ચિત્રસેન ને તમારા શૂરવીર પુત્રો,ભીષ્મનું ચારે બાજુથી રક્ષણ કરવા લાગ્યા.દુર્યોધન આવી તેના રથમાં બેઠો ત્યારે તે શત્રુઓથી અભેદ્ય દેખાતો હતો.શત્રુઓથી દુરાસહ એવો તે વ્યૂહ રણભૂમિ પર શોભી રહ્યો હતો.
