Nov 3, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-970

 

અધ્યાય-૮૭-આઠમો દિવસ-સૈન્યોની વ્યૂહરચના 


॥ संजय उवाच ॥ परिणाना निशां तां तु सुखं प्राप्ताजनेश्वराः I कुरवः पांडवाश्चैव पुनर्युध्धाय निर्ययु:॥१॥

સંજયે કહ્યું-એ રાત્રિને વિતાવીને સુખ પામેલા કૌરવ અને પાંડવ પક્ષના રાજાઓ ફરી યુદ્ધ કરવા નીકળી પડ્યા.ત્યારે સમુદ્રના ઘુઘવાટા સમાન મહાન શબ્દ થઇ રહ્યો.દુર્યોધન,ચિત્રસેન,વિવીંશાંતિ,ભીષ્મ,દ્રોણ-વગેરે એકત્ર થઈને સાવધાનીપૂર્વક વિચાર કરીને ભીષ્મે મહાસાગર નામનો વ્યૂહ રચ્યો.તેઓ પોતે માલવો,આવંત્યો આદિ રાજાઓ સહીત મોખરે રહ્યા,તેમની પાછળ માલવ-આદિ યોદ્ધાઓ સાથે દ્રોણ રહ્યા.મગધ,કલિંગ-આદિ રાજાઓ સાથે ભગદત્ત તેમની પાછળ રહ્યો.તેની પાછળ મેકલ,ત્રૈપુર આદિ યોદ્ધાઓ સહીત બૃહદબલ ઉભો.તેની પાછળ કામ્બોજ અને યવન યોદ્ધાઓ સાથે સુશર્મા (ત્રિગર્ત) ઉભો.તેની પાછળ અશ્વત્થામા ને તેની પાછળ દુર્યોધન ભાઈઓથી વીંટાઇને કૃપાચાર્ય ઉભા હતા.

એ મહા સાગરવ્યૂહને જોઈને યુધિષ્ઠિરના કહેવાથી ધૃષ્ટદ્યુમ્ને 'શૃંગાર'નામનો વ્યૂહ રચ્યો.જેના શૃંગભાગમાં ભીમસેન તથા સાત્યકિ અનેક હજાર રથો-આદિ સહીત ઉભા.તેમની પાછળ અર્જુન અને મધ્યભાગમાં યુધિષ્ઠિર,નકુલ,સહદેવ ઉભા.

તેઓની પાછળ પોતપોતાના સૈન્યો સહીત અનેક રાજાઓ ઉભા.પછી,અભિમન્યુ,વિરાટરાજા,દ્રૌપદીના પાંચ પુત્રો,ઘટોત્કચ આદિ ઉભા રહ્યા.આ રીતે બંને પક્ષે વ્યૂહરચના થઈ,ને યુદ્ધ કરવાની ઈચ્છાથી તે બંને સૈન્યો સામસામે આવી ઉભા રહ્યા.


બંને પક્ષના ભેરીઓના શબ્દોથી,શંખનાદોથી,સિંહનાદોથી તથા ઊંચેથી કરાયેલા બુમરાણોથી દિશાઓ ગાજી રહી.અંતે એકબીજાને નામોચ્ચારથી બોલાવીને યોદ્ધાઓ યુદ્ધ કરવા લાગી ગયા.પરસ્પરને પ્રહાર કરતા તેઓનું તુમુલ યુદ્ધ શરુ થયું.

બંને સેના ચારે બાજુથી અન્યોન્ય સામે ધસારો કરતી હતી.પોતપોતાના રથોને એકદમ સામસામા દોડાવી મૂકતાં તેમના ધૂંસરાઓ અથડાઈ રહ્યાં હતાં.સામસામે લડી રહેલા હાથીઓનાં દંતશૂળો ઘસવાથી ધુમાડા સહીત અગ્નિ ઉત્પન્ન થતો હતો.ભાલાઓથી માર્યા ગયેલા હાથી યોદ્ધાઓ હાથી પરથી ગબડતા દેખાતા હતા.નખરો ને પ્રાસોથી પરસ્પર યુદ્ધ કરતા પાળાઓ મોટેથી બૂમો પાડીને પરસ્પરનો સંહાર કરતા હતા.આવી રીતે કૌરવ અને પાંડવ સૈનિકો એકબીજા સામે આવીને અનેક પ્રકારનાં અસ્ત્રોનો ઘોર પ્રહાર કરી સંહાર કરી રહ્યા હતા.તેટલામાં દિશાઓને ગજાવતા ભીષ્મ યુદ્ધ કરવા માટે આગળ ધસી આવ્યા.ત્યારે સાવધાન થયેલા ધૃષ્ટદ્યુમ અને પાંડવ પક્ષના યોદ્ધાઓ પણ ભયંકર શબ્દની ગર્જના કરતા આગળ ધસી આવ્યા.ને તુમુલ યુદ્ધની શરૂઆત થઇ.જેમાં એકબીજાના સૈન્યો,યોદ્ધાઓ,હાથીઓ રથો-આદિ  સેળભેળ થઇ ગયેલા દેખાતા હતા. (40)

અધ્યાય-87-સમાપ્ત