Dec 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1011

અધ્યાય-૫-નવા સેનાપતિની યોજનાની ભાંજગડ 


II संजय उवाच II रथस्थं पुरुषव्याघ्रं द्रष्टा कर्णमवस्थितम् I हृष्टो दुर्योधनो राजन्निदं वचनमब्रवीत II १ II

સંજય બોલ્યો-હે રાજન,રથમાં બેઠેલા નરસિંહ કર્ણને પોતાની સામે આવેલો જોઈને દુર્યોધન હર્ષમાં આવી ગયો 

ને બોલ્યો-'હે કર્ણ,હવે તારા રક્ષણ તળે રહેલા મારા સૈન્યને હું સનાથ માનું છું.

હવે આપણે આગળ પર શું યોગ્ય અને હિતકારક કરવું જોઈએ તેનો તું વિચાર કર.'

કર્ણ બોલ્યો-'હે મહારાજ,તમે જ સૌથી બુદ્ધિમાન છો,માટે તમે જ અમને કહો,કેમ કે મુખ્ય સ્વામી કાર્યને 

કરી શકે જેવું જોઈ શકે તેવું બીજો કોઈ જોઈ શકતો નથી.અમે બધા તમારાં વચનને સાંભળવા ઇચ્છીએ છીએ.

તમે ન્યાય વિનાનું વચન નહિ જ બોલો એવું મારુ માનવું છે.


દુર્યોધન બોલ્યો-વય,પરાક્રમ અને શાસ્ત્રથી યુક્ત ભીષ્મપિતામહે,દશ દિવસ યુદ્ધ કરી શત્રુઓનો સંહાર કરીને આપણું રક્ષણ કર્યું.હવે તે સ્વર્ગે જવા નીકળયા છે તો તેમના પછી,તું કોને સેનાના નાયક માને છે?જેમ,નાવિક વિનાની નાવ,એક ઘડીભર પણ જળમાં ટકી શકતી નથી તેમ,નાયક વિનાની સેના પણ ઘડીભર યુદ્ધમમાં ટકી શકતી નથી.જેમ,સુકાની વિનાની હોડી અને સારથી વિનાનો રથ ગમે તેમ જાય,તેમ,સેનાપતિ વિનાનું સૈન્ય ફાવે તેમ નાસભાગ કરે છે.માટે તું મારા આ સર્વ મહાત્મા પુરુષોમાં ભીષ્મ પછી સેનાપતિ થાય તેવા યોગ્ય પુરુષને શોધી કાઢ.તું આ યુદ્ધમાં જે પુરુષને સેનાના નાયક તરીકે કહીશ તેને અમે બધા એકસાથે નીમીશું એમાં સંશય નથી'


કર્ણ બોલ્યો-આ સર્વ રાજાઓ,મહાપુરુષો છે અને સર્વે સેનાપતિપદને યોગ્ય જ છે એમાં કંઈ વિચારવાપણું નથી.પરંતુ તે બધાને કંઈ એકી સાથે સેનાપતિ નીમી શકાય નહિ,એટલે જેનામાં વિશેષ ગુણો હોય તેને જ સેનાપતિ કરવો જોઈએ.તમે જો એક્બીજાની સ્પર્ધા કરનારા આ રાજાઓમાંથી કોઈ એકને સેનાપતિ કરશો તો બાકીના બધા મનમાં ઉદાસ થઇ જશે.પછી તેઓ તમારા હિતસ્વી હોવા છતાં ચિત્ત રાખીને યુદ્ધ કરશે નહિ એ સ્પષ્ટ છે.માટે સર્વ યોદ્ધાઓના ગુરુ,વૃદ્ધ અને શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ એવા આ આચાર્ય દ્રોણને સેનાપતિ કરવા યોગ્ય છે.કેમકે જ્યાં સુધી દુર્ઘર્ષ એવા દ્રોણાચાર્ય ઉભા છે ત્યાં સુધી બીજો કયો પુરુષ સેનાપતિ થઇ શકે? હે રાજન,આ યોદ્ધાઓમાંથી એવો કોઈ પણ નથી કે જે યુધ્ધે ચડેલા દ્રોણાચાર્યની પાછળ ન જાય.

આ દ્રોણાચાર્ય,શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ છે,બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ છે અને તમારા ગુરુ છે,માટે તેમને તમે સેનાપતિ કરો (21)

અધ્યાય-5-સમાપ્ત