Page list

Nov 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-981

 

અધ્યાય-૯૮-દુર્યોધન પ્રત્યે ભીષ્મવચન 


॥ संजय उवाच ॥ वाक्शल्यैस्तव पुत्रेण सोतिविद्वो महामनाः I दुःखेन महाविष्टो नोवाचाप्रियमन्वपि हता ॥१॥

સંજયે કહ્યું-તમારા પુત્રનાં વચનબાણથી અત્યંત વીંધાયેલા ઉદાર મનવાળા ભીષ્મપિતામહને ઘણું દુઃખ લાગ્યું,પણ તેમણે જરા પણ અપ્રિય વચન કહ્યું નહિ.દુઃખ અને ક્રોધથી યુક્ત થયેલા પિતામહે સર્પની જેમ નિશ્વાસ નાખી લાંબા કાળ સુધી વિચાર કર્યો ને પછી દુર્યોધનને કહ્યું કે-'હે દુર્યોધન,તું શા માટે મને વચનબાણથી વીંધી નાખે છે?હું યથાશક્તિ યુદ્ધમાં જોડાયો છું,હંમેશા તારું પ્રિય કરું છું ને પ્રાણોની આહુતિ આપવા તૈયાર થયો છું.પરંતુ શૂરવીર અર્જુને યુદ્ધમાં ઇન્દ્રનો પણ પરાજય કરીને ખાંડવવનમાં અગ્નિને તૃપ્ત કર્યો હતો તે જ તેના અજિતપણા માટે સંપૂર્ણ પ્રમાણ છે.

ગંધર્વોએ તારું અપહરણ કર્યું ત્યારે અર્જુને તને છોડાવ્યો હતો,તે સમયે કર્ણ અને બીજા પલાયન થઇ ગયા હતા-એ પણ તેને માટે પ્રમાણ છે.વિરાટનગરમાં તે એકલો જ આપણા બધાની સામે યુદ્ધ કરવા આવેલો ને મને અને દ્રોણને જીતીને આપણા બધાના કપડાં ઉતારીને લઇ ગયો હતો-એ પણ પૂરેપૂરું પ્રમાણ છે.ઇન્દ્ર જેને જીતી શક્યો નહોતો તે નિવાત-કવચને અર્જુને રણમાં જીત્યો હતો તે તેના અજેયપણાની પુરેપુરી નિશાની છે.જગતનું રક્ષણ કરનારા,દેવના દેવ સનાતન પરમાત્મા શ્રીકૃષ્ણ જેઓનું રક્ષણ કરે છે તેમને યુદ્ધમાં કોણ જીતનાર છે? 


નારદ મુનિએ તને ઘણી વખત કહ્યું પણ અજ્ઞાનને લીધે તું આ સમજી શકતો નથી.તું બધું વિપરીત જ દેખે છે.તેં હાથે કરીને જ પાંડવો સામે મહાન વૈર કરેલું છે,તો હવે તું તેમની સામે યુદ્ધ કર અને પુરુષ થા,જેથી અમે તારું પરાક્રમ જોઈએ તો ખરા.

હે દુર્યોધન,હું તો શિખંડી સિવાયના સર્વ પાંચાલો અને સોમકોનો વધ કરીશ અને જો આ યુદ્ધમાં તેઓ મને હણશે તો હું સ્વર્ગે જઈશ અથવા જો હું તેમને હણીશ તો તને પ્રસન્ન કરીશ.શિખંડી વાસ્તવિક રીતે સ્ત્રી છે એટલે મારા પ્રાણ જશે તો પણ તેને હું નહિ હણું.હવે તું સુખેથી સુઈ જા.આવતી કાલે હું એવું મહાન યુદ્ધ કરીશ કે જેને લોકો આ પૃથ્વી રહેશે ત્યાં સુધી વખાણશે'


તમારા પુત્રને પિતામહે એ પ્રમાણે કહ્યું ત્યારે દુર્યોધન તેમને પ્રણામ કરીને પોતાના તંબુ તરફ વિદાય થયો.તે રાત્રિના વીત્યા પછી સવાર થતા તેણે સર્વ રાજાઓને આજ્ઞા કરી કે-'સેનાને સજ્જ કરો,ક્રોધાયમાન ભીષ્મ આજે સર્વ સોમકોનો સંહાર કરશે.'

પછી,તેણે દુઃશાસનને ભીષ્મના રક્ષણ માટે સર્વ સૈન્યને હુકમ આપી દેવાનું કહ્યું.આમ,દુર્યોધનની આજ્ઞાથી સર્વ મહારથીઓ અનેક રથો લઈને ચારે બાજુથી ભીષ્મને વીંટાઈ વળ્યા ને યુદ્ધમાં સર્વેએ પ્રયાણ કર્યું.યુદ્ધમાં આવી દુર્યોધને ફરીથી દુઃશાસનને કહ્યું કે-'યુધામન્યુ અર્જુનના ડાબા પડખાનું અને ઉત્તમૌજા જમણા વિભાગનું રક્ષણ કરતો ઉભો છે.ને અર્જુન શિખંડીનો રક્ષક થયો છે.અર્જુન રક્ષણ તળેનો શિખંડી આપણી બેદરકારીનો લાભ લઈને ભીષ્મને મારી ન જાય તેની તમે વ્યવસ્થા કરો.'

પછી,અનેક રથોથી વીંટાયેલા ભીષ્મને જોઈને અર્જુન ધૃષ્ટદ્યુમ્નને કહેવા લાગ્યો કે-'આજે શિખંડીને ભીષ્મની આગળ ઉભો રાખો,હું તેના રક્ષક તરીકે રહીશ' (47)

અધ્યાય-98-સમાપ્ત