Nov 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-983

 

અધ્યાય-૧૦૦-નવમો દિવસ (ચાલુ) અભિમન્યુનો ઝપાટો 


॥ संजय उवाच ॥ अभिमन्यु रथोदारः पिशन्गैस्तुरगौतमेः I अभिदुद्राव तेजस्वी दुर्योधनबलंमहत् ॥१॥

મહારથી ને તેજસ્વી અભિમન્યુ,પીળા રંગના ઉત્તમ ઘોડાઓવાળા રથમાં બેસીને દુર્યોધનના મહાન સૈન્ય સામે ધસી આવ્યો.બાણોનો વરસાદ વરસાવતા,તેને કોઈ પણ યોદ્ધાઓ અટકાવી શક્યા નહિ.તે અર્જુનપુત્ર,રથીઓ સહીત રથોને,ઘોડેસ્વારો સહીત ઘોડાઓને ને માવતો સહીત હાથીઓને મારી તોડી પાડતો હતો.જેમ,વાયુ રૂના ઢગલાને ચારે બાજુ ઉરાડી મૂકે તેમ,તે અભિમન્યુએ તમારા સૈન્યોને ચારે દિશામાં નસાડી મૂક્યાં.તેને કોઈ પણ યોદ્ધાઓ સહન કરી શક્યા નહિ.કૃપ,દ્રોણ,અશ્વત્થામા,બૃહદબલ અને જયદ્રથને મોહ પમાડી દઈ,ઘણી ઝડપથી અભિમન્યુ સૈન્યમાં ઘૂમી રહ્યો હતો.

અભિમન્યુનું પરાક્રમ જોઈને ત્યાં રહેલા ક્ષત્રિયો 'શું આ જગતમાં બે અર્જુન હશે?'એમ માનવા લાગ્યા.એમ તમારા મહાન સૈન્યને નસાડી મૂકીને તથા મહારથીઓને કંપાવી દઈને,અભિમન્યુએ પોતાના મિત્રોને પ્રસન્ન કર્યા.ભાગતા સૈન્યના સમુદ્રસમાન ઘોર શબ્દોને સાંભળીને,દુર્યોધન રાક્ષસ અલંબુશને જઈને કહેવા લાગ્યો કે-'હે મહાબાહો,જાણે બીજો અર્જુન જ ન હોય તેવો  આ અભિમન્યુ આપણી સેનાને નસાડી રહ્યો છે,તમારા સિવાય બીજો કોઈ યોદ્ધો તેની સામે ટકી શકશે નહિ,તો તમે સત્વર જઈને તે અભિમન્યુને હણી નાખો,ભીષ્મ,દ્રોણ વગેરે અમે અર્જુનનો નાશ કરીશું'


દુર્યોધનની આજ્ઞા થતાં,તે અલંબુશ રાક્ષસ મેઘના જેવી મોટી ગર્જના કરીને તુરત જ યુદ્ધ કરવા નીકળી પડયો.તેની ગર્જના માત્રથી જ ઘણા યોદ્ધાઓ,ભયથી પૃથ્વી પર ઢળી પડ્યા,ત્યારે અભિમન્યુ,ઉલટો આનંદમાં આવી જઈને તે રાક્ષસ સામે ધસી ગયો.ક્રોધાયમાન રાક્ષસે આવીને પાંડવોના સૈન્યનો ઘાણ વાળવા માંડ્યો.હજારો બાણો મૂકીને તેણે અભિમન્યુની સેનાને હાંકી કાઢી.પાંડવોના સૈન્યનો ભારે નાશ કરીને તે મદદે આવેલા દ્રૌપદીના પુત્રો સામે ધસ્યો.ત્યારે તે પાંચેય ભાઈઓ તે રાક્ષસ પર તીક્ષ્ણ બાણોનો પ્રહાર કરીને તેને વીંધવા જ લાગ્યા.તીક્ષ્ણ બાણોથી વીંધાઈ ગયેલો તે રાક્ષસ મોટા સર્પની જેમ કોપી ઉઠ્યો.

તે મહારથીઓથી વીંધાયેલો તે રાક્ષસ એક મુહૂર્ત કાળ મૂર્છાને પામ્યો હતો પણ મૂર્છામાંથી જાગ્રત થઈને બમણા જુસ્સામાં આવી ગયેલા તેણે તે મહારથીઓનાં ધનુષ્યોને કાપી નાખ્યાં.ને પાંચેય પર પાંચ બાણોથી પ્રહાર કર્યો.


વળી,તે રાક્ષસે એકદમ ત્વરા કરીને તે પાંચેય ભાઈઓના ઘોડા ને સારથિઓને મારી નાખ્યા અને તીક્ષ્ણ બાણોનો પ્રહાર કરીને તે ભાઈઓને વીંધવા લાગ્યો ને તેમને મારી નાખવાની ઈચ્છાથી તેમની સામે ધસ્યો.ત્યારે તે ભાઈઓને સહાય કરવા અભિમન્યુ ત્યાં દોડી આવ્યો અને તેનું અને તે રાક્ષસનું તુમુલ યુદ્ધ શરુ થયું.ક્રોધથી પ્રદીપ્ત થયેલા તથા લાલચોળ આંખોવાળા તે યોદ્ધાઓ પ્રલાયકાળના અગ્નિ સમાન દેખાતા હતા.જેમ,પૂર્વે ઇન્દ્ર અને શમ્બરાસુર દૈત્યનો મહાઘોર સમાગમ થયો હતો,તેમ,એ બંને જણાનો સમાગમ પણ અતિ કડવાં પરિણામવાળો થયો (54)

અધ્યાય-100-સમાપ્ત