અધ્યાય-૮૬-સાતમો દિવસ સમાપ્ત-પાંડવોનો જય
॥ संजय उवाच ॥ विरथं तं समासाद्य चित्रसेन यशस्विन I रथमारोपयासाम विकर्णस्तनयस्तन ॥१॥
સંજયે કહ્યું-એ પ્રમાણે રથ વગરના થયેલા તે ચિત્રસેન પાસે આવીને વિકર્ણે તેને પોતાના રથ પર બેસાડી દીધો.પછી,તે સંકુલયુદ્ધે અત્યંત તુમુલ સ્વરૂપ જયારે પકડ્યું ત્યારે ભીષ્મ એકદમ યુધિષ્ઠિર તરફ ધસી ગયા.તે વખતે સર્વ કંપી ઉઠ્યા ને યુધિષ્ઠિરને મૃત્યુના મુખમાં આવેલા માનવા લાગ્યા.યુધિષ્ઠિર પણ નકુલ અને સહદેવની સાથે ભીષ્મ સામે આવી જઈને હજારો બાણો મૂકી ભીષ્મને છાઈ દીધા.સામે ભીષ્મે પણ બાણોનો સમૂહ છોડીને યુધિષ્ઠિરને ચારે બાજુથી અદશ્ય કરી દીધા.યુધિષ્ઠિરે ભીષ્મ તરફ સર્પ સમાન ઝેરી નારાચ બાણ છોડ્યું,જેને ભીષ્મે ક્ષુરપ્ર બાણથી વચ્ચે જ છેદી નાખ્યું અને બીજા બાણોથી યુધિષ્ઠિરના ઘૉડાઓનો સંહાર કર્યો.ત્યારે યુધિષ્ઠિર નકુલના રથ પર ચડી ગયા.
પછી,ભીષ્મે ક્રોધ કરીને સહદેવ નકુલ પર બાણો છોડીને તેમને છાઈ દીધા.ત્યારે યુધિષ્ઠિર તેમની ચિંતા કરવા લાગ્યા ને 'ભીષ્મને મારો,મારો' એવી સર્વ રાજાઓને આજ્ઞા કરી.એટલે સર્વ રાજાઓ તેમને ઘેરી વળ્યા ને તેમની પર બાણોની વર્ષા કરવા લાગ્યા.ચારે બાજુથી ઘેરાયેલા ભીષ્મ,પોતાના ધનુષ્યથી ક્રીડા કરતા,સર્વને પાડવા જ મંડ્યા.ભીષ્મની રણમાં ઘુમવાની ગતિને સર્વ જોઈ જ રહ્યા.ભીષ્મની સામે ધસી આવેલા રાજાઓના મસ્તકો કપાઈ કપાઈને પૃથ્વી પર પડતાં હતા.એ પ્રમાણે આ તુમુલ યુધ્ધે ભયંકર સ્વરૂપ પકડ્યું ત્યારે સર્વ સૈન્યો મિશ્ર થઇ ગયાં.શિખંડી જયારે ભીષ્મ સામે ધસ્યો ત્યારે ભીષ્મે તેના સ્ત્રીપણાનો વિચાર કરી તેનો યુદ્ધમાં અનાદર કર્યો ને સૃન્જયો સામે યુદ્ધ કરવા ધસ્યા.ને તેમનું તુમુલ યુદ્ધ ચાલુ થયું.
બીજી તરફ,ધૃષ્ટદ્યુમ્ન ને સાત્યકિ શક્તિ ને તોમરોની વૃષ્ટિ કરીને તમારા સૈન્યને અત્યંત પીડી રહ્યા હતા ને મોટો સંહાર કરી રહ્યા હતા ત્યારે સૈન્યમાં કેર વર્તાઈ રહ્યો ને બુમાબુમ થવા લાગી.એ વખતે એકદમ વીંદ અને અનુવીંદ ઝડપથી ત્યાં આવી પહોંચ્યા અને ધૃષ્ટદ્યુમ્નના ઘોડાઓને મારી નાખ્યા.ઘોડા વગરનો થયેલો ધૃષ્ટદ્યુમ્ન એકદમ સાત્યકિના રથ પર ચડી ગયો.તે વખતે યુધિષ્ઠિર મોટી સેના સહીત તે અવંતીકુમારો પર ચડી આવ્યા.સામે દુર્યોધન સાવધ થઈને તે બંને અવંતીકુમારોનું રક્ષણ કરતો તેમને ઘેરીને ઉભો રહ્યો.બીજી બાજુ અર્જુન ક્રોધાયમાન થઈને યોદ્ધાઓનો સંહાર કરતો હતો.સામે દ્રોણ સર્વ પંચાલ યોદ્ધાઓનો નાશ કરી રહ્યા હતા.તમારા પુત્રો ભીષ્મને વીંટાઇને તેમનું રક્ષણ કરતા હતા,
ત્યાર પછી જયારે સૂર્યનારાયણ લાલ વર્ણના થઇ ગયા ત્યારે દુર્યોધન,સર્વ યોદ્ધાઓને 'ઉતાવળ કરો' એમ કહી રહ્યો હતો.
સૂર્ય જયારે અસ્તાચળ પર્વત પર આરૂઢ થયા ત્યારે શિયાળો ને ભૂતોનાં ટોળાંઓથી ભરપૂર તે રણસંગ્રામ અતિ ભયંકર જણાવા લાગ્યો.રાક્ષસો,પિશાચો અને બીજાં માંસાહારી પ્રાણીઓ ચારે બાજુ સેંકડો ને હજારો જોવામાં આવતાં હતાં.તે વખતે અર્જુન,સુશર્મા અને બીજા રાજાઓને જીતીને પોતાની છાવણી તરફ પાછો વળ્યો.તેજ રીતે યુધિષ્ઠિર અને ભીમ પણ સહદેવ નકુલને લઈને છાવણી તરફ પાછા વળ્યા.સામે દુર્યોધન પણ ભીષ્મ-આદિ સર્વ યોદ્ધાઓને લઈને છાવણી તરફ પાછો ફર્યો.
આવી રીતે રાત્રિ થતાં પાંડવો અને કૌરવોનો સૈન્યો છાવણીમાં જઈને વિશ્રામ લેવા લાગ્યા.
અધ્યાય-86-સમાપ્ત