અધ્યાય-૮૪-સાતમો દિવસ (ચાલુ) સુશર્મા અને અર્જુનનો સમાગમ
॥ संजय उवाच ॥ ततो युधिष्ठिरो राज मध्यं प्राप्ते दिवाकरे I श्रुतयुषममिप्रेक्ष्य प्रेषयामास वाजिनः ॥१॥
સંજયે કહ્યું-સૂર્યનારાયણ જયારે આકાશના મધ્ય ભાગમાં આવી પહોંચ્યા ત્યારે યુધિષ્ઠિરે શ્રુતાયુષને જોઈને તેના તરફ પોતાના ઘોડાઓને હાંક્યા.ને તીક્ષ્ણ નવ બાણોથી પ્રહાર કરતા યુધિષ્ઠિર તેના તરફ ધસ્યા.સામે શ્રુતાયુષે પણ તેમના બાણોનું નિવારણ કરીને સાત બાણોથી યુધિષ્ઠિર પર પ્રહાર કર્યો કે જે બાણોએ યુધિષ્ઠિરનાં કવચોને તોડી નાખી તેમને લોહીલુહાણ કરી દીધા.
ક્રોધાયમાન થયેલા યુધિષ્ઠિરે વરાહના કાન જેવા આકારવાળા બાણથી તેના હૃદય પર પ્રહાર કર્યો ને બીજા બાણથી તેની ધ્વજાને તોડી નાખી.શ્રુતાયુષે સામે બીજાં સાત બાણ મૂકી યુધિષ્ઠિરને વીંધવા માંડ્યું.
ક્રોધાવેશમાં આવી જઈને પોતાનાં ગલોફાં ચાટતા તે યુધિષ્ઠિરે પ્રલાયકાળના સૂર્યસમાન ઘોર સ્વરૂપ ધારણ કર્યું.ત્યારે તમારાં સૈન્યો પોતાના જીવિત પ્રત્યે નિરાશ થઇ ગયાં હતાં.પણ પછી,યુધિષ્ઠિરે ધીરજપૂર્વક પોતાના કોપને નિવારીને શ્રુતાયુષના ધનુષ્યને ભાગી નાખ્યું ને સર્વ સૈન્યના દેખાતા નારાચ બાણોનો પ્રહાર કરીને તેને છાતીમાં ઘાયલ કરી નાખ્યો ને તેના સારથી અને ઘોડાઓને મારી નાખ્યા.ત્યારે પરાજય પામેલો તે શ્રુતાયુષ રણમાંથી નાસી ગયો.તેને જોઈને દુર્યોધનનું સૈન્ય પણ પલાયન થવા લાગ્યું.યુધિષ્ઠિરે આમ મહા પરાક્રમ કરીને પછી તે તમારી સેનાનો ઘાણ વાળવા લાગ્યા.
એ જ સમયે,ચેકિતાનરાજા કૃપાચાર્યની સામે યુદ્ધ કરી રહ્યો હતો.ચેકિતાનના બાણોના પ્રહારને કૃપાચાર્ય ત્વરિત ગતિથી ખાળી દેતા હતા.પછી તેમણે ચેકિતાનના સારથિને ને ઘોડાઓને મારીને તેના ધનુષ્યને પણ કાપી નાખ્યું.ત્યારે ચેકિતાન હાથમાં ગદા લઈને દોડીને કૃપાચાર્યના સારથી ને ઘોડાઓને ફૂટી જ પાડ્યા.કૃપાચાર્યે તેને સોળ બાણોથી વીંધ્યો ત્યારે ચેકિતાને તેમની સામે ગદા ફેંકી.ગદાને સામે આવતી જોઈને,કૃપે તેને હજાર બાણોથી વારી દીધી.ત્યારે ચેકિતાને ક્રોધ કરીને હાથમાં તલવાર લીધી ને કૃપાચાર્ય તરફ ધસ્યો.સામે સાવધ રહેનારા કૃપે પણ ધનુષ્ય છોડી દઈને હાથમાં તલવાર ધારણ કરી ને બંને એકબીજા પર વાર કરવા લાગ્યા.તલવારના ઘા થી ઘવાયેલા તે બંનેને અતિશ્રમ થવાથી મૂર્છા આવી ગઈ,ત્યારે રાજા કરકર્ષ એકદમ ત્યાં દોડી આવ્યો ને ચેકિતાનને પોતાના રથમાં ચડાવી દીધો સામે શકુનિએ પણ કૃપાચાર્યને પોતાના રથમાં ચડાવી દીધા.
બીજી તરફ,ધૃષ્ટકેતુ નેવું બાણો મૂકીને ભૂરિશ્રવાને છાતીમાં વીંધી રહ્યો હતો.ત્યારે ભૂરિશ્રવાએ ક્રોધ કરીને ધૃષ્ટકેતુને રથ,ઘોડા ને સારથી વગરનો કરી દીધો,ને બાણોની વૃષ્ટિ કરી તેને ઢાંકી દીધો.ત્યારે ધૃષ્ટકેતુ શતાનિકના રથ પર ચડી ગયો.
એ સમયે,ચિત્રસેન,વિકર્ણ અને દુર્મર્ષણ-એ ત્રણ રથીઓ અભિમન્યુ સામે ધસી ગયા ને તેમની વચ્ચે ઘોર યુદ્ધ શરુ થયું.ત્યારે અભિમન્યુએ તમારા ત્રણે પુત્રોને રથ વિનાના કરી નાખ્યા,ને ભીમસેનની પ્રતિજ્ઞાને યાદ કરી તેમના પ્રાણ લીધા નહિ.
(ભીમસેનની પ્રતિજ્ઞા હતી કે તે પોતે જ કૌરવોનો સંહાર કરશે.તે યાદ આવવાથી અભિમન્યુએ તેમને જીવતા છોડ્યા)
પેલી તરફ,અર્જુન તમારા પક્ષના યોદ્ધાઓ સામે યુદ્ધ કરવા માટે જઈ પહોંચ્યો ત્યારે તમારા સૈન્યમાં મોટો કોલાહલ થઇ રહ્યો.પછી,તે ભીષ્મના રક્ષણમાં જોડાયેલા સુશર્મા પાસે આવીને તેને કહેવા લાગ્યો કે-'હે સુશર્મા,તું યુદ્ધ કરનારામાં શ્રેષ્ઠ ગણાય છે એ હું જાણું છું,પણ તું અમારો પૂર્વનો વૈરી છે.તારી અનીતિનું ફળ આજે તને મળશે ને હું તારો વધ કરીશ.' અર્જુનનું આ વાક્ય સાંભળીને સુશર્માએ કંઈ પણ કહ્યું નહિ અને અનેક રાજાઓ ને તમારા પુત્રોને સાથે લઈને અર્જુનને ચારે બાજુથી ઘેરી લીધો.ને તે સર્વેએ બાણોની વૃષ્ટિ કરીને અર્જુનને ઢાંકી દીધો.ને પછી તેમની વચ્ચે મહાસંગ્રામ શરુ થયો.(55)
અધ્યાય-84-સમાપ્ત