અધ્યાય-૮૫-સાતમો દિવસ (ચાલુ) અર્જુનનું પરાક્રમ
॥ संजय उवाच ॥ स तायमान्स्तु शरैर्धनंजयः पदाहतो नागइव श्वसन बली I बाणेन बाणेन महारथां विच्छेद चापानिरणे प्रसह्य ॥१॥
સંજયે કહ્યું-જયારે તમારા સૈનિકોએ બાણોનો પ્રહાર કરવા મંડ્યો,ત્યારે બળવાન અર્જુને પાદપ્રહારને પામેલા સર્પની જેમ ફૂંફાડો મારીને,એકેક બાણ મૂકીને સર્વ મહારથીઓને ધનુષ્યોને એકદમ કાપી નાંખ્યાં ને તેઓનો એક સાથે જ નાશ કરી નાખવાનો નિશ્ચય કરીને તેઓને બાણો વડે વીંધવા લાગ્યો.અર્જુનથી મરાયેલા રાજાઓના મસ્તકો રણભૂમિ પર પડવા લાગ્યા.ત્યારે ત્રિગર્ત રાજ સુશર્મા,પોતાના બત્રીસ પૃષ્ઠરક્ષકોથી ઘેરાઈ ત્યાં આવી પહોંચ્યો ને તે સર્વેએ અર્જુન પર બાણોની વૃષ્ટિ કરી.
ત્યારે ક્રોધાયમાન થયેલા અર્જુને સાઠ બાણો છોડીને તે પૃષ્ઠરક્ષકોને હણી નાખ્યા.ને આગળ વધવા લાગ્યો.
પોતાના બંધુવર્ગોને મરેલા જોઈને સુશર્મા,બીજા રાજાઓને રણમાં આગળ કરીને અર્જુન સામે ધસ્યો.તે વખતે અર્જુનની રક્ષા કરવાની ઈચ્છાથી શિખંડી વગેરે યોદ્ધાઓ અર્જુનના રથ આગળ ધસી આવ્યા.સુશર્માને લઈને પોતાની સામે આવતા રાજાઓને જોઈને અર્જુન તે રાજાઓનો સંહાર કરવા લાગ્યો ને ભીષ્મ તરફ આગળ વધવા લાગ્યો.ત્યારે તેણે,પોતાને અટકાવવા આવતા દુર્યોધન અને જયદ્રથ વગેરેને જોયા.તેઓની સાથે યુદ્ધ કરીને તેને પાછા હટાવીને અર્જુન ભીષ્મ સામે જઈ પહોંચ્યો.તે વખતે યુધિષ્ઠિર પણ ભીમ,નકુલ અને સહદેવ સહીત ભીષ્મ સામે યુદ્ધ કરવા જવા લાગ્યા.સર્વ પાંડવોને સામે આવેલા જોઈને,યુદ્ધકળામાં કુશળ એવા ભીષ્મ જરાયે ગભરાયા નહિ.
એટલામાં જયદ્રથ ત્યાં આવી પહોંચ્યો અને તે મહારથીઓને ધનુષ્યને કાપી નાખ્યા.દુર્યોધને પણ અગ્નિસમાન બાણો,પાંડવો તરફ મૂકીને તેમની પર પ્રહાર કર્યો.કૃપાચાર્ય,શલ્ય,શાલ,ચિત્રસેન વગેરે યોદ્ધાઓએ પણ ક્રોધપૂર્વક બાણોનો પ્રહાર કરીને પાંડવોને વીંધવા લાગ્યા.એ સમયે ભીષ્મે શિખંડીનું ધનુષ્ય કાપી નાખ્યું ત્યારે યુધિષ્ઠિર તેને કહ્યું કે-'તેં તારા પિતાની સમક્ષ મને કહ્યું હતું કે હું ભીષ્મને અવશ્ય મારીશ.તો તે પ્રતિજ્ઞાને આજે તું સફળ કેમ કરતો નથી? તું કયા કારણથી ભીષ્મથી ડરી ગયો છે?'
યુધિષ્ઠિરનાં વચનો સાંભળીને શિખંડી,ભીષ્મનો વધ કરવા ધસ્યો ત્યારે શલ્યે,ઘોર અસ્ત્ર મૂકી તેને રોકી રાખ્યો.સામે શિખંડીએ શલ્યના અસ્ત્રને વ્યર્થ કરનારું,વારુણાસ્ત્ર મૂક્યું,જેના પ્રભાવથી શલ્યનું અસ્ત્ર પાછું પડ્યું.
તે સમયે,ભીષ્મે,યુધિષ્ઠિરનું અદભુત ધનુષ્ય અને તેમની ધ્વજાને છેદી નાખ્યાં અને વીર ગર્જના કરી.યુધિષ્ઠિરની સ્થિતિ જોઈને,ધનુષ્યબાણનો ત્યાગ કરીને હાથમાં ગદા લઈને વચ્ચે ઉભેલા જયદ્રથ રાજા સામે યુદ્ધ કરવા ધસ્યો.સામે કાળની જેમ ધસી આવતા ભીમને જોઈને જયદ્રથે પાંચસો બાણોથી ભીમને વીંધવા માંડયો ત્યારે તેની પરવા કર્યા વિના ભીમે જયદ્રથના ઘોડાઓને ફૂટી પાડ્યા ને જયદ્રથ તરફ તે ધસતો હતો ત્યારે ચિત્રસેન તેની સામે ધસી આવ્યો.કાળદંડ સમાન ઉગામેલી ભીમની ગદા જોઈને,તમારા બીજા પુત્રો તો ચિત્રસેનને ત્યાં મૂકીને નાસવા લાગ્યા.ભીમસેને ચિત્રસેનના રથ સામે ગદાનો ઘા કર્યો,ત્યારે લેશમાત્ર પણ નહિ ગભરાયેલો ચિત્રસેન તલવાર અને ઢાલને લઈને રથમાંથી કૂદી પડ્યો. એટલામાં તો તે ગદા ચિત્રસેનના રથ પર આવી પડી અને સારથી અને ઘોડાઓનો નાશ કર્યો.તમારા પક્ષના યોદ્ધાઓ ચિત્રસેનના પરાક્રમનું વખાણ કરવા લાગ્યા (40)
અધ્યાય-85-સમાપ્ત