અધ્યાય-૬-દુર્યોધને દ્રોણાચાર્યને આપેલું પ્રોત્સાહન
II संजय उवाच II कर्णस्य वचनं श्रुत्वा राजा दुर्योधनस्तदा I सेनामध्य गतं द्रोणमिदं वचनमब्रवीत II १ II
સંજય બોલ્યો-'ત્યારે કર્ણનાં એ વચન સાંભળીને દુર્યોધન,સેનાની મધ્યમાં ઉભેલા દ્રોણાચાર્યને કહેવા લાગ્યો કે-
'હે બ્રાહ્મણશ્રેષ્ઠ,ઉત્તમ બ્રાહ્મણવર્ણ,શ્રેષ્ઠ કુળમાં જન્મ,શાસ્ત્રાભ્યાસ,વય,બુદ્ધિ,પરાક્રમ,દક્ષતા,અજેયપણું,
અર્થજ્ઞાન,નીતિ,જપ,તપ,અને કૃતજ્ઞતા એ સર્વ ગુણોથી આપ વૃદ્ધ છો.આપ સમાન બીજો કોઈ પણ પુરુષ આ રાજાઓનો યોગ્ય રક્ષક નથી,માટે હે નિષ્પાપ,ઇન્દ્ર જેમ દેવોનું રક્ષણ કરે છે તેમ આપ અમારું રક્ષણ કરો.આપની આગેવાની હેઠળ અમે શત્રુઓને જીતવા ઇચ્છીએ છીએ.
જેમ,રુદ્રોમાં કાપાલી,જેમ,વસુઓમાં પાવક,જેમ યક્ષોમાં કુબેર,જેમ દેવોમાં ઇન્દ્ર,જેમ,વિપ્રોમાં વસિષ્ઠ,જેમ,તેજોમાં સૂર્ય,
જેમ,પિતૃઓમાં ધર્મરાજ,જેમ જળચરોમાં વરુણદેવ,જેમ,નક્ષત્રોમાં ચંદ્ર અને જેમ,દૈત્યોમાં શુક્રાચાર્ય શ્રેષ્ઠ છે તેમ,આપ સેનાપતિઓમાં શ્રેષ્ઠ છો,માટે આપ અમારા સેનાપતિ થાઓ.આ અગિયાર અક્ષૌહિણી સેનાઓ આપને વશ રહેનારી થાઓ.જેમ,ઇન્દ્ર દાનવોનો સંહાર કરે છે તેમ,આપ આ સેનાઓને વ્યુહબદ્ધ કરીને શત્રુઓનો સંહાર કરો.પૂર્વે,કાર્તિકસ્વામી જેમ,દેવોની આગળ ચાલ્યા હતા તેમ,આપ અમારી આગળ ચાલો.અમે બધા આપણી પાછળ ચાલીશું.ઉગ્ર ધનુષયવાળો અર્જુન પોતાના ધનુષ્યનો ટંકાર કરશે તો પણ આપને આગળ રહેલા જોઈને તે પ્રહાર કરશે નહિ.જો આપ મારા સેનાપતિ થશો તો હું આ યુદ્ધમાં યુધિષ્ઠિર અને તેના પરિવાર અને બાંધવો સાથે અવશ્ય જીતીશ'
સંજય બોલ્યો-દુર્યોધને જયારે આ પ્રમાણે કહ્યું ત્યારે સર્વ રાજાઓ મોટા સિંહનાદો કરીને તમારા પુત્રને હર્ષ પમાડવા લાગ્યા અને 'દ્રોણાચાર્યનો જય' એમ પોકારવા લાગ્યા.બીજા યોદ્ધાઓ પણ હર્ષમાં આવી દુર્યોધનને આગળ કરીને તેમજ મોટા યશની ઈચ્છા રાખીને દ્રોણાચાર્યના માનને વધારવા લાગ્યા.ત્યારે દ્રોણાચાર્યે દુર્યોધનને કહ્યું કે-
અધ્યાય-6-સમાપ્ત