અધ્યાય-૪-ભીષ્મે કર્ણને યુદ્ધ કરવાની આજ્ઞા આપી
II संजय उवाच II तस्य लालप्यमानस्य कुरुवृद्ध: पितामह I देशकालोचितं यास्यमब्रवीन्प्रितमानसः II १ II
સંજય બોલ્યો-કર્ણે આ પ્રમાણે વારંવાર કહ્યું ત્યારે કુરુવૃદ્ધ પિતામહે પ્રસન્નચિત્ત થઈને દેશકાળને યોગ્ય વચનો કહ્યાં.
'હે કર્ણ,જેમ,સરિતાઓને સમુદ્ર આશ્રયરૂપ છે,તેમ તું મિત્રોને અશ્રયરૂપ થા.જેમ,દેવો ઇન્દ્રની પાછળ જીવે છે તેમ,તારા બાંધવો તારી પાછળ જીવો.શત્રુઓનો તું માનભંજન થા અને મિત્રોનો તું આનંદવર્ધન થા.જેમ,વિષ્ણુ,દેવતાઓનો આધાર છે તેમ,તું કૌરવોનો આધાર છે.હે કર્ણ,પૂર્વે,તેં દુર્યોધનના જયની ઈચ્છાથી કામ્બોજ યોદ્ધાઓને જીત્યા હતા.વળી,નગ્નજિત,અમ્બષ્ઠો,
વિદેહો અને ગાંધારોને પણ તેં હરાવ્યા હતા.રણસંગ્રામમાં મહાભયંકર એવા કિરાતોને તેં દુર્યોધનના તાબામાં આણ્યા હતા.
વળી,દુર્યોધનનું હિત ઇચ્છીને અનેક સંગ્રામોમાં અનેક વીરોને પરાજય આપ્યો હતો.
હવે,જેમ,દુર્યોધન જ્ઞાતિ,કુળ અને બાંધવોનો આધાર છે,તેમ તું પણ કૌરવોનો આધાર થા.જા,હું તને કહું છું કે-તું તારા શત્રુઓ સાથે સુખેથી યુદ્ધ કર.કૌરવોને યોગ્ય શિક્ષણ આપ અને દુર્યોધનને જય અપાવ.જેમ દુર્યોધન અમારો પૌત્ર છે તેમ,તું પણ અમારા પૌત્ર સરખો જ છે.આ જગતમાં યોનિના સંબંધ કરતાં સત્પુરુષોની સાથેનો સંબંધ ઉત્તમ છે,એમ વિદ્વાનો કહે છે.માટે સત્ય પ્રતિજ્ઞાવાળો થઈને 'આ મારુ છે' એમ નિશ્ચય કરીને દુર્યોધનના જેમ કૌરવોના સૈન્યનું પાલન કર.'
ભીષ્મપિતામહનાં આ વચન સાંભળીને સૂર્યપુત્ર કર્ણ તેમને વંદન કરીને સર્વ ધનુર્ધરો પાસે ગયો.અને વ્યૂહરચનામાં ગોઠવાયેલા તથા અસ્ત્ર-શસ્ત્રથી સજ્જ થયેલા સૈન્યને ધીરજ આપી.કર્ણને સર્વ સૈન્યના મોખરામાં આવેલો જોઈને દુર્યોધન આદિ સર્વ કૌરવો હર્ષમાં આવી ગયા.અને કૌરોએ સિંહનાદની ગર્જનાઓથી,બાહુઓ ઠોકવાથી તથા અનેક પ્રકારના ધનુષ્યનાં શબ્દોથી તેનું સન્માન કર્યું (18)
અધ્યાય-4-સમાપ્ત