Oct 28, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-964

 

પરમ દુર્જય એવો શત્રુઓનો મંડળવ્યૂહ જોઈને યુધિષ્ઠિરે વજ્રવ્યૂહ રચ્યો કે જે મુજબ સર્વ સૈન્ય ગોઠવાઈ રહ્યું.પોતપોતાના સ્થાન પર ઉભેલા સર્વ રથીઓ,ઘોડેસ્વારો સિંહની જેમ ગર્જના કરવા લાગ્યા.ને પછી યુદ્ધ માટે નીકળી પડ્યા.

દ્રોણાચાર્ય વિરાટરાજા સામે,અશ્વત્થામા શિખંડી સામે,દુર્યોધન ધૃષ્ટદ્યુમ્ન સામે,નકુલ-સહદેવ મામા શલ્ય સામે આવી ગયા.

વીંદ-અનુવીન્દ ઈરાવાન સામે અને બાકી રહેલા સર્વ રાજાઓ અર્જુન સામે લડવા લાગ્યા.રણસંગ્રામમાં આગળ વધતા હૃદિકના પુત્રને,ચિત્રસેનને,વિકર્ણને તથા દુર્મુશણને ભીમસેને અટકાવી દીધા.અભિમન્યુ તમારા પુત્રો સામે લડતો હતો.

પ્રાગજ્યોતિષનો રાજા ભગદત્ત ઘટોત્કચ સામે,ને રાક્ષસ અલંબુષ સાત્યકિ સામે ધસી ગયા.ભૂરિશ્રવા ધૃષ્ટકેતુ સામે,યુધિષ્ઠિર શ્રુતાયુષ સામે,ચેકિતાન કૃપાચાર્ય સામે લડતો હતો તો બાકીના પાંડવ પક્ષના સર્વ યોદ્ધાઓ ભીષ્મ સામે ધસી ગયા.

પછી,હાથમાં શક્તિ,તોમર,નારાચ,ગદા અને પરીઘોની લઈને સર્વ રાજાઓએ અર્જુનને ઘેરી લીધો હતો તે જોઈને અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે-આજે જેઓ મારી સામે યુદ્ધ કરવા ઈચ્છે છે તે સર્વનો હું તમારા દેખતાં જ નાશ કરીશ' આમ કહીને તેણે ગાંડીવનો ટંકાર કર્યો અને તે રાજાઓના સમૂહ સામે બાણોનો વરસાદ વરસાવ્યો.ત્યારે સામે સર્વ રાજાઓએ પણ બાણોનો વરસાદ વરસાવ્યો.શ્રીકૃષ્ણ અને અર્જુનને બાણોથી છવાઈ ગયેલા જોઈને તમારા સૈન્યમાં હર્ષનો કોલાહલ થઇ રહ્યો.


દેવો,દેવર્ષિઓ,ગંધર્વો આદિ અર્જુન અને કૃષ્ણને આ સ્થિતિમાં જોઈને ઘણા વિસ્મય પામ્યા.પછી,અર્જુનને મહાક્રોધ ચડ્યો અને તેણે ઇન્દ્રાસ્ત્રને પ્રગટ કરીને શત્રુઓની બાણોની વૃષ્ટિ અટકાવી દીધી.તે સમયે અર્જુનનું આ પરાક્રમ અદભુત દેખાતું હતું,

હે રાજન,તે સમયે એવો એક પણ યોદ્ધો ન હતો કે જે અર્જુનના બાણોથી ઘવાયો ન હોય.આવી રીતે અર્જુને તે સર્વ રાજાઓને મારવા માંડ્યા,ત્યારે તે બધા ભીષ્મને શરણે ગયા.એ પ્રમાણે પાછા હટી જતા યોદ્ધાઓથી તમારા સૈન્યમાં ભંગાણ પડ્યું અને વાયુથી જેમ સમુદ્ર ખળભળી ઉઠે તેમ તે સૈન્ય ખળભળી ઉઠ્યું (46)

અધ્યાય-81-સમાપ્ત