અધ્યાય-૧૦૧-નવમો દિવસ (ચાલુ) અલંબુશ તથા અભિમન્યુની ઝપાઝપી
॥ धृतराष्ट्र उवाच ॥ आर्जुनिं समरे शूरं विनिघ्नन्तं महारथान I अलम्बुष: कथं युद्धे प्रत्ययुध्यत संजय ॥१॥
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,એ યુદ્ધમાં અભિમન્યુ સામે તે રાક્ષસ અલંબુશે કેવી રીતે યુદ્ધ કર્યું?વળી,એ યુદ્ધમાં
મારાં સૈન્યોએ શું કર્યું? અર્જુન-આદિ પાંડવોએ કેવું યુદ્ધ કર્યું? તે સર્વ મને કહી સંભળાવ,તું બહુ જ કુશળ છે.
સંજયે કહ્યું-રાક્ષસ અલંબુશ અને અભિમન્યુ વચ્ચે રૂવાં ઊભાં કરી નાખે તેવો સંગ્રામ થયો.તે રાક્ષસ અભિમન્યુ સામે 'ઉભો રહે' એમ કહીને વેગપૂર્વક અભિમન્યુ સામે ધસ્યો ત્યારે સિંહની જેમ ગર્જના કરતો અભિમન્યુ પણ પોતાના પિતાના કટ્ટર શત્રુ તે રાક્ષસ સામે ધસ્યો.તે બંને જણામાં રાક્ષસ માયાવી હતો તો અર્જુનપુત્ર દિવ્ય અસ્ત્રોને જાણનારો હતો.જયારે અભિમન્યુએ તે રાક્ષસને બાણોના પ્રહાર કરીંને વીંધી નાખ્યો,ત્યારે સામે રાક્ષસે પણ તેને નવ બાણો વડે છાતી પર પ્રહાર કરીને વીંધ્યો.બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું.છેવટે જયારે અભિમન્યુએ મજબૂત ગાંઠાવાળા બાણો મૂકીને તે રાક્ષસ અલંબુશને યુદ્ધમાંથી વિમુખ કર્યો.
ત્યારે તે રાક્ષસે તામસી માયા પ્રગટ કરી કે જેથી સર્વ સૈનિકો અંધકારથી ઘેરાઈ ગયા.
ઘોર અંધકાર જોઈને અભિમન્યુએ અતિઉગ્ર એવું સૂર્યાસ્ત્ર પ્રગટ કર્યું,કે જેથી ત્યાં પ્રકાશ ફેલાઈ રહ્યો.પછી અભિમન્યુએ અનેક બાણો મૂકી તેને છાઈ દીધો ને સર્વ અસ્ત્રોના જાણનારા અભિમન્યુએ,રાક્ષસે કરેલી સર્વ માયાઓનો નાશ કરી નાખ્યો.બાણોના મારથી ત્રાસીને તે રાક્ષસ પોતાના રથને પણ ત્યાં છોડીને ત્યાંથી નાસી ગયો.આમ તે રાક્ષસને જીતીને અભિમન્યુ શત્રુ સૈન્યનો ઘાણ વાળવા માંડ્યો.નાસતા સૈન્યને જોઈ ભીષ્મે અને બીજા મહારથીઓએ તે અભિમન્યુને ચારે બાજુથી ઘેરી લીધો.ત્યારે તે અભિમન્યુ પોતાના મામા કૃષ્ણ અને અર્જુનના સરખું પરાક્રમ કરવા લાગ્યો,ને તે સર્વ સામે અનેક બાણોથી પ્રહારો કર્યા.
પુત્રને સહાય કરવા આવી પહોંચેલા અર્જુને પણ આવીને સૈનિકોનો સંહાર કરવા મંડ્યો ત્યારે ભીષ્મ અર્જુન સામે ધસ્યા.ભીષ્મનું રક્ષણ કરતા કૃપાચાર્યે અર્જુન પર પચીસ બાણોનો પ્રહાર કર્યો ત્યારે સાત્યકિ ત્યાં આવી ગયો ને અર્જુનનું પ્રિય કરવા કૃપાચાર્યને વીંધવા માંડ્યો.કૃપાચાર્યએ પણ સામા પ્રહારો કર્યા ત્યારે સાત્યકિએ કૃપાચાર્યનો નાશ કરી નાખે તેવું એક બાણ સાંધ્યુ,તે બાણને આવતું જોઈને અશ્વત્થામાએ તેને વચમાંથી જ છેદી નાખ્યું.એટલે સાત્યકિ કૃપાચાર્યને છોડીને અશ્વત્થામા સામે આવી ગયો.ને તેના ધનુષ્યને કાપી નાખી તેની છાતીમાં ભયંકર પ્રહાર કર્યો કે જેની પીડાથી અશ્વસ્થામા રથની બેઠક પર બેસી ગયો.થોડી વારે સ્વસ્થ થઈને તેણે સાત્યકિ પર નારાચ બાણોનો પ્રહાર કરી સાત્યકિની છાતીને વીંધી,ને બીજા બાણથી સાત્યકીના રથની ધ્વજાને ઉડાડી દીધી ને સિંહગર્જના કરી અનેક બાણોથી પ્રહાર કરવા લાગ્યો.
સામે સાત્યકિએ પણ તેના આવતા બાણોનો નાશ કરીને હજાર બાણોથી તેને ઢાંકી દીધો.પોતાના પુત્રને ગ્રસ્ત થયેલો જોઈને દ્રોણાચાર્ય સાત્યકિ સામે ધસી આવ્યા ને સાત્યકિ પર બાણોનો પ્રહાર કરવા લાગ્યા.ત્યારે સાત્યકિએ અશ્વત્થામાનો ત્યાગ કરીને દ્રોણાચાર્ય પર કેવળ લોઢાનાં જ બનાવેલાં વીસ બાણોથી પ્રહાર કર્યો.એટલામાં તો ક્રોધાયમાન અર્જુન દ્રોણાચાર્ય સામે ધસી આવ્યો ને પછી,જેમ શુક્ર અને બુધનો સમાગમ થાય તેમ તે બંનેનો રણભૂમિ પર સમાગમ થયો.(59)
અધ્યાય-101-સમાપ્ત