અધ્યાય-૩-ભીષ્મ પ્રત્યે કર્ણનાં વચન
II संजय उवाच II शरतल्पे महात्मानं शयानमतितौजसम् I महावातसमुहेन समुद्रमिवशोपितम् II १ II
સંજય બોલ્યો-હે રાજન,આમ કર્ણ રથમાં બેસીને ભીષ્મપિતામહની બાણશૈય્યાવાળા સ્થાને પહોંચ્યો ને તેમને જોઈને રથમાંથી નીચે ઉતર્યો.પિતામહને જોઈને કર્ણ ભારે વેદના પામ્યો ને તેનું ગળું ભરાઈ આવ્યું ને બે હાથ જોડીને વંદન કરીને તે બોલ્યો કે-'હે પિતામહ,આપનું મંગલ હો.હું કર્ણ આપની પાસે આવ્યો છું,આપ મને કૃપાદ્રષ્ટિથી જુઓ,અને પવિત્ર-કલ્યાણકારી વાણીથી આપ મારી સાથે બોલો.અરેરે,આ જગતમાં કોઈ પણ મનુષ્યને તેનાં શુભ કૃત્યોનું ફળ મળતું નથી,કારણકે આપ જેવા ધર્મપરાયણ વડીલ આજે આ સ્થિતિએ પૃથ્વી પર સુતા છે.
હે કુરુશ્રેષ્ઠ,કોશનો સંગ્રહ કરવામાં,હિતચિંતક વિચારોમાં,સૈન્યોના વ્યૂહ રચવામાં તથા અનેક જાતની યુદ્ધકળાઓમાં,હું કુરુઓમાં આપના સરખો બીજો કોઈ પુરુષ જોતો નથી.શુદ્ધ બુદ્ધિથી યુક્ત થયેલા આપ જ કૌરવોને આ આવી પડેલા ભયમાંથી તારનારા હતા.હવે અનેક યોદ્ધાઓનો સંહાર કરીને આપ જયારે પિતૃલોક ભણી સિધાવશો,ત્યારે આજ સુધી ક્રોધે ભરાયેલા પાંડવો હવે કૌરવોનો ઘાણ કાઢી નાખશે.નિઃસંશય અર્જુન અગ્નિ સમાન અને શ્રીકૃષ્ણ વાયુ સમાન છે.જેમ,અગ્નિ અને વાયુ વૃક્ષોને બાળી મૂકે છે તેમ,અર્જુનના બાણો ધૃતરાષ્ટ્ર પુત્રોને બાળી નાખશે.શ્રીકૃષ્ણના પાંચજન્ય શંખના ઘોષને અને અર્જુનના ગાંડીવના ટંકારને સાંભળીને સર્વ સૈન્યો ત્રાસ પામી જશે.
હે વીર,શત્રુઓના સંહાર કરનારા કપિધ્વજ અર્જુનના રથના ઉછળી રહેલા શબ્દોને સહન કરવાને આપના સિવાય બીજો કોઈ પણ રાજા સમર્થ થશે નહિ.અર્જુન સામે યુદ્ધ કરવા બીજો કોઈ રાજા સમર્થ નથી.અર્જુને નિવાત-કવચ આદિ રાક્ષસો સાથે અને શંકર સાથે પણ યુદ્ધ કર્યું છે અને શંકર પાસેથી દુર્લભ વરદાન મેળવ્યું છે.પૂર્વે આપે પરશુરામને પણ હરાવ્યા હતા છતાં પણ તે અર્જુનને આપ જીતી શક્યા નથી તો તે અર્જુનને બીજો કયો પુરુષ જીતી શકશે?હું એ અર્જુનને સહન કરી શકું તેમ તો નથી જ છતાં આપની આજ્ઞા થાય તો આંખોને આંજી નાખનારા તે અર્જુનને હું અસ્ત્રના બળથી હણી શકીશ (25)
અધ્યાય-3-સમાપ્ત