Page list

Dec 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1013

નોંધ-19 ડીસેમ્બરથી 6 જાન્યુઆરી સુધી મહાભારતની નવી પોસ્ટ થઇ  શકશે નહિ. ક્ષમા પ્રાર્થના   

અધ્યાય-૭-દ્રોણનો સેનાપતિપદે અભિષેક 


II द्रोण उवाच II वेदं षड्गं वेदाहमर्थविद्यां च मानवीं I त्रैम्बकंथेष्वस्त्रं शस्त्राणि विविधानि च II १ II

દ્રોણ બોલ્યા-'હું વેદોને,વેદોનાં છ અંગોને,મનુએ કહેલી અર્થવિદ્યાને,શિવે આપેલાં અસ્ત્રને અને એ ઉપરાંત અનેક જાતનાં શસ્ત્રોને જાણું છું.જયની ઈચ્છાવાળા તમે મારામાં જેજે ગુણો કહયા છે તે બધાને દેખાડવાની ઈચ્છાથી હું પાંડવો સામે યુદ્ધ કરીશ પણ દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્નને હું આ રણસંગ્રામમાં કોઈ પણ રીતે મારી શકીશ નહિ કેમ કે તેને મારો વધ કરવા માટે જ ઉત્પન્ન કરવાં આવ્યો છે.હું સોમક યોદ્ધાઓનો નાશ કરતો રહીશ અને પાંડવોના સૈન્યો સામે યુદ્ધ કરીશ પણ પાંડવો હર્ષયુક્ત થઈને મારી સામે યુદ્ધ કરશે નહિ'

સંજય બોલ્યો-હે રાજન,દ્રોણાચાર્યે જયારે આમ કહ્યું ત્યારે તમારા પુત્રે તેમને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સેનાપતિ તરીકે નીમ્યા અને તેમનો સેનાપતિપદે અભિષેક કર્યો.કૌરવ સેનામાં વાદિત્રોના ઘોષથી તથા શંખોના મહાન શબ્દથી હર્ષ પ્રગટ થઇ રહ્યો.

પછી,મહારથી દ્રોણાચાર્યે સૈન્યોને વ્યૂહમાં ગોઠવી દીધાં ને યુદ્ધ કરવાની ઈચ્છાથી તમારા પુત્રોની સાથે પ્રયાણ કર્યું,

ત્યારે,સીંધુરાજ,કલિંગરાજ અને તમારો પુત્ર વિકર્ણ દ્રોણની જમણે પડખે રહ્યા.તેમની પાછળ,શકુનિ જતો હતો.

કૃપાચાર્ય,કૃતવર્મા,ચિત્રસેન,અને વિવિંશતિ,દુઃશાસનને મોખરે રાખીને દ્રોણના ડાબા પડખાનું રક્ષણ કરતા હતા.


તેમની પાછળ,સુદક્ષિણ વગેરે કામ્બોજ યોદ્ધાઓ જતા હતા.મદ્રો,ત્રિગર્તો-આદિ યોદ્ધાઓ દુર્યોધનને આગળ કરીને કર્ણની પાછળ જતા હતા.કર્ણ સર્વ ધનુર્ધારી યોદ્ધાઓની મોખરે હતો.તે કર્ણને જોઈને કોઈ ભીષ્મના પડવાનો શોક કરતું નહોતું.

સર્વ રાજાઓ આનંદમાં આવી ને માંહેમાંહે મોટેથી કહેવા લાગ્યા કે-'અરે કર્ણને યુદ્ધ કરવા આવેલો જોઈને પાંડવો રણમાં ઉભા રહેશે જ નહિ.કર્ણ તો ઇન્દ્રને જીતવામાં પણ સમર્થ છે તો આ તુચ્છ પરાક્રમવાળા પાંડવોને જીતે એમાં શું નવાઈ?

ભીષ્મે આ રણમાં પાંડવોનું રક્ષણ કર્યું છે પણ આ કર્ણ તો તે પાંડવોનો રણમાં નાશ કરશે જ.'

હે રાજન,તે સમયે દ્રોણાચાર્યે આપણા સૈન્યનો શકટ વ્યૂહ રચ્યો હતો.


સામે ધર્મરાજે,ક્રૉન્ચ વ્યૂહ રચ્યો હતો.તેમના સૈન્યના મોખરામાં શ્રીકૃષ્ણ અને અર્જુન ઉભા હતા અને અર્જુન,કર્ણને સામે જોઈને અન્યોન્યનો વધ કરવાને તલપી રહ્યા હતા.ત્યારે દ્રોણાચાર્યે યુદ્ધ માટે ત્વરિત પ્રયાણ કર્યું ને યુદ્ધની શરૂઆત થઇ ગઈ.

એકબીજા તરફ અત્યંત કોપાયમાન થયેલા અને જયની લાલસાથી તીવ્ર પ્રહાર કરતા તે એકબીજાને તીક્ષ્ણ શસ્ત્રોથી મારવા મચી પડ્યા.દ્રોણાચાર્યે તીક્ષ્ણ અસ્ત્રો  વરસાવવા લાગ્યા ત્યારે પાંડવો અને સૃન્જયો પણ બાણવૃષ્ટિ કરીને તેમની ટક્કર લેવા લાગ્યા.દ્રોણાચાર્યે પાંડવોની સેનાને એકદમ ખળભળાવી મૂકી અને તેમાં સખત ભંગાણ પાડ્યું.

આ યુદ્ધમાં દ્રોણાચાર્યે અનેક પ્રકારનાં દિવ્ય અસ્ત્રો પ્રગટ કરી,પાંડવ અને સૃન્જય યોદ્ધાઓને ગભરાવી મૂક્યા.તે પછી,દિવ્ય અસ્ત્રોનો જાણનાર ધૃષ્ટદ્યુમ્ન બાણોનો વરસાદ વરસાવી દ્રોણના સૈન્યને ભેદવા લાગ્યો ને દ્રોણની બાણવૃષ્ટિને ખાળવા લાગ્યો.દ્રોણે તે ધૃષ્ટદ્યુમ્ન પર બાણોની મહાવૃષ્ટિ છોડવા માંડી.દ્રોણાચાર્ય પાંડવોના સૈન્યમાં ઉંબાડિયાની જેમ એવા ઘૂમતા હતા કે તે બધાને આશ્ચર્ય જેવું જ જણાતું હતું.દ્રોણાચાર્યે તે વખતે શત્રુ સેનાનો સંહાર કરી મુક્યો.(54)

અધ્યાય-7-સમાપ્ત