અધ્યાય-૯૯-નવમો દિવસ-વ્યૂહરચના
॥ संजय उवाच ॥ ततः शांतनवो भीष्मो निर्ययौ सहसेनया I व्यूहं चाव्युहत महत्सर्वतो भद्र्मात्मनः ॥१॥
સંજયે કહ્યું-પછી,શાન્તનુકુમાર ભીષ્મ,સૈન્ય સહિત આગળ નીકળ્યા.એ વેળા એમણે સર્વતોભદ્ર નામનો મહાવ્યૂહ રચ્યો હતો.
હે ભારત,કૃપાચાર્ય,કૃતવર્મા,શૈલ્ય,શકુનિ,જયદ્રથ,સુદક્ષિણ અને તમારા પુત્રો સહીત ભીષ્મ-એ બધા સર્વ સૈન્યોની આગળ થઈને વ્યુહના મોખરામાં ઉભા રહ્યા.તેમ જ દ્રોણ,ભૂરિશ્રવા,શલ્ય ને ભગદત્ત જમણા પડખાંનો આશ્રય કરી ઉભા રહ્યા.અશ્વત્થામા,સોમદત્ત અને અવંતિના બે કુમારો મોટી સેનાને સાથે રાખી વ્યુહના ડાબા પડખે ઉભા રહ્યા હતા.ત્રિગર્તોથી વીંટાયેલો દુર્યોધન વ્યુહના મધ્ય ભાગમાં આવી પાંડવો સામે ઉભો રહ્યો.અલંબુશ ને સૃતાયુષ સર્વ સૈન્યની પાછળ ઉભા રહ્યા.
ત્યારે પેલી તરફ યુધિષ્ઠિર,ભીમ,નકુલ,સહદેવ-કવચો ધારણ કરીને વ્યૂહમાં આગળ ઉભા રહ્યા હતા.ધૃષ્ટદ્યુમ્ન,વિરાટરાજા,
સાત્યકિ-આદિ મહારથીઓ મોટી સેના સહીત ત્યાં ઉભા હતા.શિખંડી,વિજય,ઘટોત્કચ,ચેકિતાન,કુંતીભોજ-આદિ મોટી સેના સાથે અગ્રભાગમાં જ ઉભા હતા.અભિમન્યુ,દ્રુપદ,યુયુધાન,યુધામન્યુ,કેકય ભાઈઓ આદિ પણ યુદ્ધ કરવા માટે ગોઠવાઈ ગયા.
પછી,હે રાજન, તમારા પક્ષના રાજાઓ સાવધ થઈને પોતપોતાની સેના સાથે ભીષ્મને આગળ કરીને પાંડવો સામે ધસવા લાગ્યા.સામે ભીષ્મ સામે યુદ્ધની ઈચ્છા કરતા પાંડવો પણ ભીમસેનને આગળ કરીને તમારા સૈન્ય સામે ધસી આવ્યા.
મૃદંગ,શંખ,દુંદુભિ,ભેરી-આદિના નાદો ને સૈન્યના સિંહનાદોથી વાતાવરણમાં મોટો શબ્દ થયો,ને યુદ્ધની શરૂઆત થઇ.
એ વેળા,શબ્દપૂર્વક પૃથ્વી કંપવા લાગી.ભયંકર શબ્દ કરતાં પક્ષીઓ આમતેમ ભમવા લાગ્યા.ઉદય પામેલો સૂર્ય જાણે નિસ્તેજ થઇ ગયો.મહાન ભય ઉત્પન્ન થવાનો છે-એમ સૂચવતો તીક્ષણ વાયુ વાવા લાગ્યો.શિયાળવાં ભયંકર બૂમોથી શોર કરવા લાગ્યા.જાણે ચારે દિશાઓ સળગી ઉઠી,ધૂળનો વરસાદ પડવા લાગ્યો.હાથી,ઘોડા વગેરે ભયથી મળમૂત્ર કરવા લાગ્યા.મનુષ્ય આહારી રાક્ષસોના છુપા શબ્દો થવા લાગ્યા.મોટા અવાજથી કૂતરાં રડવા લાગ્યાં,મહાન ભયને સૂચવતી ઉલ્કાઓ એકાએક પૃથ્વી પર પડવા લાગી.બંને સૈન્યો આ ઉત્પાતોના દેખાવથી કંપી ઉઠ્યાં.ને તુમુલ શબ્દ થઇ રહ્યો.(30)
અધ્યાય-99-સમાપ્ત
